શાહરૂખને બાવનમા જન્મદિને બોલીવૂડ હસ્તીઓ તરફથી શુભેચ્છા

હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કિંગ ખાન અને બાદશાહ ખાન તરીકે પ્રખ્યાત થયેલો શાહરૂખ ખાન આજે તેનો બાવનમો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એ નિમિત્તે એની પર ફિલ્મ ઉદ્યોગમાં તેના સાથી કલાકારો તથા દિગ્દર્શકો તેમજ અન્ય ક્ષેત્રોની હસ્તીઓએ એની પર અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસાવ્યો છે.

૨ નવેંબર, ૧૯૬૫માં નવી દિલ્હીમાં જન્મેલા શાહરૂખે નકારાત્મક ભૂમિકા દ્વારા બોલીવૂડમાં પોતાની ઓળખ ઊભી કર્યા બાદ રોમેન્ટિક ભૂમિકાઓ કરીને એ ચાહકોમાં કિંગ ખાન બની ગયો છે.

બોલીવૂડમાં કારકિર્દી જમાવ્યાને શાહરૂખને ૨૫ વર્ષનો સમયગાળો વીતી ગયો છે. આ દરમિયાન એણે અસંખ્ય પ્રકારની ભૂમિકાઓ ભજવી છે.

શાહરૂખે ૧૯૮૦ના દાયકામાં ટીવી સિરિયલો સાથે અભિનયના ક્ષેત્રમાં પદાર્પણ કર્યું હતું. ૧૯૯૨માં આવેલી ‘દીવાના’ ફિલ્મ સાથે એણે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. ‘ડર’, ‘બાઝીગર’ અને ‘અંજામ’ ફિલ્મોમાં એની નકારાત્મક ભૂમિકાઓને પણ દર્શકોએ વખાણી હતી.

‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘દિલ તો પાગલ હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’ જેવી ફિલ્મોમાં ચમક્યા બાદ એ ‘કિંગ ઓફ રોમેન્સ’ તરીકે જાણીતો થયો હતો.

‘અંજામ’ ફિલ્મ બાદ શાહરૂખે નકારાત્મક ભૂમિકાઓ કરવાનું બંધ કરી દીધું.

કરણ જોહર, ફરાહ ખાન, ફરહાન અખ્તર, શ્રદ્ધા કપૂર, કુણાલ કોહલી, સાજિદ ખાન, દીયા મિર્ઝા, વિવેક ઓબેરોય, દિવ્યા દત્તા, બિપાશા બાસુ, અરમાન મલિક, મનીષ પૌલ જેવી ફિલ્મી હસ્તીઓએ તેમજ સચીન તેંડુલકર અને સાનિયા મિર્ઝા જેવી ખેલકૂદ ક્ષેત્રની હસ્તીઓએ શાહરૂખને બર્થડે વિશ કર્યુ છે.

શાહરૂખ અને તેની ખાસ અભિનેત્રીઓ…

કાજોલઃ શાહરૂખ અને કાજોલે સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. એમાંની ‘મોહબ્બતેં’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ જેવી ફિલ્મોમાં બંને લગ્નગ્રંથિથી જોડાતા બતાવાયા છે. એટલે વરુણ ધવને એક વાર એવું કહ્યું હતું કે શાહરૂખ અને કાજોલ બેઉ પતિ-પત્ની છે એવું એને એક વાર થયું હતું. ધર્મેન્દ્ર-હેમા માલિનીની જેમ શાહરૂખ-કાજોલ પણ બોલીવૂડની હિટ જોડી ગણાય છે.

રાની મુખરજીઃ રાની સાથે શાહરૂખની જોડીને પણ દર્શકોએ પસંદ કરી હતી. ‘કુછ કુછ હોતા હૈ’માં એમનો કોલેજ રોમાન્સ અને ‘કભી અલવિદા ના કહના’માં મેચ્યોર્ડ લવને બોક્સ ઓફિસ પર આવકાર મળ્યો હતો. ‘ચલતે ચલતે’ ફિલ્મમાં દંપતી તરીકે પણ બંને જણ દર્શકોનાં દિલને સ્પર્શ કરી ગયા હતા.

પ્રિયંકા ચોપરાઃ દેશી ગર્લ પ્રિયંકા સાથે શાહરૂખે ‘ડોન’ અને ‘ડોન 2’ કરી હતી. બંને વચ્ચે રીયલ લાઈફમાં પણ રોમાન્સ ચાલતો હોવાની ત્યારે અફવા ઉડી હતી.

દીપિકા પદુકોણઃ ‘ઓમ શાંતિ ઓમ’ સાથે દીપિકાએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને એનો પહેરો હીરો શાહરૂખ હતો. એ ફિલ્મને જોરદાર સફળતા સાંપડી હતી. બંનેની ત્યારબાદની ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ પણ સુપરહિટ નીવડી હતી.

 

શાહરૂખ ખાન : પરિચય

ખરું નામ – શાહરૂખ ખાન

વ્યવસાય – અભિનેતા, નિર્માતા

જન્મ તારીખ – ૨ નવેંબર, ૧૯૬૫

ઉંમર – 52

જન્મ સ્થળ – નવી દિલ્હી

સ્કૂલ – સેન્ટ કોલંબિયા સ્કૂલ, દિલ્હી

કોલેજ – હંસરાજ કોલેજ, દિલ્હી યૂનિવર્સિટી, દિલ્હી અને જામિયા ઈસ્લામિયા યૂનિવર્સિટી, નવી દિલ્હી.
શૈક્ષણિક ક્વોલિફિકેશન – ઈકોનોમિક્સમાં બેચલર્સ ડિગ્રી, માસ કમ્યુનિકેશન્સ (ફિલ્મ મેકિંગ)માં માસ્ટર્સ ડિગ્રી

પહેલી ટીવી સિરિયલ – ફૌજી (૧૯૮૯)

પહેલી હિન્દી ફિલ્મ – દીવાના (૧૯૯૨)

પરિવાર

પિતા – સ્વ. તાજ મોહમ્મદ ખાન

માતા – ફાતિમા ખાન

બહેન (મોટી) – શેહનાઝ લાલારૂખ

ખાસ મિત્રો – કરણ જોહર, ફરાહ ખાન, રોહિત શેટ્ટી, કાજોલ

ધર્મ – ઈસ્લામ

ઘરનું સરનામું – મન્નત, બાન્દ્રા બેન્ડસ્ટેન્ડ, બાન્દ્રા (વેસ્ટ), મુંબઈ

શોખ – કોમ્પ્યુટર ગેમ્સ રમવી, ગેજેટ્સનો સંગ્રહ, ક્રિકેટ

શું ગમે – વરસાદ, વિડિયો ગેમ્સ, મકાઈના ભૂટ્ટા

શું ન ગમે – શેરસટ્ટો, લોટરી, જુગાર પ્રવૃત્તિ

ફેવરિટ અભિનેતા – દિલીપ કુમાર, અમિતાભ બચ્ચન

ફેવરિટ અભિનેત્રી – મુમતાઝ, સાયરાબાનુ

ફેવરિટ રમતો – ક્રિકેટ, ટેનિસ

પત્ની – ગૌરી ખાન

બાળકો – પુત્ર (આર્યન અને અબ્રામ ખાન, પુત્રી સુહાના ખાન)