પ્રાણીઓ પ્રદૂષણ સામે કઈ રીતે ઝીંક ઝીલે છે?

માણસ જેટલી કચરો પેદા કરતી કોઈ જાતિ નથી.  આ વાત છે પર્યાવરણને અનુલક્ષીને. ડાયૉક્સિન, ફિનાઇલ, હાઇડ્રૉકાર્બન અને કેટલાક જંતુનાશકો વિઘટન પામવામાં એટલાં ધીમાં હોય છે કે તેઓ પર્યાવરણમાં પેઢીઓની પેઢીઓ સુધી રહે છે. આની સામે પ્રાણીઓ પર્યાવરણની જાળવણીમાં તેમનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે. ભૂંડ હોય કે ઉંદર તેઓ નવા શહેરી વાતાવરણમાં ટકી રહે છે.માનવે પર્યાવરણને નુકસાન પહોંચાડીને હવામાન પરિવર્તન કર્યું છે તેની સામે જે પ્રાણીઓ ટકી શકવા સક્ષમ છે તેઓ તેમના જનીનો નવી પેઢીને પસાર કરે છે. આ રીતે કુદરત પણ પર્યાવરણની જાળવણીમાં પ્રાણીઓને માધ્યમ બનાવીને નિમિત્ત બને છે. પરંતુ સાથે એ પણ ચિંતાનો વિષય છે કે માનવ સિવાયના પ્રાણીઓ કેટલા ટકી શકશે? કારણ કે ચકલીથી માંડીને વાઘ…આ તમામ પશુપક્ષીઓની જાત વધુને વધુ શહેરીકરણ, માનવોની વધતી જતી વસતિ અને તેની જરૂરિયાતો પૂરી કરવા માટે મકાન, ઑફિસો, સ્કૂલો, કૉલેજો, સરકારી કચેરીઓ…આ બધામાં નાશ પામી રહી છે.

પ્રાણીઓમાં એવું જણાયું છે કે તેઓ પ્રદૂષિત વાતાવરણને અનુકૂળ થવા પ્રયાસ કરે છે અને જે પર્યાવરણ સજીવો માટે પ્રતિકૂળ હોય તેમાં પણ તેઓ ટકી જતા હોય છે, પરંતુ આ પરિવર્તન ઉત્ક્રાંતિ લાવતા હોય છે. પ્રદૂષણ જેવી સમસ્યાના આદર્શ ઉકેલો તો હોઈ શકે પરંતુ તેની પ્રજનન જેવી અન્ય પ્રક્રિયા પર અતિ ખરાબ અસર થઈ શકે છે. આનો અર્થ એ થાય કે જો પ્રાણીઓ પ્રદૂષિત વાતાવરણમાં ટકી જવા શરૂઆતમાં સફળ થઈ જાય તો પણ તેમણે લાંબા ગાળાનાં પરિણામો સામે ઝઝૂમવું તો પડે અને આ પરિણામો કયાં હોઈ શકે તેનું અનુમાન કરવું અઘરું છે. વળી, તેનાથી તેમની વસતીમાં ઘટાડો થવાની પણ શક્યતા હોઈ શકે છે.

આ ઉપરાંત ત્રીજી એક શક્યતા એ છે કે માનો કે આ પ્રાણીઓ પ્રદૂષિત વાતાવરણમાં ટકી જાય, તેમની પર કોઈ આડ અસર ન થાય તો પણ એક શક્યતા એ છે કે તેમની ભાવિ પેઢી તેમના પૂર્વજોથી અલગ જ હોઈ શકે.

ગયા મહિને કાન્સાસ સ્ટેટ યુનિવર્સિટી અને જુઆરેઝ ઑટોનૉમસ યુનિવર્સિટી ઑફ ટેબેસ્કોના સંશોધકોએ પોતાના સંશોધન થકી આ તથ્યની પુષ્ટિ કરી છે. તેમણે એ તપાસ કરી હતી કે ઝેરી વાતાવરણમાં કઈ રીતે જીવનથી અનેક (મલ્ટિપલ) સ્વતંત્ર ઉત્ક્રાંતિ વંશોને આકાર મળ્યો છે.

દક્ષિણ મેક્સિકોમાં નદીમાં ઝેરી વાતાવરણ છે જે હાઇડ્રૉજન સલ્ફાઇડ વગેરેના કારણે છે તેમાં માછલીના અનેક (મલ્ટિપલ) સ્વતંત્ર વંશોના પૉએસિલા મેક્સિકાના સજીવો બનેલા છે. માછલીઓ સલ્ફરિક વાતાવરણમાં નજીકની વસતિ કે જે સલ્ફર વગરના વાતાવરણમાં હોય છે તેનાં કરતાં વર્તન, શારીરિક અને દૈહિક રીતે અલગ હોય છે. હાઇડ્રૉજન સલ્ફાઇડ નજીકના જ્વાળામુખીના કારણે હોય છે. ઉપરાંત પેટ્રૉલિયમ રીફાઇનરીઓ, કાગળની મિલો અને ગટરમાંથી પણ હાઇડ્રૉજન સલ્ફાઇડ પાણીમાં ભળી શકે છે.

સલ્ફરિક અને બિન સલ્ફરિક વાતાવરણની વસતી એકબીજાથી સાવ વિખૂટી હોય છે અને તેમનામાં ઉત્ક્રાંતિની પ્રક્રિયા સતત ચાલુ હોય છે. આથી તેઓ કુદરતી પ્રયોગશાળા તરીકે જ કામ કરે છે જેના આધારે વૈજ્ઞાનિકોને જાણવા મળે છે કે પ્રાણીઓ પ્રતિકૂળ વાતાવરણને કઈ રીતે અપનાવે છે.

હાઇડ્રૉજન સલ્ફાઇડ એ શ્વસન તંત્ર માટે ઝેરી છે. તેનાથી ઊર્જા નિર્માણ ધીમું અને બિનઅસરકારક થાય છે. હાઇડ્રૉજન સલ્ફાઇડને બિનઝેરી કરવા માટે જે સમર્પિત પ્રૉટિન અને ચયાપચયની પ્રક્રિયાઓ હોય છે તેની રીતે ઘણી બધી ઊર્જાની જરૂર પડે છે.

સજીવોમાં આ રીતે ઊર્જાની તંગી પડે છે તેના લીધે વૈજ્ઞાનિકોએ કલ્પના કરી છે કે હાઇડ્રૉજન સલ્ફાઇડથી પ્રદૂષિત વાતાવરણમાં સજીવોએ પોતાની ઊર્જાની જરૂરિયાત સ્વચ્છ વાતાવરણમાં રહેલી માછલી કરતાં ઓછી કરી નાખી હશે.