એક સ્ત્રી ત્રણ રૂપ (વહીદા રહેમાન)

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, ૧૯૬૭ના દીપોત્સવી અંકનો.


જેમની હિંદી અને ઉર્દૂ નવલકથાઓ લોકપ્રિયતાનું શિખર સર કરી ચૂકી છે અને હવે રૂપેરી પરદા પર ઝીલાવા લાગી છે એવા નવલકથાકાર ગુલશન નંદા અહીં એમની નવલકથા ‘નીલ કમલ’ની નાયિકાની ભૂમિકા ભજવતી
વહીદા રહેમાનનાં ત્રણ રૂપની રસમય ઝાંખી કરાવે છે.

ઓગણીસો સાઠના સાવનની સુહાની સાંજ હતી. પવન પ્રીતનો પાવો બજાવતો હતો, વાદળીઓ ઘેલી થઈને વરસતી હતી. અંધેરીના ગુરુદત્ત સ્ટુડિયોનાં પ્રવેશદ્વારમાં ટૅક્સી દાખલ થઈ ત્યારે મોસમ બહેકી ચુકી હતી, ધરતી મહેંકી રહી હતી. ટૅક્સીમાંથી ઉતરી ઝડપથી સ્ટુડિયોના દરવાજામાં ધસી ગયો છતાં એક જોરદાર ઝાપટું જીદ કરીને મને પલાળી ગયું. ‘ચૌદવીકા ચાંદ’ બાદ ગુરુદત્ત નવાં ચિત્રની તૈયારીમાં પડ્યા હતા. સાદીબાબુ મારફત તેમણે મને તેડું મોકલ્યું હતું. મારી ‘નીલકમલ’ નવલકથા તેમના મનમાં જચી ગઈ હતી. એ અંગે વાટાઘાટ કરવા મને સ્ટુડિયો પર બોલાવ્યો હતો.

સ્ટુડિયોના સંચાલક શ્રી. ગુરુસ્વામીની ઑફિસ તરફ ગયો દાખલ થતાં જ દરવાજે પગ થંભી ગયા. ગુરુસ્વામીની ખુરસી ખાલી હતી પણ ઑફિસ ખાલી નહોતી. એક યુવતી ચોપડી વાંચતી બેઠી હતી. મારા પગરવ સાંભળીને તેણે ડોક ઉંચી કરી. સાંવરા મુખ પર ખલેલ પડ્યાનો થોડો ખચકાટ હતો. એની લાંબી આંખોમાં પ્રશ્ન ઉપસી આવ્યો-કેમ, કોનું કામ છે?

‘ગુરુસ્વામીજી નથી?’ મેં અંદર દાખલ થઈને પુછ્યું. તેણે પુસ્તકના પાના પર નજર પરોવતાં કહ્યું: ‘હમણાં આવશે બેસો.’ અને હું વધુ પુછપરછ ન કરી બેસું એટલા માટે વાંચનમાં મગ્ન થઈ ગઈ.

મેં ઉડતી નજરે તેનું નિરીક્ષણ કર્યું. સાદી સાડી, સાંવરો વાન, કોઈ પ્રકારનો શ્રૃંગાર કરેલો નહીં. હશે કોઈક… એમ વિચારીને નજર પાછી ખેંચવા જાઉં ત્યાં તેણે હાથમાં પકડેલાં પુસ્તકનાં ટાઈટલ પર નજર ચોંટી ગઈ. ‘પથ્થર કે હોઠ…’ અરે, આ તો મારી જ નવલકથા વાંચી રહી છે. કોઈ સ્ત્રીને આટલા રસપૂર્વક પોતાની નવલ વાંચતી જોઈ ગમે તે લેખકને કહેવાની લાલચ થઈ આવે કે: તમે મને ઓળખતા નથી લાગતા, આ પુસ્તકનો લેખક હું જ છું… પણ મને એ અજગતું લાગ્યું. મેં મનને વાર્યું. આમ ઓળખાણ આપવી ઠીક નહીં.

થોડીવાર તેને હું ધારી ધારીને જોતો રહ્યો. નજર ઉંચી કરે તો એને કંઈક પુછું, પણ તે વાંચવામાં લીન થઈ ગઈ હતી. આખરે મારી ધીરજ ખુટી, મેં પુછી જ લીધું: ‘નવલકથા તમને કેવી લાગી?’

ચમકીને તેણે ઊંચુ‘ જોયું. મેં આમ પૂછીને તેના વાંચનમાં ખલેલ પાડી હોય એવો ભાવ તેની આંખોમાં ઝબકી ગયો. તેને એમ લાગ્યું હશે કે હું તેને વાતોમાં ખેંચવા માટે આમ પૂછી રહ્યો છું એટલે ઝડપથી ‘સરસ લાગી, હજુ અર્ધે જ પહોંચી છું.’ એમ કહી વાંચનમાં લાગી જવા માગતી હતી પણ તે પહેલાં મેં આગલો સવાલ છોડ્યો: ‘તમે ફિલ્મ લાઈન સાથે સંકળાએલા છો?’

‘હા, થોડી-ઘણી’ તેણે મલકીને ટુંકો ને ટચ જવાબ આપ્યો. પણ વાર્તાલાપ વધારવા માટે તે કાફી હતો. મેં તેનો અભિપ્રાય પૂછ્યો: ‘તમને શું લાગે છે, ‘પથ્થર કે હોઠ’ પરથી ફિલ્મ ઉતારવામાં આવે તો તેની નાયિકા ચાંદની ભૂમિકાને કઈ હિરોઈન ન્યાય આપી શકે?’

તેણે આવા પ્રશ્નની અપેક્ષા રાખી નહિ હોય એટલે વિસ્મયથી આંખો પહોળી કરી મને જોવા લાગી. સ્ટુડિયોમાં આલતું ફાલતું માણસો પણ ફિલ્મ ઉતારવાની વાત કરતા હોય છે તેનો એને અનુભવ હશે એટલે તેણે મારા સવાલને વધુ મહત્ત્વ ન આપ્યું: ‘ચાંદનું પાત્ર ભજવી શકે એવી આપણે ત્યાં ઘણી સારી અભિનેત્રીઓ છે.’

‘પણ મને તો એક જ અભિનેત્રી દેખાય છે.’ મેં દલીલ કરી: ‘અને તે વહીદા રહેમાન. એ એક જ આ પાત્રને પૂરો ન્યાય આપી શકે.’

તેનાં ભવા ઉંચા થઈ ગયાં: ‘તમે શેના આધારે કહો છો કે વહીદા જ એ કરી શકે?’

‘પ્યાસા’ માં તેનો અભિનય જોયો એના આધારે તવાયફના પાત્રને તેણે કેટલું પ્રાણવાન બનાવ્યું હતું! પછી ઉમેર્યું: ‘આ નવલકથાની નાયિકા પણ તવાયફ જ છે ને!’

સાંભળીને તેનો અણગમો ઉછળી આવ્યો. મને થયું કે આ સ્ત્રીને વહીદા સામે કંઈક વાંધો હોવો જોઈએ. તે એની પ્રશંસા જીરવી શકતી નથી. તેણે સાફ સુણાવી દીધું: ‘તમારી ભૂલ થાય છે. કોઈ અભિનેત્રીને એક ફિલ્મના અમુક રોલમાં જોયા પછી તે ટાઈપના બધા જ રોલ તે કરી શકે એમ ન માની લેવાય. બાહોશ અભિનેત્રી તો એ કહેવાય જે ગમે તેવી વિકટ ભૂમિકા ભજવવાનો પડકાર ઝીલી શકે.’

હું કહેવા જતો હતો કે વહીદા રહેમાન મારે મન એવી બાહોશ અભિનેત્રી જ છે પણ ત્યાં તો ગુરુસ્વામી આવી ચડ્યા. અમારી ચર્ચા ત્યાં સંકેલાઈ ગઈ. મને ‘આવો કેમ છો?’ કહી ગુરુસ્વામી તેમની ખુરસી પર બેઠા. પેલી સ્ત્રી તેની સાથે તામિલમાં વાત કરવા લાગી. મારી સમજમાં કંઈ ઉતર્યું નહીં. મને તો એ જાણવાની તાલાવેલી લાગી હતી કે ગુરુદત્ત સ્ટુડિયોમાં જ વહીદા રહેમાનની પ્રશંસા ઝીરવી ન શકનારી આ ઓરત કોણ છે?

એ માટે બહુ વાર થોભવું ન પડ્યું. તે ઉંચી પાતળી અને દેખાવમાં સાદી-સીધી દેખાતી સ્ત્રી ઊઠીને બહાર જવા લાગી. એ દરવાજે પહોંચી હશે ત્યાં ગુરુસ્વામીને યાદ આવ્યું! ‘અરે મેડમ, જરા ઉભા રહો તો. આ મહાશયની તમને ઓળખાણ કરાવું.’

તે પાછી ફરી. ગુરુસ્વામીએ મારા તરફ હાથ કરી તેને કહ્યું: ‘આ છે જાણીતા લેખક ગુલશન નંદા-જેમની લોકપ્રિય નવલકથા તમે હાલ વાંચી રહ્યા છો.’

મારું નામ સાંભળીને તે હેબતાઈ ગઈ. ‘ઓહ…!’ કહી આનંદ અને અચંબાની લાગણી સાથે તેણે નમસ્તે કરવા હાથ જોડ્યા એ જ વખતે ગુરુસ્વામીએ મને તેની ઓળખાણ આપી: ‘અને આ છે વહીદા રહેમાન…’ સાંભળીને હું ડઘાઈ ગયો, ભોંઠો પડી ગયો. જેના અભિનયની ખુલ્લા દિલે હું પ્રશંસા કરતો હતો તે ખુદ મારી સાથે વાત કરતી હતી છતાં હું તેને પીછાણી ન શક્યો! અમે બન્ને એક બીજા માટે કંઈક જુદું જ ધારી લેવા માટે અસ્વસ્થતા અનુભવતા થોડીવાર બાધાની જેમ ચુપચાપ ઊભા રહ્યા.

વહીદાએ જ ખામોશી તોડી: ‘સોરી, વગર ઓળખાણે મારાથી તમને કંઈ વધુ પડતું કહેવાય ગયું હોય તો… હકીકતમાં તો હું તમારી ‘ફેન’ જેવી છું. તમારી ઘણી બધી નવલકથાઓ વાંચી છે મેં.’

‘તારીફ માટે શુક્રિયા.’ મેં નમ્રભાવે કહ્યું: ‘દિલગીરી તો મારે વ્યક્ત કરવી જોઈએ કે તમને અનેકવાર પરદા પર જોયા હોવા છતાં અત્યારે પીછાણી ન શક્યો.’

અમારી હાલત પર હસતા હોય તેમ ગુરુસ્વામી મલકીને બોલ્યા: ‘મિસ્ટર નંદા, તામિલમાં મને એ કહી રહી હતી કે, હું આ નોવેલમાં રસમગ્ન હતી ત્યાં આ મહાશય ટપકી પડ્યા. હવે મારે મેક-અપ રૂમમાં જઈને એ પૂરી કરવી પડશે.’

વહીદા રહેમાન જેવી એક સમજદાર અભિનેત્રી પોતાના પુસ્તકમાં આટલી બધી દિલચસ્પી ધરાવતી હોય એ જાણીને ક્યા લેખકને આનંદ ન થાય? મેં કહ્યું: ‘મેડમ, વાંચક અને કૃતિ વચ્ચે કર્તાએ વિઘ્નરૂપ ન થવું જોઈએ.’ પછી હસીને ઊમેર્યું: ‘આ નવલકથા પૂરી કરીને મને કહેજો કે ચાંદનાં પાત્રમાં વહીદા રહેમાનની પસંદગી કેવી ગણાય.’

તેના નાજુક હોઠો વચ્ચેથી સ્મિત ફૂટી નીકળ્યું. જતાં જતાં તે કહેતી ગઈ: ‘સાચો કલાકાર ગમે તે પાત્રને જીવંત કરી શકે એવી તેનામાં શક્તિ હોવી જોઈએ અને સિદ્ધહસ્ત લેખક એક જ પાત્રમાં બે રૂપ ઉપસાવી શકે એવી તેની કલમમાં તાકાત હોવી જોઈએ.’

તે ચાલી ગઈ પણ મને એક પડકાર ફેંકતી ગઈ. વહીદા રહેમાનની એ આકસ્મિક અને અનોખી મુલાકાતની રાતે હું ઊંઘી શક્યો નહીં. વહીદાને ઓળખી ન શકવા માટે વારંવાર મનને હું ઠપકો આપતો હતો. તેણે ફેંકેલો પડકાર મારામાં રહેલા લેખકને સંતાપતો હતો.

૧૯૬૨માં ગુરુદત્તે ‘નીલકમલ’ના હક્ક મારી પાસેથી ખરીદી લીધા ત્યારે સૌથી વધુ આનંદએ થયો કે પરદા પર વહીદા મારી નવલકથાની નાયિકા બનશે. પણ માણસ જેની બહુ ઝંખના સેવે છે તે પહેલા તો તેનાથી દૂર થતું જાય છે. ગુરુદત્તે ‘સાહેબ, બીબી ઓર ગુલામ’ હાથ ધર્યું અને ‘નીલકમલ’ મુલતવી રહ્યું.

ત્યારે પછી તો મારી બીજી નવલકથાઓ પરથી ફિલ્મો બનવા લાગી. હું તેમાં વ્યસ્ત બની ગયો અને વહીદાને મળવાનો મોકો ન મળ્યો. મારી નવલકથા ‘માધવી’ પરથી મહેશ્ર્વરી બંધુઓએ ‘કાજલ’ ચિત્ર પૂરુ‘ કર્યા પછી તેમણે મારી પાસે બીજી કથાની માગણી કરી. ગુરુદત્તે ‘સાહેબ બીબી ઔર ગુલામ’ પૂરું કરી ‘બહારે ફીર ભી આયેગી’ ફિલ્મ હાથ પર લીધી હતી. હું તેમને મળવા ગયો. જો હરકત ન હોય તો ‘નીલકમલ’ના હક્કો મને પાછા આપી દેવા મેં માગણી કરી. ગુરુદત્તની એક ખાસિયત હતી. તેમને બહુ ગમી જાય એવી કથા તે ખરીદી લેતા. તેમણે મને એ મુલાકાતમાં કહેલા શબ્દો આજે ય યાદ છે: ‘નંદાજી, તમારી નવલકથા પાછી આપવા મન નથી માનતું…’ તે થોડીવાર અટકયા અને પછી ગંભીર ભાવે કહ્યું: ‘પણ કોણ જાણે મેં લીધેલી આટલી બધી કથાઓને હું ક્યારે ઉપયોગમાં લઈ શકીશ?’

આ શબ્દોમા તેમના અકાળ અવસાનનો આડકતરો ઈશારો હશે એની તો કોઈને ય કલ્પના ક્યાંથી હોય?

‘નીકલમલ’ને ‚રૂપેરીરૂપ આપવા માટે તેમાં પણ ફેરફારો કર્યાં. તેની પાછળ પણ વહીદા રહેમાનનો પડકાર ભાગ ભજવી ગયો હતો. જ્યારે ‘નીલકમલ’ની હીરોઈનની પસંદગી કરવા અમે બધા બેઠા ત્યારે અનાયાસ જ મારી જબાન પરથી વહીદાનું નામ ટપકી પડ્યું. સૌએ આ સૂચન આવકાર્યું અને વહીદા સમક્ષ પ્રસ્તાવ મૂકવાની જવાબદારી મારા પર આવી પડી.

તેને ઘેર જ અમારી મુલાકાત ગોઠવાઈ. પહેલાં કરતાં વહીદા મને વધુ ફ્રેશ અને સ્કૂર્તિલી લાગી.  ‘નીલકમલ’ના હક્ક મેં ગુરુદત્ત પાસેથી પાછા લઈ લીધા હતા એ તે જાણતી હતી. મેં પ્રસ્તાવ મૂક્યો: ‘શ્રી ગુરુદત્તે ‘નીલકમલ’ બનાવ્યું હોત તો તમે જ તેની નાયિકા હોત અને હવે પણ તમે જ એ ભૂમિકા સ્વીકારો એવો મારો આગ્રહ છે. તમે નવલકથા તો વાંચી જ હશે પણ મેં તેમાં ઘણાં બધા ફેરફારો કર્યા છે.’

‘શું નવું લાવ્યા છો એ ફેરફારોમાં? તેણે પૂછ્યુ‘.’

‘યાદ છે વહીદાજી, પહેલી મુલાકાતમાં તમે કહ્યું હતુ કે એક જ પાત્રને બે રૂપ આપવા જેટલી લેખકની કલમમાં તાકાત હોવી જોઈએ?’

‘તમે હજુય એ ભૂલ્યા નથી.’ કહીને તે હસી પડી.

‘તમે તો બે રૂપની વાત કહી હતી પણ  ‘નીલકમલ’ની નાયિકાનાં મેં ત્રણ રૂપ ઘડ્યા છે. એક જ ફિલ્મમાં તમે ત્રણ જુદા જુદા પ્રકારની ભૂમિકાઓ કરી શકો એવી તેમાં તક છે.’

‘એટલે હવે તમે મારી સમક્ષ પડકાર લઈને આવ્યા છો એમ ને?’ તેણે ખેલદિલીભર્યાં અવાજે કહ્યું: ‘ભલે તો સંભળાવો.’

કથા સાંભળીને તે ખુશ થઈ ગઈ અને એક જ વાક્યમાં પોતાનો અભિપ્રાય આપી દીધો: ‘ભલે હું આ ચૅલેન્જ ઉપાડી લઉં છુ‘.’

‘નીલકમલ’ના એક પછી એક રીલ તૈયાર થતા ગયાં તેમ તેમ વહીદાને તેના ત્રણ રૂપમાં નીહાળતો ગયો છું એક તો પૂર્વ જન્મની રાજકુંવરી નીલકમલ, જે એક કલાકારની પ્રેરણામૂર્તિ હતી. બીજી આધુનિક જમાનાની કૉલેજ ગર્લ, જે મનમોજી અને મિજાજી યુવતી છે… અને ત્રીજું રૂપ એક રૂઢિચુસ્ત કુટુંબની પુત્રવધુનું-જેમાં તેની અગ્નિપરીક્ષા થાય છે. આ ત્રણે પાત્રોમાં વહીદા મને નવા નવા સ્વરૂપે જોવા મળે છે. ત્યારે હું વિચારમાં પડી જાઉં છું કે આ અભિનેત્રીનું અસલ રૂપ કયું? લેખકની કલમ સામે જાણે સ્પર્ધામાં ઉતરી હોય એવી નિષ્ઠા અને ઉત્કટતાથી તે આ ત્રણે પાત્રોમાં અભિનયના પ્રાણ પૂરી રહી છે.

આટલા નિકટના સહવાસ પછી પણ મને ઘણીવાર થાય છે કે વહીદા રહેમાનને હું પૂરોપૂરો ઓળખી શક્યો નથી. તે બહુ ઓછું બોલનારી છે. અજાણ્યા સાથે જલ્દી હળીમળી જવાનો તેનો સ્વભાવ નથી.

મારી કથા પરથી તૈયાર થતાં બીજી એક ફિલ્મ ‘પથ્થર કે સનમ’ની નાયિકા પણ વહીદા જ બની છે. તેમાં તે ગામડાની પહાડી યુવતી બને છે. સેટ પર કોઈવાર હું તેને એ પોશાકમાં અભિનય આપતી નિહાળું છું ત્યારે ‘નીલકમલ’ના ત્રણ રૂપ કરતાં ક‘ઈક જુદી જ ઝલક મને વહીદામાં દેખાય છે.

આ વહીદા મારી નવલકથા ‘પથ્થર કે હોઠ’ની તવાયફ ‘ચાંદ’ની ભૂમિકા કરે એવી ખ્વાહિશ તો વહીદા સાથે પેલી અણધારી મુલાકાત થઈ તે પહેલાંની મારા મનમાં રમી રહી હતી. હવે તેના ફિલ્મ નિર્માણની તૈયારી નિર્માતા શ્રી. પ્રસાદજી કરી રહ્યા છે.