‘પદ્માવતી’ ટ્રેલરમાં રાજપૂતોનું શૌર્ય, યુદ્ધનાં વિઝ્યુઅલ્સની ભવ્યતા…

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવતી’ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. એમાં રાજપૂત રાણી પદ્માવતી તથા મધ્યયુગના દિલ્હી શાસક અલાઉદ્દીન ખિલજીના પાત્રો વચ્ચેના કોઈ રોમેન્ટિક એન્ગલને બદલે રાજપૂતોની બહાદુરી પર ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ફિલ્મના શૂટિંગ વખતે રાજપૂત સમુદાયના એક ગ્રુપ, કરણી સેનાએ કરેલા હિંસક વિરોધનું આ પરિણામ હોય એવું લાગે છે.

ટ્રેલર જોઈને ભણસાલીની મહેનતને દાદ દેવી પડે. ટ્રેલર જોયા બાદ દર્શકોની આ ફિલ્મ જોવાની તાલાવેલી વધી જશે.

ટ્રેલર પરથી બીજી એક વાત પણ એ માનવી પડે કે ભણસાલીએ ‘બાહુબલી’ ફિલ્મની ભવ્યતાનું પુનરાવર્તન કર્યું છે, ખાસ કરીને યુદ્ધનાં દ્રશ્યો ફિલ્માવતી વખતે. વિઝ્યુઅલ્સ પ્રભાવિત કરે એવા છે.

રાણી પદ્માવતીનો રોલ ભજવનાર દીપિકા પદુકોણ રાજપૂતની શાન અને ઠસ્સો બતાવી રહી છે. રાજપૂત રાજા મહારાવલ રતનસિંહની ભૂમિકામાં શાહિદ કપૂર પણ જામે છે. આખા ટ્રેલરમાં માત્ર બે જ ડાયલોગ છે, જે બંનેમાં રાજપૂતની શાનનાં ગુણગાન છે. એક ડાયલોગ રાજા રતન સિંહનો છે અને બીજો રાણી પદ્માવતીનો. દીપિકાને અપાયેલો આ ડાયલોગ છેઃ ‘રાજપૂતી કંગન મેં ઉતની હી તાકત હૈ જીતની રાજપૂત તલવાર મેં હૈ…’

પરંતુ એકેય ડાયલોગ બોલ્યા વગર જો ટ્રેલરમાં છવાઈ ગયો હોય તો એ છે ખિલજી બનેલો રણવીર સિંહ.

રણવીરના ચહેરાનો લૂક ગજબનો પ્રસ્તુત કરવામાં આવ્યો છે. નાયક હોવા છતાં રણવીર આ પાત્રમાં ખલનાયક તરીકે પોતાને પ્રશંસનીય રીતે બતાવી શક્યો છે. ટ્રેલરમાં ખિલજીનો ઘમંડ, એની તાકાત, એનો ગુસ્સો આ બધું જ બતાવવામાં આવ્યું છે.

રાણી પદ્માવતી અને રાજા રતનસિંહના રોલમાં દીપિકા અને શાહિદ એકદમ સરસ છે. તેમ છતાં ખિલજીના રોલ સામે આ બંનેનાં રોલને ફિક્કો પડી જશે એવું ટ્રેલર પરથી લાગે છે.

આ ટ્રેલર બપોરે 13.03 અથવા 1.03 વાગ્યે શા માટે રજૂ કરાયું?

ઈતિહાસની વિગત મુજબ, અલાઉદ્દીન ખિલજીએ 1303ની સાલમાં ચિતૌડનો કિલ્લો જીત્યો હતો. એ લડાઈ 8 મહિના સુધી ચાલી હતી. એ યુદ્ધનું કારણ રાણી પદ્માવતી હતી.

અલાઉદ્દીન એ ખિલજી વંશના સ્થાપક જલાલુદ્દીન ખિલજીનો ભત્રીજો અને જમાઈ હતો. રાજ હાંસલ કરવાની લાલચમાં અલાઉદ્દીને 1296ની 22 ઓક્ટોબરે એના કાકા જલાલુદ્દીનની હત્યા કરી હતી. દિલ્હીમાં લાલ મહલ ખાતે પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો હતો.

અલાઉદ્દીને બાદમાં ચિતૌડગઢને લૂંટ્યું હતું અને રાણી પદ્માવતીનાં રૂપ પર મોહી પડ્યો હતો. એને હાંસલ કરવા માટે એ કોઈ પણ હદે જવા તૈયાર થયો હતો અને માટે જ એણે ચિતૌડ પર હુમલો કર્યો હતો. રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.

ખિલજીએ એક યોજના ઘડી હતી અને રાજા રતનસિંહને એક પ્રસ્તાવ મોકલ્યો હતો કે પોતે એમની સાથે દોસ્તી કરવા માગે છે અને રાણી પદ્માવતીનાં બહુ વખાણ સાંભળ્યા છે તો પોતે એને એક વાર જોવા માગે છે. પોતે મિત્ર તરીકે અમુક સિપાહીઓની સાથે ચિતૌડગઢમાં પ્રવેશ કરવા માગે છે એવું તેણે કહ્યું હતું. પણ એમાં ખિલજીની ગુપ્ત ચાલ હતી. રતન સિંહે એની વાત માની લીધી હતી અને ખિલજીએ એની ચાલ મુજબ રતનસિંહને પકડીને કેદ કરી દીધા હતા. એણે એ શરતે એને છોડવાનું કહ્યું હતું કે જ્યાં સુધી રાણી પદ્માવતી પોતાના પડાવમાં નહીં આવે ત્યાં સુધી પોતે રતનસિંહને નહીં છોડે. સામી બાજુ, રાણી પદ્માવતીએ પણ એક ચાલ રમી હતી. એણે કહેવડાવ્યું કે પોતે એક વાર રાજા રતનસિંહને મળવા માગ એણે પોતાની અને દાસીઓની ડોલીમાં સૈનિકોને મોકલી દીધા હતા, જેમણે ખિલજીના પડાવમાં પહોંચતાવેંત હુમલો કર્યો હતો. એનાથી ખિલજી ભડક્યો હતો અને ચિતૌડના કિલ્લા પર ચઢાઈ કરી હતી. એણે ઘણા દિવસો સુધી કિલ્લાને ઘેરી રાખ્યો હતો, પરિણામે રાજપૂતી કિલ્લામાં ખાવા-પીવાનો પુરવઠો ખતમ થવા આવ્યો હતો. ત્યારબાદ જ્યારે કિલ્લામાંના લોકોએ ખિલજી સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે રાણી પદ્માવતીએ આગમાં કૂદીને પોતાનો જાન આપી દીધો હતો.

વાયાકોમ18 મોશન પિક્ચર્સ અને ભણસાલી પ્રોડક્શન્સ દ્વારા નિર્મિત ‘પદ્માવતી’ ફિલ્મ આ વર્ષની 1 ડિસેંબરે રિલીઝ થવાની છે.

(જુઓ ફિલ્મનું ટ્રેલર)

httpss://www.youtube.com/watch?v=X_5_BLt76c0