શ્રીદેવી: પ્રથમ ‘મહિલા સુપરસ્ટાર’ની પ્રથમ પુણ્યતિથિ…

હિન્દી તથા દક્ષિણ ભારતીય ફિલ્મોનાં જાજરમાન, ટેલેન્ટેડ અભિનેત્રી શ્રીદેવીએ આ ફાની દુનિયામાંથી અચાનક કાયમી વિદાય લીધાંને આજે એક વર્ષ પૂરું થયું છે. ગયા વર્ષે 24મી ફેબ્રુઆરીએ દુબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં પોતાનાં રૂમમાં શ્રીદેવી મૃત હાલતમાં મળી આવ્યાં હતાં.

54 વર્ષીય શ્રીદેવી એમનાં આયુષ્યનાં આખરી દિવસનાં હજી બે-ત્રણ દિવસ પૂર્વે જ દુબઈમાં એમનાં ભાણેજનાં લગ્નના ઉજવણી કાર્યક્રમોમાં રાબેતા મુજબ આનંદ માણતાં હતાં એવી તસવીરો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ હતી, પણ 24 ફેબ્રુઆરીની એ વહેલી સવાર ઘણા લોકો ભૂલી નહીં શકે જ્યારે એવા આઘાતજનક સમાચાર ચમક્યા હતા કે શ્રીદેવીનું નિધન થયું છે. શ્રીદેવી હોટેલમાં એમનાં રૂમનાં ટબમાં ડૂબેલી હાલતમાં મૃત મળી આવ્યાં હતાં. શરૂઆતમાં એવા અહેવાલો હતા કે શ્રીદેવીનું મૃત્યુ હૃદયરોગના હુમલાને કારણે હૃદય બંધ પડી જવાનને કારણે થયું હતું, પણ બાદમાં તપાસ પરથી માલુમ પડ્યું હતું કે એ બાથટબમાં ડૂબી જવાથી અકસ્માતપણે મૃત્યુ પામ્યાં હતાં.

ચરિત્ર અભિનેતા અનુપમ ખેરે કહ્યું છે કે, ‘શ્રીદેવી હયાત નથી એવું કોઈનું મન ક્યારેય માનશે નહીં. મારા સહિત એમનાં કરોડો ચાહકો હંમેશાં એવું જ માનીને ચાલશે કે શ્રીદેવી હજી હયાત છે, કારણ કે એ ઘટના ખૂબ અચાનક બની ગઈ હતી અને એટલી બધી આઘાતજનક પણ હતી.’

સદ્દગત માતાની યાદમાં જ્હાન્વી કપૂરનું લાગણીભર્યું લખાણ

શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રી જ્હાન્વી, જેણે શ્રીદેવીનાં નિધનના અમુક જ મહિના બાદ ‘ધડક’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી, એણે તેની ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક તસવીર મૂકીને લખ્યું છેઃ ‘મારું હૃદય હંમેશાં ભારે રહેશે, પરંતુ હું હંમેશાં હસતી રહીશ, કારણ કે એમાં તમે વસો છો.’

httpss://www.instagram.com/p/BuOra4rn8L2/

શ્રીદેવીએ એમની ફિલ્મી કારકિર્દી તેઓ જ્યારે ચાર વર્ષનાં જ હતા ત્યારે શરૂ કરી હતી. એક તામિલ ફિલ્મમાં એ બાળકલાકાર તરીકે ચમક્યાં હતાં. બાદમાં એમણે મલયાલમ, તેલુગુ અને કન્નડ ભાષાની પણ ફિલ્મો કરી હતી. 1978માં ‘સોલવા સાવન’ એમની પહેલી હિન્દી ફિલ્મ હતી. ચાર દાયકાની કારકિર્દી દરમિયાન એમણે સેંકડો ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

શ્રીદેવી છેલ્લે 2017માં ‘મોમ’ ફિલ્મમાં જોવા મળ્યાં હતાં. એ ફિલ્મમાં એમણે કરેલા અભિનય બદલ એમને શ્રેષ્ઠ અભિનેત્રીનો રાષ્ટ્રીય પુરસ્કાર મરણોત્તર આપવામાં આવ્યો હતો.

શ્રીદેવી 1980 અને 1990ના દાયકાઓમાં તો ટોચનાં અભિનેત્રીઓમાંનાં એક હતાં. એમને ભારતીય ફિલ્મોનાં ‘પ્રથમ મહિલા સુપરસ્ટાર’ ગણવામાં આવ્યાં છે.

‘ચાલબાઝ’ ફિલ્મમાં કરેલા ડબલ રોલ, ‘સદમા’ ફિલ્મમાં સ્મૃતિભંશનો ભોગ બનેલી યુવતીનો રોલ, ‘નગીના’માં નાગણનું સ્વરૂપ ધારણ કરતી સ્ત્રી, ‘મિસ્ટર ઈન્ડિયા’ની મહિલા ક્રાઈમ પત્રકાર, ‘ઈંગ્લિશ વિંગ્લિશ’નાં પ્રેમાણ માતા, ‘મોમ’ ફિલ્મમાં આક્રમક અને વેર વાળવા ઉત્સૂક માતાની ભૂમિકાઓ તેમજ આંખોનાં મસ્તીભર્યાં ચેનચાળાં, રમૂજી ટાઈમિંગ અને ડાન્સિંગ કૌશલ્યને કારણે શ્રીદેવી દર્શકો-પ્રશંસકોને હંમેશાં યાદ રહી જશે.

મુંબઈમાં જ્યારે એમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી ત્યારે રસ્તાઓ પર જે લાખોની મેદની એકત્ર થઈ હતી એ જ એમની લોકપ્રિયતાનો પુરાવો હતો.

અનેક ફિલ્મોમાં શ્રીદેવીનાં હિરો રહી ચૂકેલા અને રીયલ લાઈફમાં દેવર બનેલા અનિલ કપૂરે કહ્યું કે, ‘અમારા ઘરમાં જ્યારે પણ કોઈ પ્રસંગ આવે છે અથવા અમારે કોઈ પ્રસંગમાં જવાનું આવે ત્યારે હંમેશાં અમને શ્રીદેવીની ખોટ સાલે છે. પરિવારમાં ખાલીપણું લાગે છે.’