જ્હાન્વી કપૂરે અનાથાલયમાં જઈને જન્મદિવસ મનાવ્યો

0
6062

હજી થોડા જ દિવસો પહેલાં પોતાનાં મહાન બોલીવૂડ અભિનેત્રી માતા શ્રીદેવીને કાયમને માટે ગુમાવી દેનાર આશાસ્પદ અભિનેત્રી જ્હાન્વી કપૂરે આજે પોતાનો 21મો જન્મદિવસ મુંબઈમાં એક અનાથાલયમાં જઈને મનાવ્યો હતો.

નિર્માતા બોની કપૂરની પુત્રી જ્હાન્વીએ અનાથ બાળકોની સાથે પોતાનો જન્મદિવસ મનાવ્યો હતો.

સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી એક તસવીરમાં જોઈ શકાય છે કે પોતાના પરિવારમાં આવી પડેલી આ મોટી દુખદ ઘટના છતાં જ્હાન્વીએ હિંમત જાળવી રાખી છે. જોકે બર્થડે કેક કાપતી વખતે માતાને યાદ કરતાં એ જરૂર ભાવુક થઈ ગઈ હતી.

શેર કરેલા એક વીડિયોમાં જ્હાન્વી અનાથ બાળકો સાથે હસતી જોઈ શકાય છે અને બાળકો એને માટે ‘હેપ્પી બર્થડે’ ગીત ગાઈ રહ્યાં છે.

શ્રીદેવીનું ગઈ 24 ફેબ્રુઆરીએ દુબઈની એક હોટેલમાં આકસ્મિક રીતે નિધન થયું હતું. તેઓ 54 વર્ષનાં હતાં. તેઓ એમના પરિવારજનો સાથે એક પારિવારિક લગ્નપ્રસંગે ગયા હતા. જ્હાન્વી પોતાની કારકિર્દીની પ્રથમ ફિલ્મ ‘ધડક’ના શૂટિંગમાં વ્યસ્ત હતી એટલે દુબઈ જઈ શકી નહોતી.

શ્રીદેવીને ત્યારબાદ મુંબઈમાં સંપૂર્ણ રાજકીય સમ્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.