‘ખુલ્લી સડક’થી લોકોના હૃદય સુધી પહોંચેલા આવારા પ્રેમરોગી રાજ કપૂર

રાજ કપૂર: દૂરદર્શન-વિડીઓ દર્શન

રાજ કપૂરે એમની ફિલ્મોને દૂરદર્શનથી દૂર જ રાખેલી. કારણ કે ટીવી પર પ્રદર્શિત કરવા દૂરદર્શન તરફથી મળતી નજીવી રકમથી તેઓ અત્યંત નારાજ હતા. ઘણીવાર તેઓ દલીલ કરતા, ‘ચિત્રહારમાં એક ગીત પ્રદર્શિત કરવા માટે દૂરદર્શન નિર્માતાઓ પાસેથી ૩૫ હજાર રૂપિયાની માગણી કરતાં અચકાતા નથી, તો પછી નજીવી રકમ માટે અમારે શા માટે ફિલ્મોના પ્રસારણની પરવાનગી આપવી જોઈએ?’ મદ્રાસ દૂરદર્શને ગેરકાયદેસર રીતે શનિવારની એક સાંજે ફિલ્મ ‘બોબી’નું પ્રસારણ કર્યું તો રાજ કપૂરે એમના વકીલ મારફત મદ્રાસ દૂરદર્શન સામે ચાલીસ લાખ રૂપિયાનો નુકસાનીનો દાવો માંડ્યો હતો. કોર્ટમાં કેસ લગભગ એક વરસ ચાલ્યો. પણ અધવચ્ચે જ મદ્રાસ દૂરદર્શને મોકલેલી માફીનો સ્વીકાર કરી લીધો હતો. અને કેસ પાછો ખેંચી લીધો હતો. કદાચ સરકાર સામે મોરચે નહોતું ચઢવું. આ પુરવાર કરે છે કે રાજ કપૂરનો ગુસ્સો થોડા સમય માટે જ રહેતો.

દૂરદર્શન પર ભલે નહીં પણ એમની ફિલ્મોએ વિડીઓ પર દર્શન દીધા છે. રાજ કપૂર દાદાસાહેબ ફાળકે એવૉર્ડ સ્વીકારવા દિલ્હી જતાં પહેલાં થોડા દિવસો અગાઉ જ ગરવારે ગોલ્ડ કંપની સાથે એમની અઢાર ફિલ્મો વિડીઓ પર બહાર પાડવા સહી-સિક્કા કર્યા હતા. કહેવાય છે કે ગરવારે કંપનીએ હક્ક મેળવવા રાજ કપૂરને ૯૦ લાખ રૂપિયા ચૂકવ્યા હતા. સરકારી નિયમ પ્રમાણે એવૉર્ડ સ્વીકારતા અગાઉ ઈન્કમટૅક્સની કોઈ પણ રકમ લેણી ન નીકળતી હોવી જોઈએ. અને આ જ કારણોસર રાજ કપૂરે ગરવારે સાથે કરાર કર્યા હોવાનું મનાય છે. આ મહિનાની દસમી તારીખથી રાજ કપૂરની અઢાર ફિલ્મોના વિડીઓ કેસેટનો સેટ રૂપિયા અઢી હજારની કિંમતે વેચાણમાં મૂક્યો છે.

*********

રાજ કપૂર-હિન્દુજા કનેક્શન

રાજ કપૂરની ફિલ્મો માત્ર રશિયામાં જ મશહૂર નહોતી. ઈરાનમાં પણ અભૂતપૂર્વ લોકપ્રિય નીવડેલી જેનો શ્રેય હિન્દુજા બંધુઓને આપવો રહ્યો. ૧૯૭૦ના દાયકામાં હિન્દુજા બંધુએ સાઠ-સિત્તેર હજાર રૂપિયામાં રાજ કપૂરની ‘સંગમ’ ફિલ્મના ઈરાનના વિતરણ હક્કો મેળવ્યા અને ‘સંગમ’ ત્યાં એટલી જોરમાં ચાલી કે હિન્દુજાનો શ્રીમંતો સાથે સંગમ થઈ ગયો. ઈરાનમાં એકીસાથે સો થિયેટરમાં ‘સંગમ’ રજૂ થઈ અને પાટનગર તહેરાનમાં તો એક વરસ ચાલી પછી તો ઝડપભેર અબજ રૂપિયા જેટલી સંપત્તિ જમા થઈ ગઈ. રાજ કપૂરની શુકનિયાળ ફિલ્મના નામ પરથી એમણે પોતાની એક કંપનીનું નામ પણ ‘સંગમ’ રાખ્યું. હિન્દુજા બંધુઓ ‘બોફર્સ’ પ્રકરણ સાથે સંકળાયેલા છે કે નહીં એ આપણે નથી જાણતાં પણ રાજ કપૂર સાથે સંકળાયા બાદ નામના અને અઢળક ધન અવશ્ય કમાયા.