માધુરી દીક્ષિતઃ બોલીવૂડનાં ડાન્સિંગ ક્વીન

માધુરી દીક્ષિતે 18 વર્ષની વયે બોલીવૂડની ફિલ્મોમાં એમનાં ડાન્સ મૂવ્સ દ્વારા યુવા દિલોની ધડકન બની ગયા હતા અને ગઈ 15 મેએ જ આયુષ્યનાં બાવનમો જન્મદિવસ ઉજવનાર માધુરી આજે પણ નૃત્યમાં એટલાં જ પારંગત છે. બોલીવૂડમાં માધુરી જેવી કોઈ ડાન્સર હજી સુધી આવી નથી. બાળકોની ડાન્સ પ્રતિભાને મંચ પૂરું પાડતા આવતા રિયાલિટી ડાન્સ ટીવી શો ‘ઝલક દિખલા જા’, અને ‘ડાન્સ દીવાને’માં એમણે જજ તરીકે સેવા આપી છે.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, નવેમ્બર, ૧૯૯૪ના દીપોત્સવી અંકનો.

મોહક માધુરી બેનમૂન નૃત્યો પાછળનું રહસ્ય છતું કરતાં કહે છે: ગમે તેટલા ઘા વાગે, ડાન્સ લાજવાબ જ થવો જોઈએ

(નરેન્દ્ર ઉપાધ્યાય)

નિર્માતા, નિર્દેશક, વિતરક અને દર્શક દરેક આજે માધુરી દીક્ષિતના નૃત્યોની પ્રશંસા કરતા ધરાતા નથી. ‘તેઝાબ’ના ‘એક દો તીન ચાર’ની સફળતાથી માધુરીના નૃત્યોનો જે જાદુ શરૂ થયો છે તે ‘હમ આપકે હૈ કૌન’ સુધીમાં સોળે કળાએ ખીલી ઊઠ્યો છે.

માધુરીની અભિનય કારકિર્દીની એવી અનેક ફિલ્મો છે જે વાર્તાઓને લીધે કદાચ યાદ ન રહે પરંતુ માધુરીના નૃત્યો વર્ષો સુધી દર્શકોના માનસપટ પર છવાયેલા રહેશે.

‘રામ લખન’, ‘સાજન’, ‘દિલ’, ‘બેટા’, ‘ખલનાયક’, ‘થાનેદાર’ જેવી ફિલ્મોની કામિયાબીમાં આ નિપૂણ નૃત્યાંગનાનાં નૃત્યોનો અધિક ફાળો છે. માધુરીનાં આ બેનમૂન નૃત્યો પાછળ શું રહસ્ય છૂપાયું છે એ માધુરીનાં શબ્દોમાં જ જાણીએ.


ઉત્તર દક્ષિણ: આ ફિલ્મનો એક ડાન્સ ફિલ્માવવા યુનિટ મદ્રાસ ગયું હતું. લૉકેશન એવું હતું જ્યાં પથ્થરો જ દેખાતા અને માથે ધોમ ધખતો તડકો આગ વરસાવતો હતો. તેથી પથ્થરો ખૂબ જ ગરમ થઈ ગયા હતા. પરસેવાથી હાલત બદતર બનતી હતી. આ ભયાનક ગરમીમાં મારું માથું એકદમ તપી ગયું.

આ મારો પહેલો જ ડાન્સ હતો અને હું શાસ્ત્રીય નૃત્ય શીખી ચૂકી હતી. પરંતુ ગરમાગરમ પથ્થરો પર નાચવાની તો મેં કલ્પના સુદ્ધાં નહોતી કરી. થયું હે ભગવાન આ કેવી રીતે કરી શકીશ? મારા તો પગ જ બળી જશે. આમેય બીકની મારી હું અધમૂઈ તો થઈ જ ગયેલી. ડાન્સ માસ્ટરે રિહર્સલ શરૂ કરાવ્યું અને પછી શૉટ માટે પથ્થરો પર ઊભી રાખી. કૅમેરા સ્ટાર્ટ થયો એટલે ચપ્પલો કાઢીને હું ડાન્સ કરવા લાગી. પણ એવું લાગ્યું કે જાણે આગના ગોળા પર પગ પડી ગયો હોય! ગળામાં શોષ પડવા લાગ્યો. શ્વાસ રૂંધાવા લાગ્યો. શૉટ ઓકે થતા સુધી મેં બધું જ સહી લીધું પરંતુ જેવો શૉટ ઓકે થયો એટલે હું ચીસ પાડી ઊઠી અને તરત જ પગ પર પાણી છાંટ્યું. કેટલીવાર સુધી તપી ગયેલા પગને પાણી છાંટી છાંટીને ટાઢા પાડતી રહી ત્યારે માંડ નિરાંત થઈ.

મારી આવી હાલત જોઈને સરોજ ખાને પથ્થરો પર ખૂબ પાણી રેડાવ્યું અને ત્યાર બાદ ગીતના બીજા શૉટ્સ ફિલ્માવ્યા. સાંજે પેક અપ પછી મારા પગ એકદમ સૂજી ગયા. ચાલતા ખૂબ જ તકલીફ પડતી હતી. કૉલ્ડ ક્રીમ વડે માલિશ કર્યા પછી જ રાત્રે માંડ હું સૂઈ શકી.


‘તેઝાબ’: ‘એક… દો… તીન…’ વાળા ડાન્સનું રિહર્સલ કરતી વખતે જ લાગતું કે આ ગીત-નૃત્ય જરૂર પૉપ્યુલર થશે. મારા અભિપ્રાય સાથે બધા જ સહમત હતા. આ ગીતના શૂટિંગ વખતે હું પહેલે દિવસે પહોંચી ત્યારે જોયું તો એ ડાન્સ માટે સેંકડો દર્શકોની ભીડ ભેગી કરવામાં આવી હતી. એક મોટા સ્ટેજ પર મારે ડાન્સ કરવાનો હતો. અને સ્ટેજની નીચે ભીડ જામેલી હતી.

આટલી ભીડથી ઘેરાઈને ડાન્સ કરવાનો મારો આ પ્રથમ અવસર અને અનુભવ હતો. થોડીક ગભરાતી હતી. ડિસ્કોની તેજ લાઈટો ઉપરાંત ભીડનો શોરબકોર કાન ફાડી નાખતા હતા. ત્યારે નિર્દેશક ચંદ્રાએ મને દિલાસો દીધો કે સ્ટેજ નીચેની ભીડ જુનિયર કલાકરોની હોવાથી બીવાની જરૂર નથી. મારો ઉત્સાહ વધ્યો અને રિહર્સલ શરૂ કર્યું.

‘તેઝાબ’ના આ ડાન્સમાં એક ખાસ મુવમેંટ્સ એવી હતી કે બબ્બે સ્ટેપ્સ હાથ-પગના સાથે જ કરવા પડતા. તેથી જ રિટેક્સ થતા હતા. પહેલે દિવસે ભીડ અને શોરબકોરને કારણે અસ્વાભાવિક લાગ્યું પરંતુ બીજે દિવસે સ્વસ્થ થઈ ગઈ. પછી તો મેં હસતા ખેલતા, પરસેવો વહેવડાવીને આ ‘એક દો તીન’ શૂટ કરી નાંખ્યું.


‘રામ લખન’: આ ફિલ્મમાં મારો ડાન્સ શાસ્ત્રીય શૈલી પર આધારિત હતો. ‘ઓ રામજી’વાળું નૃત્ય તો એકદમ ક્લાસિકલ જ હતું. એને માટે બે દિવસ સુધી મેં આકરા રિહર્સલો કર્યાં હતાં.

ડાન્સના ભવ્ય, વિશાળ અને ઝાકઝમાળવાળા સેટ ઊભા કર્યા હતા. ડઝનબંધ સિતારવાદકોને ફિલ્માંકન માટે બોલાવવામાં આવ્યા. કૅમેરા ચાલુ થતા જ આ ડઝનબંધ સિતાર એકી સાથે વાગતી ત્યારે હું એક અલગ દુનિયામાં જ ખોવાઈ જતી. મને એ ફિલ્મનો સેટ લાગતો જ નહોતો. જાણે હું કોઈ નૃત્યશાળામાં હોઉં એવું જ લાગતું.

આ ડાન્સના શૂટિંગ માટે મારે બબ્બે શિફ્ટો કરવી પડતી. સોળ-સોળ કલાક રિયાઝ કરતા માંડ ત્રણ-ચાર કલાકની ઊંઘ મળતી. ઉજાગરા અને પરિશ્રમને લીધે ત્રીજે દિવસે હું બેચેન બની ગઈ. થોડો તાવ અને નબળાઈ વર્તાતી હતી. હું જાણતી હતી કે આવી પરિસ્થિતિમાં ક્લાસિકલ ડાન્સ કરતા કરતા ચક્કર આવીને હું ગબડી પડી હોત. છતાં સેટ પર પહોંચી ગઈ. ડૉક્ટર પાસેથી તાવની ગોળીઓ લીધી. કેટલીયેવાર થોડા ચક્કર પણ આવી જતા છતાં ડાન્સ પતાવીને જ મેં નિરાંતનો શ્વાસ છોડ્યો. ડાન્સ પૂરો થતા જ જાણે હું એકદમ સ્વસ્થ અને સ્ફૂર્તિવાળી બની ગઈ.

‘ઓ રામજી…’ ના ડાન્સ પછી જ મને ખાતરી થઈ ગઈ કે હળવા નૃત્યો મને એનર્જી આપે છે. આવાં નૃત્ય મારા અભિનયની શક્તિ છે.


‘થાનેદાર’: આ ફિલ્મનું ‘તમ્મા તમ્મા લોગે’ ડાન્સ રિધમ અને મુવમેન્ટ્સને કારણે તોફાની ડાન્સ હતો. એ ડાન્સમાં બધું જ તેજ હતું. બધા જ સ્ટેપ્સ, મુવમેન્ટ્સ તેજ રફતારવાળી હતી. આ રફતારની સાથોસાથ ડાન્સમાં ડઝનબંધ ખુરશીઓનો ઉપયોગ કરવામાં આવેલો.

ફિલ્મીસ્તાન સ્ટુડિયોના વિશાળ અને ઊંચા સ્ટેજ પર હું જ્યારે પહેલા દિવસે પહોંચી ત્યારે મને ખ્યાલ આવ્યો કે સ્ટે જ એકદમ લીસ્સું હતું અને અમારે તો ડાન્સની સાથે ખુરશીઓને ઊંચકીને નચાવવાની હતી. જો કે આ ડાન્સના રિહર્સલો મેં પંદર-વીસ દિવસો સુધી કરેલાં પરંતુ શૂટિંગ માટે આટલા અથાક પરિશ્રમ પછી પણ મને આ ડાન્સ ભારે પડી ગયો. જ્યારે હું ખુરશી ઊંચકીને ડાન્સ કરતી ત્યારે લપસી જ પડતી. કેટલીયેવાર ખુરશી સ્લિપ નહોતી થતી અને ખેંચવા જતા હું ગબડી પડતી.

સાંજ સુધીમાં મારી કોણી, હાથ અને ઘૂંટણ છોલાઈ ગયેલાં અને લોહી નીકળવા માંડેલું. આ બધા ઘાનું કારણ પેલી ખુરશીઓ જ હતી. આ ડાન્સ વખતે હું કેટલીયેવાર જમીન પર ઉથલી પડેલી. ઘરે પહોંચીને ઘાયલ હાલતમાં જ સીધી પથારી પર પડતું મૂક્યું. આખું શરીર દુખતું હતું.

બીજે દિવસે ઘાયલ હાલતમાં જ સેટ પર પહોંચી ત્યારે ડાયરેક્ટર રાજ સિપ્પીએ મને દિલાસો આપ્યો હતો કે ગઈકાલ જેટલી તકલીફ આજે નહીં થાય. કારણ ખુરશીઓ બદલી નાંખવામાં આવી છે. એ ખુરશીઓ હલકી અને પૈડાંવાળી હોવાથી નૃત્ય દરમિયાન આસાનીથી ખસેડી શકાતી.

બીજે દિવસે પણ ડાન્સ દરમિયાન હું એક-બે વાર પડી તો ખરી પરંતુ ઘા નહોતા પડ્યા. ‘થાનેદાર’ના આ ડાન્સને ફિલ્માવતા દસ દિવસ લાગ્યા અને મારે પુષ્કળ પરિશ્રમ કરવો પડ્યો.


‘મહાસંગ્રામ’: આ ફિલ્મનો ‘પ્યાર કરું છું… આઈ લવ યુ ડાન્સ’ દર્શકોએ વધાવી લીધો. ડાન્સમાં પુષ્કળ ભીડ, મૂશળધાર વરસાદ અને વાવાઝોડું હતું.

ચાંદિવલી સ્ટુડિયોના વિશાળ ચોગાનમાં નવરાત્રિ સ્ટાઈલનો આ ડાન્સ ફિલ્માવવામાં આવેલો.

ડાન્સ માસ્ટર ચિન્ની પ્રકાશ મારા દરેક શૉટમાં પુષ્કળ વરસાદ વરસાવતા મોટા પંખા ચલાવતા. આ નૃત્યનો મારો પોશાક ઘાઘરા-ચોળીનો હતો.

પાણીમાં ભીંજાઈને ઘાઘરો એટલો ભારે થઈ ગયો હતો કે ડાન્સ કરવામાં મુશ્કેલી નડતી હતી. સાચા સ્ટેપ્સ અને મુવમેન્ટ્સ આસાનીથી લઈ શકાતા નહોતા. ભારે પોશાક, ઠંડીથી ધ્રૂજતું શરીર અને જોરદાર પવનને લીધે કાનના એરિંગ્ઝ ગરદનને અથડાતા લોહી નીકળવા માંડતું.

એક સપ્તાહ સુધી મેં આવા માહોલમાં ‘મહાસંગ્રામ’ના ડાન્સનું શૂટિંગ કરેલું.

કાદવ, પાણી, માટીમાં લથપથ આ ડાન્સ મારે માટે તો ‘મહાસંગ્રામ’ની જ ગરજ સારતો હતો.


‘સાજન’: આ ફિલ્મમાં હળવા અને ફાસ્ટ બન્ને પ્રકારના ડાન્સ કરવા પડેલા. સૌથી ફાસ્ટ ડાન્સ હતો. ‘તૂ શાયર હૈ મૈં તેરી શાયરી’. એમાં મેં પરંપરાગત મુવમેન્ટ્સ બદલીને થોડીક નવી મુવમેન્ટ્સ કરી હતી. એ હતી ફિંગર મુવમેન્ટ્સ. તેથી દરેક મુવમેન્ટ્માં આંગળીઓનો ઉપયોગ કરવો પડતો.

ક્યારેક એક શૉટમાં એક જ હાથની આંગળીઓથી મુદ્રા કરતી તો ક્યારેક બન્ને હાથ જોડીને આંગળીઓની મુદ્રાઓ દાખવતી.

એ ડાન્સ ઊટીમાં ફિલ્માવ્યો હતો અને મારી ફિંગર મુવમેન્ટ્સ એટલી તો વખણાઈ કે હવે કેટલાયે ડાન્સમાં એક-બે ફિંગર મુવમેન્ટ્સ રાખવામાં આવે જ છે. ‘હમ આપ કે હૈં કોન’ માં ‘દીદી તેરા દેવર દીવાના’ ડાન્સમાં પણ ફિંગર મુવમેન્ટ્સને દાદ મળી છે.

‘સાજન’ દ્વારા આ નવી મુવમેન્ટ્સ મને લાભદાયક નીવડી છે.


‘આંસુ બને અંગારે’: આ ફિલ્મમાં મારી બમણી ઈમેજ હતી. મધ્યાંતર પૂર્વે સીધી સાદી, ભોળી છોકરી પછી બિન્ધાસ્ત, બહાદુર અને નટખટ છોકરીનો મારો રોલ હતો. એ ભૂમિકામાં મારે એક ડાન્સ કરવાનો હતો.

આ ડાન્સ સોંગના શબ્દો હતા – ‘લારે લપ્પા હાયે…’ ડાન્સની સાથે જ મારે ભારે ધમાલ મચાવવાની હતી. ક્યારેક કૂદીને આ ખૂણે તો ક્યારેક બીજા ખૂણે. ત્યારબાદ ખુરશી પર પછડાવવાનું તો ક્યારેક સોફા પર પડવાનું. એક શૉટમાં ડાન્સ કરતા કરતા ટેબલ પર છલાંગ લગાવીને લપસવાનું હતું. મેં જેવી છલાંગ મારી કે મારો પગ લપસી ગયો અને હું સીધી ટેબલની નીચે પહોંચી ગઈ અને લપસતા લપસતા ટેબલની બહાર નીકળી ગઈ.

મારો આ શૉટ જોઈને સૌ ચકિત થઈ ગયા. ડાન્સ માસ્ટર અને ડાયરેક્ટર બન્ને હસતા હતા. એમનેય મારી માફક જ સમજાતું નહોતું કે હું ટેબલની ઉપર પહોંચવાને બદલે નીચે કેવી રીતે પહોંચી ગઈ. આ ધમાલ ડાન્સ વખતે કેટલાયે ઘા પડ્યા. જો કે હું એવા ઘાની પરવા જ નથી કરતી. મારું લક્ષ્ય તો એ જ હોય છે કે ભલે ગમે તેટલા ઘા વાગે કે લોહી નીકળે મારો ડાન્સ લાજવાબ જ થવો જોઈએ.


‘ખલનાયક’: એક દિલચસ્પ વાત એ છે કે આ ફિલ્મના સૌથી લોકપ્રિય ‘ચોલી’ ડાન્સમાં મારે ખાસ મહેનત ન કરવી પડી. માત્ર બે જ દિવસ રિહર્સલ કર્યા. મારે માટે તો નૃત્ય ખૂબ જ સરળ હતું. રાજસ્થાની સ્ટાઈલમાં લોકગીત પરનું લોકનૃત્ય મારે મન ખૂબ જ આસાન હોય છે.

ડાન્સ માસ્ટરે માત્ર બે જ મુવમેન્ટની માંગણી કરેલી. એક તો ગરદન સુધી ઘૂંઘટ કાઢવાનો હતો અને બધાં જ સ્ટેપ્સ રાજસ્થાની ઢંગના કરવાના હતા. તેથી મને આ ડાન્સ કરવામાં કોઈ મુશ્કેલી ન નડી.


‘યારાના’: આગામી ફિલ્મોમાં સૌથી મુશ્કેલ ડાન્સ ‘યારાના’ માટે કર્યો છે. એમાં ભરત નાટ્યમના થોડાક તોડા વાપરવા પડ્યા. કેટલાયે શૉટ્સમાં રૌદ્ર સ્વ‚પ પણ દેખાડવું પડ્યું. તાંડવ નૃત્યની મુદ્રાઓ પણ દર્શાવવી પડી.

હૈદરાબાદમાં મેં આ ડાન્સનું શૂટિંગ શરૂ કર્યું ત્યારે મને કહેવામાં આવ્યું કે સમગ્ર નૃત્ય દરમિયાન ચહેરા પર બે અલગ અલગ હાવભાવ લાવવાના છે.

એક તરફ રાજ બબ્બરને રિઝાવવા કોમળ હાવભાવ દાખવવાના છે તો એની સામેથી ઘૂમી ગયા પછી એકદમ કઠોર ભાવ દેખાડવાના છે. એ પછી નૃત્યના અંતમાં મારે એનું ખૂન કરવાનું છે.

આ નૃત્ય માટે મને સફેદ બાદલાની કાળી સાડી પહેરાવવામાં આવેલી અને ડાન્સના ઝડપી સ્ટેપ્સને લીધે મેં સાડીમાં કેટલીયે સેફ્ટી પીનો લગાડી હતી. જે ફલૉર પર ડાન્સ કરતી હતી એ પણ ખાસ્સો ચીકણો હતો. કારણ ડાન્સ દરમિયાન લપસવાનું પણ હતું. આ ડાન્સના કેટલાયે શૉટ્સમાં એક સાથે ડઝનબંધ મુવમેન્ટ્સ કરવી પડતી.

તેજ ગરમીને કારણે કેટલીવાર પડી જતી. વારંવાર ગબડવાનું એક કારણ સાડી પણ હતી. પગમાં સાડી અટવાઈ જતા હું લથડિયું ખાઈ જતી અને બાદલા શરીરમાં ભોંકાતા. કેટલીવાર સેફ્ટી પીનો ખુલી જતી અને ભોંકાઈને લોહી કાઢતી. તમે કહી શકો કે યારાનાના આ ડાન્સ દરમિયાન મેં પરસેવાની સાથેસાથ લોહી પણ વહેવડાવ્યું છે. ‘યારાના’નો આ ડાન્સ દર્શકોને ડોલાવી મૂકશે.

‘માધુરી ખૂબ જ મહેનતુ અભિનેત્રી છે’: સરોજ ખાન (કૉરિયોગ્રાફર)

માધુરી દીક્ષિતને સૌ પ્રથમ મેં ‘ઉત્તર દક્ષિણ’ માટે દિગ્દર્શન આપેલું. જ્યારે મેં એને સ્ટેપ્સ આપીને રિહર્સલ કરાવ્યા ત્યારે એ મુશ્કેલીમાં પડી ગઈ અને આ મુશ્કેલ સ્ટેપ્સ થતા નથી. મેં એને હિંમત આપી. લૉકેશન પર સખત ગરમી અને ગરમ પથ્થરો પર રિહર્સલ કરાવ્યા ત્યારે એ રડી પડી. પરંતુ મેં એવી કપરી પરિસ્થિતિમાં પણ ડાન્સ કરાવ્યો.

માધુરી સાથે આ પ્રથમ નૃત્ય નિર્દેશન કરતી વખતે મેં એક વાત ધ્યાનમાં રાખેલી કે આ અભિનેત્રી ખૂબ જ પરિશ્રમી છે. ગમે તેવા સંજોગોમાં પીછેહઠ કરતી નથી. ભલે શરીર ઘવાય, લોહી નીકળે પણ એ કામમાં મગ્ન રહે છે.

‘તેઝાબ’ના ‘એક દો તીન’ નૃત્યમાં મેં એને તેર દિવસ સુધી રિહર્સલો કરાવ્યાં. ‘સૈલાબ’નું કોળી નૃત્ય તો ઓર મુશ્કેલ હતું. તેથી જ મેં મારી રિહર્સલ રૂમમાં એને સતત સત્તર દિવસ રિહર્સલો કરાવ્યાં. એ નૃત્યમાં સૌથી મોટી મુશ્કેલી એ હતી કે સમૂહમાં નાચતી છોકરીઓના ગીતના શબ્દો પર માધુરીએ હાવભાવ આપવાના હતા. લાંબા રિહર્સલો પછી જ માધુરી એ કરી શકી. અન્ય ફિલ્મોમાં પણ માધુરીના કોળી નૃત્યો હિટ રહ્યા છે. ‘રાજા’માં કોળી નૃત્ય ફિલ્માવ્યું છે. મને ખાતરી છે કે આ કોળી નૃત્ય દર્શકોને અવશ્ય ગમશે.

‘સાહિબાન’ના એક ડાન્સ માટે અમે કુલુ-મનાલીની પર્વતમાળા પર ગયેલા. રાત્રે સાડા બાર સુધી એ રિહર્સલ કરતી રહી. સફરનો થાક લાગેલો છતાં અણગમો દર્શાવ્યો નહીં. સવારે આઠ વાગે ડાન્સનું શૂટિંગ રાખ્યું હતું. કડકડતી ઠંડી હોવા છતાં માધુરી લૉકેશન પર જવા માટે તૈયાર હતી. ‘સાહિબાન’ના ગીત નૃત્યના શબ્દો હતા-‘મેરી ઊંગલી પકડ કે મેરે સાથ ચલના’ અને તેથી જ મેં એ ડાન્સમાં માધુરીની આંગળીઓના ઈશારા શૉટ્સમાં ફિલ્માવ્યા હતા.

અત્યાર સુધી માધુરી પાસે કરાવેલા નૃત્યોમાં સૌથી અઘરું ‘થાનેદાર’નું ‘તમ્મા તમ્મા’ હતું. એ ડાન્સ માટે સૌથી વધુ રિહર્સલો એણે કર્યા હતાં. આખો દિવસ શૂટિંગ કરતી અને સાંજે પેક અપ પછી સીધી મારી રિહર્સલ રૂમમાં આવી જતી. રાત્રે બાર-એક વાગ્યા સુધી ‘તમ્મા તમ્મા’ના રિહર્સલ કરતી હતી. સવારે પાછી શૂટિંગ પર હાજર થઈ જતી.

માધુરી શાસ્ત્રીય નૃત્યો તો જાણે જ છે ઉપરાંત એનામાં એક ગુણ એ પણ છે કે મુશ્કેલ સ્ટેપ્સ અને મુવમેન્ટ્સ ઝટ પિક અપ કરી લે છે. કામ પ્રત્યે સમર્પણની ભાવના એનામાં પ્રબળ છે. ગમે તેટલી થાકી ગઈ હોય, શરીરે ઘા વાગ્યા હોય, તાવમાં શરીર ધખતું હોય, પણ એ સેટ પર આવ્યા પછી ડાન્સ પતાવીને જ જંપે છે. જેટલી સારી કલાકાર છે એટલી જ નિપૂણ નૃત્યાંગના પણ છે. તેથી જ માધુરી આજે સફળતાના આ શિખરે પહોંચી શકી છે.