મીનાકુમારીઃ યાદ ન જાયે, બીતે દિનોં કી…

0
2294

ટ્રેજેડી ક્વીન મીનાકુમારી વેદના અને પ્રતિભાના બે પાટા પર સરકતી જિંદગી…

ટ્રેજેડી ક્વીન મીનાકુમારીને પોતાની જિંદગી નિસ્તેજ ઘટનાઓનો એક સરવાળો માત્ર લાગતી. તેમની માન્યતા સાચી હતી? ગઈ 1 ઓગસ્ટે મહાન અભિનેત્રી એમની 85મી જન્મજયંતીએ ફરી યાદ આવ્યાં ત્યારે, મીનાકુમારી નામની એક વિરલ ઘટનાને નવેસરથી સમજવાનો એક પ્રયાસ.

(ચિત્રલેખાના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 1-15 એપ્રિલ, 2001ના અંકમાં અજીત પોપટની કલમે લખાયેલો લેખ વાંચો)

બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત તો ઘણી અભિનેત્રીએ કરેલી પરંતુ બાળપણની વિદાય સાથે મોટે ભાગે તેમની કારકિર્દીનો પણ અકાળે અસ્ત થયો. સારિકા, તબસ્સુમ, નાઝ, હની ઈરાની વગેરે થોડાં નામો છે જેમણે બાળ કલાકાર તરીકે હિંદી ફિલ્મોમાં અભિનય પાથરીને જબરદસ્ત પ્રશંસા મેળવેલી. જુવાનીમાં તેમને પ્રતિભાનો કે પ્રારબ્ધનો કોઈનોય સાથ ન મળ્યો. એમાં એક યુગસર્જક અપવાદનું નામ મીનાકુમારી. આજેય મીનકુમારીના નામ માત્રથી તેમના લાખો ચાહકોની આંખમાં ગજબની ચમક આવી જાય છે.

‘સાહિબ, બીબી ઔર ગુલામ’માં મીનાકુમારીએ કર્યો હતો પ્રાણવાન અભિનય

માત્ર ચાહકો નહીં, સહકલાકારો પણ મીનાકુમારીનું નામ પડતાં ગદ્દગદ થઈ જાય છે. મુંબઈમાં એકવાર પોતાનાં સન્માન સમારંભમાં વહીદા રહેમાને કહેલું: ‘સાહિબ, બીબી ઔર ગુલામ’ના સેટ પર મીનાકુમારીની હાજરી માત્ર બધાંને ઉત્તમ અભિનય કરવાની પ્રેરણા આપતી. દરેક કલાકાર એમ વિચારતો કે મીનાકુમારીના પ્રાણવાન અભિનય સામે હું ઝાંખો (કે ઝાંખી) તો નહીં પડી જાઉં ને!

આવું જ વરસો પહેલાં અત્યંત અંગત ક્ષણોમાં રાજ કપૂરે ‘જી’ના વેણીભાઈ પુરોહિતને કહેલું. રાજ કપૂર કહે, મીનાજી પાત્રમાં એવાં ઓતપ્રોત થઈ જાય કે સહકલાકાર એમનો જાનદાર અભિનય અને સંવાદની છટા માણવામાં પોતાનો ડાયલોગ ભૂલી જાય. ‘જી’ને મીનાકુમારીએ પોતાના શાયરાના અંદાજમાં કહેલું:

તુમ ક્યા કરોગે સુનકર

 મુઝસે મેરી કહાની

 બેલુત્ફ ઝિંદગી કે

 કિસ્સે હૈ ફિકે ફિકે

(બેલુત્ફ એટલે નીરસ, શુષ્ક). અત્યંત ઉત્તમ અભિનેત્રી એવી મીનાકુમારી સંગીત, નૃત્ય અને સાહિત્યની અભ્યાસી હતી. માતા ઈકબાલ બેગમ પોતાના સમયની (બી ગ્રેડની) અભિનેત્રી. પિતા અલી બક્ષ ૧૯૪૦ના દાયકાના ફિલ્મ સંગીતકાર, નાના એટલે કે ઈકબાલ બેગમના પિતા ઉર્દૂ સાહિત્યના ખ્યાતનામ લેખક. આમ સાહિત્ય, સંગીત અને અભિનયનો વારસો મીનાકુમારીમાં ઊતરી આવેલો.

મીનાકુમારી (મહેજબીન) એમનાં પિતા અલીબક્ષ અને બહેન માધુરી સાથે

૧૯૩૨ના ઓગસ્ટની પહેલીએ જન્મેલી મીનાકુમારીનું મૂળ નામ મહેજબીન. ઉર્દૂ ભાષામાં મહેજબીન એટલે ચંદ્રમુખી. પરંતુ કોણ જાણે કેમ અલી બક્ષની માતા (મીનાની દાદી)ને મહેજબીનનું નાક ચીના જવું લાગતું. એ લાડથી મહેજબીનના કૂમળા મન પર એવો આઘાત મૂકી ગઈ કે વરસો લગી એ પોતાને કદરૂપી માનતી રહી. એના નિર્દેશકો, સાથીઓએ એને સતત પ્રોત્સાહિત કરવી પડતી.

બી ગ્રેડના કલાકારોને એ જમાનામાં નામનું મહેનતાણું મળતું એટલે ઘરખર્ચમાં મદદ કરવા ઈકબાલ બેગમ-અલી બક્ષની ત્રણે પુત્રીઓએ કાચી વયથી ફિલ્મોમાં કામ કરવા માંડેલું. મહેજબીનની મોટી બહેન ખુરશીદ જુનિયર તરીકે જાણીતી થયેલી. (ખુરશીદ સિનિયર ગાયિકા અભિનેત્રી હતી અને આઝાદી પછી પાકિસ્તાન ચાલી ગયેલી), બીજી બહેને બેબી માધુરીના નામે ફિલ્મોમાં બાળ ભૂમિકાઓ કરેલી અને આ બેબી માધુરી માટે પ્લેબેક સિંગર તરીકે મહેજબીને ગીતો ગાયેલાં. સાથોસાથ પોતે પણ ફિલ્મોમાં કામ કરવા માંડેલું.

એક રમૂજની વાત કહું. ચાર વરસની વયે મહેજબીને (૧૯૩૬-૩૭માં) પ્રકાશ પિક્ચર્સની ફિલ્મ ‘ફરજંદ-એ વતન’માં ત્યારના ટોચના હીરો જયરાજની પુત્રી તરીકે કામ કરેલું. થોડાં વરસ પછી હોમી વાડિયાની ફિલ્મ ‘મગરૂર’માં એ જ મહેજબીન જયરાજની હીરોઈન તરીકે ચમકી ત્યારે બે શોટ વચ્ચેના વિરામગાળામાં એ જયરાજને ‘ઓ પિતા…જી’ કહીને ચીડવતી. જયરાજ હતા મસલમેન. પરંતુ મીનાકુમારીની શરારતોને એ હસી નાખતા.

‘બૈજુ બાવરા’માં ભારત ભૂષણ સાથે

હીરોઈન બની અગાઉ મીનાએ બાળ કલાકાર તરીકે ચૌદેક ફિલ્મ કરેલી. હીરોઈન તરીકે એની મહત્ત્વની અને યાદગાર બની ગયેલી પહેલી ફિલ્મ એટલે વિજય ભટ્ટની ‘બૈજુ બાવરા’. વિજય ભટ્ટ તો ટોચના કલાકારોને લઈને આ ફિલ્મ બનાવવાના હતા પરંતુ એ દિવસોમાં પ્રકાશ પિક્ચર્સની આર્થિક સ્થિતિ બહુ સારી નહોતી. સંગીતકાર નૌશાદે વિજય ભટ્ટ-શંકર ભટ્ટને સમજાવ્યા કે આ સંગીતપ્રધાન ફિલ્મમાં બહુ મોટા સ્ટારની જરૂર નથી.

કચવાતા મને વિજયભાઈએ ભારત ભૂષણ અને મીનાકુમારીને કરારબદ્ધ કર્યાં. એ દિવસોમાં મીનાકુમારી ટાઈફોઈડમાંથી સાજી થઈને મહાબળેશ્વર હવાફેર માટે ગયેલી. લો-બજેટની આ ફિલ્મ પૂરી કરવાની વિજયભાઈને ભારે ઉતાવળ હતી. એવામાં મીનાકુમારીને અકસ્માત નડ્યો. હાથ ભાંગ્યો. ઈજા વકરતાં ગેંગ્રીન થયું (સડો આગળ વધવા લાગ્યો). સમયસર ઑપરેશન ન થયું હોત તો એક હાથ કાપવા પડ્યો હોત. મીનાએ મહાબળેશ્વરથી વિજય ભટ્ટને વીનવણીના ડઝનબંધ સંદેશા મોકલ્યા કે પ્લીઝ, મને તમારી ફિલ્મમાંથી કાઢી નહીં નાખતા. મારી કારકિર્દી અકાળે ખતમ થઈ જશે. મને કામની તાકીદે જરૂર છે.

‘બૈજુ બાવરા’એ નવો ઈતિહાસ સર્જ્યો. ગઈ કાલ સુધી વીર ઘટોત્કચ, હનુમાન પાતાલ વિજય, ગણેશ મહિમા અને લક્ષ્મી નારાયણ જેવી પૌરાણિક-ધાર્મિક ફિલ્મોની બી ગ્રેડની હીરોઈન ગણાતી મીનાએ ‘બૈજુ બાવરા’માં પ્રાણ રેડ્યા. એ જ સમયગાળામાં ફિલ્મફેર એવૉર્ડ શરૂ થયેલાં. એ જેન્યુઈન એવૉર્ડ હતા. પૈસા આપીને ખરીદાતા નહોતા અને મીનાનું એવૉર્ડ ખરીદવાનું ગજું પણ નહોતું. ૧૯૫૩નો પહેલવહેલો ફિલ્મફેર એવૉર્ડ ‘બૈજુ બાવરા’ માટે મીનાકુમારીને મળ્યો. રાતોરાત એ મોખરાની હીરોઈન બની ગઈ. પછીના વરસે ૧૯૫૪માં સામાજિક ફિલ્મ ‘પરિણીતા’ માટે ફરી એને ફિલ્મફેર એવૉર્ડ મળ્યો. પછી તો મીનાકુમારીએ પાછું વાળીને કદી જોયું નહીં. ત્યાર બાદ તો એને ઘણા એવૉર્ડ મળ્યા.

પતિ કમાલ અમરોહી સાથે

એક આડવાત. ૧૯૫૦ના દાયકામાં પ્રણયભગ્ન હીરોની વારંવારની ભૂમિકા ભજવી ભજવીને દિલીપ કુમારે ઘેરા ડિપ્રેશનનો ભોગ બની મનોચિકિત્સા લેવી પડેલી એ તમને યાદ હશે. એવું જ કંઈક જુદા સંદર્ભમાં મીના સાથે થયેલું. કે. આસિફની ‘મુગલે આઝમ’ના ચાર લેખકોમાંના એક અને દેશની પહેલવહેલી હિટ રહસ્ય ફિલ્મ ‘મહલ’ના નિર્દેશક કમાલ અમરોહી સાથે મીનાને પ્રેમ થયો. ઉર્દૂ સાહિત્યકાર તરીકે કમાલ અમરોહીનું મોટું નામ. કમાલે ‘દાયરે’ નામની ફિલ્મ બનાવેલી એ પાત્રમાં મીના એટલી હદે ઓતપ્રોત થઈ ગઈ કે ટીબીના દરદીની ભૂમિકા કરતાં કરતાં એ ખરેખર ટીબીની મરીજ બની ગઈ. સદ્દભાગ્યે તદ્દન પ્રાથમિક સ્ટેજમાં રોગનું નિદાન થઈ ગયું અને સમયસરની સારવારથી મીના ઊગરી ગઈ.

પાત્રમાં ઓતપ્રોત થવાની ખૂબી જ મીનાકુમારીની ભૂમિકાઓને યાદગાર બનાવી ગઈ. પાત્ર રમૂજી હોય તો મીનાને ચહેરો-મહોરો, આંખ, હોઠ અને હલનચલન બધું જ હસતું લાગે. પાત્ર ગંભીર કે વેદનાસભર હોય તો મીનાનું આખું વ્યક્તિત્વ આંસુભીનું લાગે. દિલીપ કુમાર સાથેની એની ફિલ્મ ‘આઝાદ’ કે ‘કોહિનૂર’ જુઓ. કિશોરકુમાર સાથેની એની ફિલ્મ ‘નયા અંદાઝ’ કે ‘શરારત’ જુઓ. મીનાનું સમગ્ર વ્યક્તિત્વ હસતું લાગશે. રાજેન્દ્ર કુમાર સાથેની ‘ચિરાગ કહાં રોશની કહાં’ કે ‘દિલ એક મંદિર’ ફિલ્મ જુઓ. મીનાકુમારીની ભાવસભર આંખો જોનારની આંખો ભીની કરી નાખે. કોક ફિલ્મમાં એના બન્ને વ્યક્તિત્વો સાથે પ્રગટી ઊઠે છે. રાજ કપૂર સાથેની ‘શારદા’ ફિલ્મમાં શરૂમાં એ રાજ કપૂરની પ્રિયતમા છે. અને ઉત્તરાર્ધમાં એ રાજ કપૂરની ઓરમાન માતા છે. રાજ કપૂર સાથેનાં શરૂનાં દ્રશ્યોમાં (ખાસ કરીને મન્નાડેએ ગાયેલા ‘જપ જપ જપ રે પ્રેમ કી માલા’વાળા દ્રશ્યમાં) મીનાકુમારીનું રમતિયાળ વ્યક્તિત્વ ઉપસે છે જ્યારે ઉત્તરાર્ધમાં એક જાજરમાન, પ્રગલ્ભ માતાનું સ્વરૂપ પ્રગટે છે.

જો કે મીનાકુમારી તેના ચાહકોને વધુ યાદ રહી ગઈ ટ્રેજેડી ક્વીન તરીકે. અને એનું કારણ પણ સમજવા જેવું છે. એ જીવનભર પ્રેમને તરસતી રહી. એના પ્રેમથી છલકતા હૃદયને સમજનાર અને વળતો પ્રેમ કરનાર કોઈ મળ્યું નહીં. કમાલ અમરોહી સાથેનાં લગ્ન એ મીનાના જીવનનું સૌથી ગલત કદમ હતું. કમાલ અમરોહી સાહિત્યકાર કે ફિલ્મસર્જક તરીકે ભલે મોટું નામ હોય. વાસ્તવજીવનમાં એ સ્વભાવે વહેમી, ઘમંડી હતા. કેટલાક નાનકડા બનાવોએ એના મનમાં પ્રિયતમા મટીને પત્ની બનેલી મીના માટે ભારોભાર નફરત ભરી દીધેલી.

દાખલા તરીકે ‘મધર ઈન્ડિયા’ના એક ખાસ શોમાં મહેબૂબ ખાને મહારાષ્ટ્રના ગવર્નર સાથે કમાલનો પરિચય કરાવતી વખતે ગવર્નરને કહ્યું: ‘આ છે કમાલ અમરોહી, મીનાકુમારીના પતિ.’ નરગિસે એમ કહીને વાત વાળી લેવાનો પ્રયત્ન કર્યો કે, ‘કમાલ સાહેબ ઊર્દૂ સાહિત્યમાં બહુ મોટું નામ છે.’ પરંતુ કમાલને ભયંકર ગુસ્સો ચડ્યો. મહેબૂબ ખાનની એ ભૂલની સજા એણે મીનાને કરી. મીના જેમ વધુ સફળ અભિનેત્રી ગણાતી ગઈ તેમ તેમ કમાલમાં લઘુતાગ્રંથિ (ઈન્ફિરીયોરીટી કોમ્પલેક્સ) વધતી ગઈ. કમાલના સંગે મીનાકુમારીને પહેલાં તમાકુવાળાં પાન અને પછી શરાબનું વ્યસન લાગ્યું. અંગત જીવનની હતાશા ભૂલવા મીના વધુ ને વધુ શરાબ પીતી ચાલી અને વાસ્તવજીવનમાં ફિલ્મ ‘સાહિબ બીબી ગુલામ’ની છોટી બહુ બની રહી. આખરે શરાબે જ એનો જીવ લીધો.

પરંતુ કૅમેરા સામે પીડિત પત્ની, ભાભી કે માતાની ભૂમિકામાં એણે પ્રાણ રેડી દીધા. ‘દિલ એક મંદિર’ની સીતા હોય કે ગુલશન નંદાની ‘માધવી’ (ફિલ્મ ‘કાજલ’) હોય, ‘ભાભી કી ચૂડિયાં’ (‘જ્યોતિ કલશ છલકે’)ની ભાભી હોય કે ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’ની નર્સ હોય, ‘મૈં ચૂપ રહૂંગી’ની શિક્ષિકા હોય યા ‘ચિરાગ કહાં રોશની કહાં’ની વિધવા પૂત્રવધૂ-મીનાકુમારીની આ દરેક ભૂમિકા યાદગાર બની ગઈ. એના સહવાસનો લાભ લઈને ઘણા કલાકારો આગળ નીકળી ગયા. દાખલા તરીકે ‘ફૂલ ઔર પત્થર’ પહેલાં ધર્મેન્દ્ર એક અદનો કલાકાર હતો. મીનાકુમારી સાથે ઓ. પી. રાલ્હનની ‘ફૂલ ઔર પત્થર’ ફિલ્મમાં ચમક્યો અને રાતોરાત ધર્મેન્દ્ર ટોચનો સ્ટાર બની ગયો. ‘સૌતન’ નામનું ઓબ્સેશન ધરાવતા સાવનકુમારને ફિલ્મનિર્માતા બનાવવામાં સૌથી વધુ સહાય મીનાએ કરેલી.

‘ચિરાગ કહાં રોશની કહાં’ ફિલ્મમાં રાજેન્દ્રકુમાર સાથે

સંતાનપ્રેમી માતા તરીકેની ભૂમિકામાં મીના ગજબની ખીલી ઊઠતી. એની સાથે કામ કરનારાં બાળકો પછી એનું જ કહ્યું માનતા. ‘ચિરાગ કહાં રોશની કહાં’ કે ‘મૈં ચૂપ રહૂંગી’ના બાળ કલાકારો ઘરમાં કહ્યું ન માને ત્યારે એ બાળકોનાં મા-બાપે મીનાકુમારીને ફોન કરવો પડતો. ‘મૈં ચૂપ રહૂંગી’ની સિલ્વર જ્યુબિલી વખતે ફિલ્મનો ખાસ શો પૂરો થયો ત્યારે બધા કલાકારો થિયેટરની બહાર નીકળતા હતા. માસ્ટર બબલુને એની મમ્મીએ તેડી રાખેલો. ભીડમાં માસ્ટર બબલુનો ટચૂકડો બૂટ પગમાંથી સરકી ગયો. બબલુએ રૂપેરી પડદાની મમ્મીને એટલે કે મીનાકુમારીને બૂમ પાડી: ‘મમ્મી, મેરા બૂટ ગિર ગયા, મમ્મી મેરા બૂટ ગિર ગયા.’ સેંકડો મહાનુભાવોની ભીડ વચ્ચે જરાય વિચલિત થયા વિના મીનાકુમારીએ પાછાં ફરી, જમીન પરથી બૂટ ઊંચકીને બબલુને પહેરાવ્યો. જનમેદની ખડખડાટ હસી પડી.

‘મૈં ચૂપ રહૂંગી’ના શૂટિંગ દરમિયાન પણ એવી એક-બે રમતિયાળ ઘટના બનેલી. એક દ્રશ્ય પૂરું કરીને મીનાકુમારી નીકળવાની તૈયારીમાં હતી. સેટ પરથી સીધી ઍરપોર્ટ જઈને ત્યાંથી એણે મદ્રાસ પહોંચવાનું હતું. માસ્ટર બબલુને ખબર પડતાં એ મીનાકુમારીની મોટર સામે સૂઈ ગયો: ‘મમ્મી, મુઝે છોડકર મત જાઓ…’ ત્યારે વગર ગ્લીસરીને મીનાકુમારી રડી પડેલી.

આંખમાં સતત આંસુ હોવા છતાં લાખો લોકોની માનીતી હોય એવી આ કદાચ એકમાત્ર અભિનેત્રી. જીવનભર બાળકને ઝંખતી રહેલી મીનાની કૂખ સદાય ઉજ્જડ રહી. મીનાને છેલ્લી ઘડી સુધી પોતાના સંતાનની ઝંખના રહી. પરંતુ જ્યાં દાંપત્ય જીવનમાં સંવાદ કે સ્નેહ ન હોય ત્યાં પ્રેમના પુરાવા જેવું સંતાન જન્મે કેવી રીતે? હા, મીના-કમાલનું એક માનસ સંતાન આપણને મળ્યું ખરું, કે. આસિફની મુગલે આઝમને ભૂલાવી દે એવી ફિલ્મ બનાવવાની અબળખા સેવતા કમાલ અમરોહીએ મીનાના સહકારથી સત્તર સત્તર વરસના નિર્માણ પછી ફિલ્મ ‘પાકિઝા’ આપી. પરંતુ એ ફિલ્મની સફળતા જોવા મીના હયાત નહોતી. મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં સેંટ એલિઝાબેથ નર્સિંગ હોમમાં મીનાએ માત્ર ૩૯ વર્ષની વયે દમ તોડ્યો ત્યારે એ પોતાનાં ફિલ્મી પાત્રોની જેમ એકલી, અટૂલી હતી.

પરંતુ જતાં જતાંય એ પતિવ્રતા આર્ય નારીનો રોલ ભજવી ગઈ. એના અવસાનના થોડાંક જ સપ્તાહમાં ‘પાકિઝા’ રિલીઝ થઈ અને સુપરહિટ સાબિત થઈ. મીનાના નામે ચડી ગયેલા એક શેરથી જ સમાપન કરીએ:

ઉજાલે અપની યાદોં કે

 હમારે પાસ રહને દો

  જાને કિસ ગલી મેં

 જિંદગી કી શામ હો જાયે.

(મીનાકુમારીનું જીવન – એક તસવીરી ઝલક. તસવીરોઃ એ.એલ. સૈયદ)

વિખ્યાત તસવીરકાર એ.એલ. સૈયદ પ્રત્યે મીનાકુમારીને ભારોભાર આદર હતો. ખુદ ફોટોગ્રાફર સૈયદ સાથે પણ તસવીર પડાવી