જયા અને અમિતાભનો પુષ્પપ્રેમ

જૂની હિન્દી ફિલ્મો જોવી આજેય સહુને ગમે. એવી જ રીતે, હિન્દી ફિલ્મ કલાકારોને સાંકળતી જૂની ખાટીમીઠી વાતો, જૂનાં પ્રસંગો વિશે જાણવાનું પણ એવું જ રસપ્રદ હોય.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, નવેમ્બર, ૧૯૭૪ના દીપોત્સવી અંકનો.

સુઘડ સંસ્કારમાં માનનારી જ્યા ભાદુડી (જયા બચ્ચન) એક સાવધ, અજાગ અને સમજદાર યુવતી છે, નારી છે. જીવનની સભ્યતા વિશે એની પાસે ચોક્કસ ખ્યાલ છે. મલાજો તેનો મોભી છે, એ છબીલાપણાના છુટ્ટા દોરમાં માનતી નથી. એના જીવનમાં પણ રસિકતા છે, રસિકતાના પુર પણ આવે છે, છતાં એ પુરઘેલી સરિતાને બે કાંઠા છે, છે ને છે જ. એટલે એના જીવનની કોઈ વિચક્ષણ કે વિલક્ષણ ઘટના શી હોઈ શકે?

છતાં તેણે સચ્ચાઈથી અને ગૃહસ્થાઈથી એના વિષે વહેતી થયેલી એક વાતનો ખુબીપુર્વક ખુલાસો આવી જાય એવો પ્રસંગ કહી નાંખ્યો છે.

આ પ્રસંગમાં અમિતાભ પ્રત્યેના પોતાના આકર્ષણનો એકરાર છે. તેણે કહ્યું છે કે, ‘કોઈ માને કે ના માને પણ એ સાચી વાત છે કે અમિતાભની તસવીરો મૅગેઝિનોમાં જોઈ હતી ત્યારથી મને એનું આકર્ષણ જાગ્યું હતું.’ અમિતાભ પ્રત્યેની પોતાની ઉત્કટ પ્રેમ ભાવનાને પુરવાર કરવા જયા કહે છે કે, હું પૂનાની ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટિટ્યૂટમાં ભણતી હતી ત્યારે હું અમિતાભ પ્રત્યે આકર્ષાઈ હતી.

અમિતાભ સાથે પોતાનો પ્રેમ કેવી રીતે પરિપૂર્ણ થયો એની વાતો જયાએ કહી છે. જયાએ કહ્યું છે કે, ‘માત્ર તસવીર જોઈને જેના પ્રેમમાં પડી હતી એ અમિતાભને હું મળી અને અમે મિત્રો બની ગયાં.’

‘એ વખતે બધા જાણતા હતા કે અમિતાભને મારા પ્રત્યે આકર્ષણ હતું એના કરતાં મને અમિતાભ પ્રત્યે વધુ ઝોક હતો. પરંતુ અમિતાભ પર હું ઓળઘોળ થઈ છું એવી લાગણીનો અણસારો ય મેં અમિતાભને આવવા દીધો નહોતો.’

જયા કહે છે કે, હા, હું અવારનવાર અમિતાભને ફોન કરતી અને એની ભુમિકાવાળી ફિલ્મનું મુહુર્ત હોય ત્યારે હું અમિતાભને પુષ્પગુચ્છ મોકલાવતી… અચુક મોકલાવતી હતી. મારી અમિતાભ પ્રત્યે લાગણી છે એ દર્શાવવાની મારી આ રીત હતી. પણ અમિતાભ આ પુષ્પો વિશે આભાર વ્યક્ત કરે એવી કોઈ અપેક્ષા નહોતી.’

જયા વધુમાં કહે છે કે, ‘અરે, અમારાં લગ્ન થઈ ગયા ત્યારપછી પણ અમિતાભની ભૂમિકાવાળા ચિત્રના મુહુર્ત પ્રસંગે પુષ્પગુચ્છ મોકલવાની પ્રથા મેં ચાલુ જ રાખી હતી. પરંતુ તાજેતરમાં એવું બની ગયું કે અમિતાભની એક ફિલ્મનું મુહુર્ત હતું અને હું પુષ્પો મોકલવાનું વીસરી ગઈ. કારણ એ હતું કે અમે અમારા લગનના પ્રવાસેથી તાજા જ પાછા ફર્યાં હતાં અને ઘરમાં બધું ધમસાણ જેવું થઈ ગયું હતું. એ ધમાલમાં હું પુષ્પગુચ્છ મોકલવાનું ભૂલી ગઈ. સાંજે જ્યારે અમિતાભ પાછો આવ્યો ત્યારે મને પૂછ્યું. ‘આજે તેં મને પુષ્પ મોકલ્યા નહીં, વાત શું છે?’

જયા કહે છે કે, ‘ત્યારે મેં તૈયાર રાખેલા ફુલો હું લાવી, તેને દેખાડ્યાં અને એને આપ્યા અને ત્યારે મને એક જુદી જ પ્રતીતિ થઈ કે દરેક વર્તનના પડઘા પડે છે. દરેક પ્રથા પાછળ માનવીની લાગણી ગુંથાઈ જાય છે. અપેક્ષા રહે છે. મને ત્યારે થયું કે, આટલા વખતમાં માત્ર એકવાર મુહુર્ત વખતે મેં ફુલ મોકલ્યા નહીં તેથી અમિતાભને અડવું અડવું લાગ્યું. અમિતાભના હૃદયમાં હું પુષ્પો મોકલું એવી અપેક્ષા જડાઈ ગઈ હતી. મારા પુષ્પો તેને પ્રેરણારૂપ બનતાં હતાં: હું પુષ્પો મોકલું એનું અમિતાભના હૃદયમાં મહત્ત્વ હતું. જો કે તેણે મોઢેથી આમ કદી કહ્યું નહોતું, પરંતુ જ્યાં સાચો પ્રેમ હોય ત્યાં પછી ‘થેન્ક યુ’ કહેવાની કોઈ જરૂર જ હોતી નથી.

આ છે, જયા ભાદુડીની ટચુકડી વાત…