રૂપેરી પડદાની એક અજોડ અભિનેત્રી – દેવિકારાણી

(લેખક – રામુ ઠક્કર)

ભારતના રૂપેરી પરદા પર તેના ઈતિહાસનાં છેલ્લાં ૫૪ વરસમાં જે જે અભિનેત્રીઓ ચમકી ગઈ અને આજે ચમકે છે તે સઘળીમાં દેવિકારાણી (જન્મ ૩૦ માર્ચ, ૧૯૦૮, નિધન 9 માર્ચ, ૧૯૯૪)નું સ્થાન અનેક રીતે વિશિષ્ટ રહેલું છે. છેલ્લાં ૨૪ વરસથી દેવિકારાણીએ અભિનેત્રી તરીકેની પોતાની કારકીર્દિ છોડી દીધી છે. એ કારકીર્દિ તેણે હકીકતમાં માત્ર ૧૨ કે ૧૩ વરસ લગી જ ભોગવી, પરંતુ તેટલા ટુંકા ગાળામાં તેણે જે નામના અને જે લોકપ્રિયતા મેળવી તે બીજી કોઈ અભિનેત્રીને આજ લગી હાંસલ થઈ નથી એમ કહેવામાં કશું ખોટું નથી.

રૂપેરી પરદા પર અભિનય કરવા માટે શરૂશરૂમાં જે અભિનેત્રીઓ આવી તે ઘણે ભાગે સમાજના નીચલા થરમાંથી આવતી. કોઈ સજ્જન માણસ તેમની સાથે કોઈ પ્રકારનો સંબંધ ખુલ્લી રીતે રાખવા ઈચ્છે નહીં. એમાં મોટા ભાગની સ્ત્રીઓ તો અભણ અથવા જુજ ભણેલી, પરદા ઉપર આવતાં પહેલાં કાં તો ગાનારી અથવા નાચનારી હતી. આપણા સમાજમાં તે જમાનામાં નાટકના તખ્તા ઉપર કે સિનેમાના પરદા ઉપર અભિનય કરવો એ હલકો ધંધો ગણાતો. છતાં તે પુરુષોને માટે એટલો શરમજનક નહોતો ગણાતો પરંતુ સ્ત્રીઓને માટે તો ઘણો જ શરમજનક ધંધો ગણાતો તેથી તેમાં સુશિક્ષિત, સંસ્કારી અને સારો કુટુંબની કોઈ સ્ત્રી પડે નહીં એ દેખીતી વાત હતી.

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, મે, ૧૯૬૭ના અંકનો.

હિંમતભરી પહેલ

આ પહેલ કરનારી અભિનેત્રી દેવિકારાણી હતી. તેના પિતા કર્નલ ચોધરી મદ્રાસ સરકારમાં સિવિલ સર્જનના હોદ્દા ઉપર હતા. ધંધે ડૉક્ટર હતા અને લશ્કરમાં તબીબી કામગીરી બજાવેલી તેથી એમને કર્નલનો ઈલ્કાબ મળ્યો હતો. એમને ઘણો મોટો પગાર અને સારી પ્રેક્ટિસ હશે તેમ લાગે છે કેમકે બચપણથી જે એમણે પોતાની એકની એક દીકરી મણિ (દેવિકારાણીનું મૂળ નામ)ને વિલાયત ભણવા મૂકી હતી, દેવિકારાણીનો જન્મ ૧૯૦૮ના માર્ચ મહિનાની ૩૦મી તારીખે થયેલો તે હિસાબે આજે એની ઉંમર ૫૯ વરસની છે.

વિલાયતમાં અભ્યાસ કરતાં કરતાં આ રૂપાળી અને નાજુક યુવતીને નાટ્યકલાનો શોખ લાગ્યો. ત્યાંની નિશાળોમાં નૃત્ય, નાટ્ય અને સંગીતનું શિક્ષણ તો સર્વત્ર મળતું જ હોય છે. વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ અવારનવાર સાથે મળીને તખ્તા પર નાટકો કરે એ પ્રથા આપણા દેશમાં તો છેલ્લાં ૨૫ વરસથી શરૂ થઈ હશે પણ વિલાયતમાં તો દસકાઓ થયાં ચાલતી આવેલી છે. દેવિકારાણી આવા નાટકોમાં ઝળકી ઉઠી. વિલાયતમાં તે દિવસોમાં ભણતર માટે કે ધંધા માટે વસતા યુવાનો એની અભિનય કલા જોઈને મુગ્ધ થઈ જતા.

હેમેન્દ્રનાથ રાય નામના કલકત્તાના એક હોટેલ માલિકનો એક યુવાન પુત્ર હિમાંશુ બેરિસ્ટર થવા માટે વિલાયતમાં ભણતો હતો, તેને પણ અભિનય કલાની કુદરતી બક્ષિસ અને તખ્તાઓ ઉપર ભજવાતા નાટકોમાં ઘણી ભૂમિકાઓ એ ભજવતા. હિમાંશુ પછીથી બેરિસ્ટર થયો પણ ખરો પરંતુ એણે કદી બેરિસ્ટર તરીકે પ્રેક્ટિસ કરી નહોતી. શરૂશરૂમાં વિલાયતમાં નાટક મંડળીઓમાં કામ કરીને એ નિર્વાહ ચલાવતો ને પછી ય તેનું લક્ષ સિનેમા સૃષ્ટિ તરફ ખેંચાયું. થોડાક મિત્રો અને થોડાક મુરબ્બીઓની મદદથી તેણે છેક ૧૯૨૫-૨૬ના અરસામાં ‘લાઈટ ઑફ એશિયા’નામની એક ફિલ્મ બનાવી. ભગવાન બુદ્ધના જીવનચરિત્રની એ ફિલ્મ હતી અને તેમાં સિદ્ધાર્થ બુદ્ધની ભૂમિકા હિમાંશુએ પોતે ભજવી હતી. એ વખતે હજુ ફિલ્મોને વાણી નહોતી સાંપડી. ‘લાઈટ ઑફ એશિયા’ મુંગી ફિલ્મ હતી, પણ એ એક ઘણી જ ઉચ્ચ કક્ષાની ફિલ્મ હતી એ વિશે બેમત નથી. માત્ર હિંદુસ્તાનમાં જ નહીં પણ ઈંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની અને અમેરિકામાં પણ એ ફિલ્મ ઘણાં અઠવાડિયાંઓ લગી ચાલી હતી.

હિમાંશુનો પરિચય

‘સમાનશીલવ્યસનેષુ સખ્યં’ એ સંસ્કૃત કહેવત પ્રમાણે મણિ (પાછળથી દેવિકારાણી) અને હિમાંશુ વિલાયતમાં એકબીજાનાં પરિચયમાં આવ્યા. બન્ને બંગાળી હતા એટલે આ પરિચય તરત ગાઢ બન્યો અને પછી બન્ને જણાં લગ્ન કરીને પતિ-પત્ની બન્યાં. ઉંમરની દ્રષ્ટિએ એ લગ્ન એક કજોડું હતું કેમકે લગ્ન વખતે દેવિકાની ઉંમર આશરે ૨૨-૨૩ વરસની અને હિમાંશુ રાયની ઉંમર લગભગ ૩૮-૩૯ની એટલે બેઉની ઉંમર વચ્ચે ૧૬-૧૭ વરસનો તફાવત હતો.

આ પછી હિમાંશુરાયે ‘હિમાંશુરાય ઈંડો ઈન્ટરનૅશનલ ટોકિઝ’નામની લાંબાલચક નામવાળી એક ફિલ્મ કંપની કાઢીને ‘કર્મ’ અથવા  ‘નાગન કી રાની’નામની એક બોલતી ફિલ્મ બનાવી, આ ફિલ્મની ભાષા અંગ્રેજી હતી. એમાં મુખ્ય ભૂમિકામાં નાયક હિમાંશુ રાય પોતે અને નાયિકા દેવિકારાણી હતી. આ ફિલ્મની પ્રથમ રજૂઆત લંડનમાં કરવામાં આવેલી અને તે પ્રસંગે વિલાયતના અનેક મોટા-મોટા અમીર-ઉમરાવો હાજર રહેલા હતા. દેવિકારાણી આ ફિલ્મ રજૂ થયા પછી ખૂબ પ્રસિદ્ધિ પામી. વિલાયતના અખબારોએ એના રૂપ અને અભિનય કલાની ભારોભાર પ્રશંસા કરી. કેટલાક અખબારોએ એટલે સુધી પણ પ્રશંસા કરી કે ‘આવું રૂપ અને આવી નઝાકત રૂપેરી પરદા પર આજ લગી અમે ક્યાંયે જોયાં નથી.’

‘કર્મ’ ફિલ્મનું એક દ્રશ્ય

‘કર્મ’ નામની એ ઈંગ્લિશ ભાષામાં બનાવેલી ફિલ્મ હિંદુસ્તાનમાં-મુંબઈ, કલકત્તા વગેરે મોટાં શહેરોમાં રજૂ થયેલી. પણ ત્યાં કયાંયે એ બહુ ચાલી નહોતી. એ જમાનામાં સારી સારી અમેરિકન ફિલ્મો પણ ત્રણ-ચાર અઠવાડિયા લગી એક થિયેટરમાં ચાલે એ મોટી વાત ગણાતી. સામાન્ય નિયમ તરીકે તો અઠવાડિયે અઠવાડિયે ફિલ્મ બદલાઈ જતી એટલે ‘કર્મ’ને હિંદી પ્રક્ષેક જનતા તરફથી બહુ ઉત્તેજન મળવાની શક્યતા જ નહોતી. પણ એનાથી દેવિકારાણીની ખ્યાતિ ખૂબ વિસ્તરી. દેશના આગેવાન અંગ્રેજી અખબારોએ એની અભિનય કલા અને એના સૌંદર્યની પ્રશંસા કરવામાં મણા ન રાખી.

બૉમ્બે ટોકિઝ

આ ખ્યાતિનો લાભ લઈને એના પતિ હિમાંશુરાયે પોતાની લાગવગ વાપરીને મુંબઈના કેટલાક ઉચ્ચ કક્ષાના વેપારીઓ અને આગેવાનોનો સાથ મેળવીને ‘બૉમ્બે ટોકિઝ લિમિટેડ’નામની નવી ફિલ્મ સંસ્થા ૧૯૩૪માં ઊભી કરી અને એના નેજા નીચે દેવિકારાણી મુખ્ય ભૂમિકા સાથેની ફિલ્મો બનાવવા માંડી.

૧૯૩૪થી ૧૯૪૭ સુધી નવ વરસની હિંદી ફિલ્મોની મુખ્ય અભિનેત્રી તરીકેની દેવિકારાણીની એ ટૂંકી કારકીર્દિ દરમિયાન એને રૂપેરી પરદાની સર્વશ્રેષ્ઠ અભિનેત્રી અને First Lady Of The Indian Screen જેવા ખિતાબો જનતા તરફથી અને અખબારનવેશો તરફથી મળી ગયા. બોમ્બે ટોકીઝની ફિલ્મો સારી નીકળતાં પણ શરૂશરૂમાં ખાસ ચાલતી નહીં અને બૉક્સ ઑફિસ પર કમાણી કરાવતી નહીં, એટલે નાણાંની દ્રષ્ટિએ દેવિકારાણીની મુખ્ય ભુમિકાવાળી ફિલ્મોથી બોમ્બે ટોકીઝનો કશો શુક્કરવાર વળ્યો નહી, છતાં દેવિકારાણીની પોતાની ખ્યાતિ ખૂબ વિસ્તરી. હરીફ કંપનીના પ્રોડ્યુસરો બોમ્બે ટોકીઝની ફિલ્મોનો ઉપહાસ કરતા પરંતુ દેવિકારાણીની પ્રશસ્તિમાં તો તેઓ પણ સઘળા એકમત હતા. એ જમાનામાં મુંબઈમાં બનતી ફિલ્મોમાં સુલોચના, ગોહર, મુરી, સબિતાદેવી જેવી લોકપ્રિય અભિનેત્રીઓ રજૂ થતી. પૂનાની પ્રભાત ફિલ્મ કંપનીની ફિલ્મોમાં શાંતા આપ્ટેની ભૂમિકાઓ પણ ખૂબ વખણાતી, કલકત્તાની પ્રખ્યાત કંપની ન્યુ થિએટર્સમાં કાનનબાલા, જમુના, લીલા દેસાઈ વગેરે અભિનેત્રીઓએ ઘણી લોકપ્રિયતા મેળવેલી પરંતુ દેવિકારાણીની તોલે કોઈ આવે નહીં એ વાત નિર્વિવાદ હતી.

આમ છતાં દેવિકારાણીની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો બૉક્સ ઑફિસ ઉપર ખાસ સફળ નિવડી નહોતી. માત્ર એક ફિલ્મ ‘અછુત કન્યા’ કલકત્તામાં ઘણી મોટી કમાણી કરાવનાર નીકળી હતી પરંતુ મુંબઈમાં તો તે પણ ૧૫ અઠવાડિયાંથી વધારે ચાલી શકી નહોતી. બીજી કેટલીક ફિલ્મો તો તદ્દન નિષ્ફળ નિવડી હતી.

૧૯૩૪ થી ૧૯૪૩ સુધીના નવ વરસમાં બોમ્બે ટોકીઝ તરફથી કુલ ૨૩ ફિલ્મો રજૂ થઈ તેમાંથી ૧૨ ફિલ્મોમાં મુખ્ય ભૂમિકા દેવિકારાણીની હતી. ૧૯૪૦ના મે માસમાં તેના પતિ હિમાંશુરાયનું અવસાન થયું તે પછી હવે દેવિકારાણી પરદા પર અભિનય નહીં કરે એવું માનવામાં આવતું હતું અને બેએક વરસ સુધી તેણે પોતે પણ એ માન્યતાને જોર મળવા દીધું હતું, પરંતુ ૧૯૪૧ કે ૧૯૪૨માં વળી તેને પરદા પર ઉતરવાનું મન થઈ ગયું અને ‘અનજાન’ નામની એક ફિલ્મમાં તેણે ૧૨મી વાર મુખ્ય ભૂમિકા ભજવી, પણ તે ફિલ્મ પરદા ઉપર તદ્દન નિષ્ફળ નિવડી. તેની સામે ૧૯૪૦ થી ૧૯૪૩ના ત્રણ વરસના અરસામાં લીલા ચીટનીસ અને મુમતાઝશાંતિ જેવી દેવિકારાણીના મુકાબલે ઘણી સામાન્ય ગણાય એવી કક્ષાની અભિનેત્રીઓની મુખ્ય ભૂમિકાવાળી ફિલ્મો ‘કંગન’, ‘બંધન’, ‘નયા સંસાર’, ‘પુનર્મિલન’, ‘બસંત’, અને ‘કિસ્મત’એ બૉક્સ ઑફિસ પર સિલ્વર અને ગોલ્ડન જ્યુબિલીઓ નોંધાવીને કંપનીની તિજોરી નાણાં વડે છલકાવી દીધી હતી.

નાણું આવ્યું અને કલહ શરૂ થયો

કંપની પાસે જ્યારે નાણાંના ફાંકા હતા ત્યારે વહીવટમાં એક સંપ અને એકરાગ હતો અને સહુના મનને સંતોષ હતો. દેવિકારાણી બધો વખત માત્ર રૂપિયા ૬૫૦ના મામુલી કહી શકાય તેટલા માસિક પગારથી કામ કરતી હતી. પૈસાનો એને ખાસ મોહ હોય એવું લાગતું નહોતું કે તેને મુંબઈના એકાદ બે પ્રોડ્યુસરોએ એમની એક ફિલ્મમાં કામ કરવા માટે પચીસ કે ત્રીસ હજાર રૂપિયાની ઓફરો આપેલી તેનો તેણે સાફ ઈન્કાર કર્યો હતો. તે દિવસોમાં એક ફિલ્મમાં ભૂમિકા ભજવવા માટે આટલી રકમ કોઈ અભિનેત્રીને મળી નહોતી.

પણ કંપની પાસે નાણાં ઉભરાયાં તે પછી તેમાં વિખવાદ શરૂ થયો. અભિનેત્રી તરીકે ભૂમિકા ભજવીને કંપનીને વહીવટી ખટપટોથી અત્યાર લગી દૂર રહેનાર દેવિકારાણીને પોતાના પતિના અવસાન પછી બે વરસ કંપનીના વહીવટમાં સર્વોપરિસત્તા ભોગવવાની અભિલાષા જાગી. પછીની વિગતો જેટલી રસમય તેટલી જ લાંબી છે અને આ લેખમાં તેને સ્થાન નથી. પરંતુ દેવિકારાણી અનેક કાવાદાવા કરીને પોતાની મુરાદોમાં આખરે ફાવી અને તેના પ્રપંચોથી કંપનીમાં ફાટફૂટ પડી કંપનીની નામના અને કંપનીની સમૃદ્ધિ બન્ને વધારવામાં જેમનો જબરદસ્ત ફાળો હતો. તેવા કાર્યકર્તાઓને કંપની છોડવી પડી. આ કામ કરવા માટે દેવિકારાણીએ એવા માણસોની મદદ લીધેલી કે જેમની સાથે સંબંધ રાખવામાં તો શું પણ સામાન્ય વાતચીત કરવામાં પણ તેના મરહુમ પતિ હિમાંશુરાય હીણપત સમજતા.

બૉમ્બે ટોકીઝ એક અત્યંત ઉચ્ચ કક્ષાની સંસ્થા હતી. તેના સ્થાપકો અને સંચાલકોમાં સર નાઈટો બેરોનેટો રાજા-મહારજાઓના પ્રતિનિધિઓ, મુંબઈ યુનિવર્સિટીના એક વેળાના વાઈસ ચાન્સેલર વગેરે સમાજના સર્વોત્તમ કક્ષાના જાણીતા અમીર-ઉમરાવો હતા. દેવિકારાણીના પ્રપંચ વડે એમની જગ્યાઓએ શૅરબજારના સટોડીયાઓ, વ્યાજખાઉ શરાફો, અસંસ્કારી અને અણઘડ ગણાય તેવા તાલેવરો અને સંસ્કારી વર્ગ હંમેશાં જેના સહવાસથી દૂર રહેતો આવ્યો છે તેવા નાણાંની ઉથલપાથલ કરનારા સાહસિકો ઘૂસવા લાગ્યા. ચોમાસાનું આગમન થતાં દેડકાઓનો ડ્રાંઉડ્રાંઉ અવાજ થવા લાગે ત્યારે કોયલ જેમ પોતાનું સંગીત બંધ કરી દે છે તેવી રીતે બોમ્બે ટોકીઝના વહીવટમાં ન ઈચ્છવા જેવા માણસોની ભરતી થતી જોઈને સર ચીમનલાલ સેતલવાડ અને સર ચુનીલાલ ભાઈચંદ મહેતા જેવા કંપનીના મહાનુભાવ સુત્રધારો ‘હવે આમાં રહેવામાં આપણી શોભા નથી,’ એમ સમજીને કંપનીથી અલગ થઈ ગયા. કંપનીના સ્ટાફમાંથી પણ બાહોશમાં બાહોશ કાર્યકર્તાઓ-અજોડ બુદ્ધિપ્રતિભાવાળા જનરલ મૅનેજર રાયબહાદુર ચુનીલાલ, પ્રોડ્યુસર શશધર મુખરજી, નામાંકિત અને લોકપ્રિય કવિ પ્રદીપ, નામાંકિત લોકપ્રિય હાસ્યરસ સ્વામી સ્વ. વી.એચ. દેસાઈ જેવા કલાકાર અને બીજા કુશળ કાર્યકરો કંપની છોડીને ચાલ્યા ગયા અને દેવિકારાણીની કંપની ઉપર પોતાનું સ્વામિત્વ જમાવવાની મુરાદ આખરે બર આવી.

પણ તે પછી કંપનીની હાલત દેવિકારાણી સુધારી શકી નહીં. જતે વખતે જે માણસોના સાથથી પોતે પોતાના ઉચ્ચ આસન ઉપર આવી હતી તે જ માણસોને તેણે ઠોકર મારી, વહીવટની સંપૂર્ણ સત્તા પોતાના હાથમાં લીધી પરંતુ સંસ્થાની દુર્દશા થતી એ અટકાવી ન શકી.

સત્તાધીશ થયા પછી પણ ફરી એકવાર દેવિકારાણીએ રૂપેરી પરદા પર છેલ્લીવાર ભૂમિકા ભજવી, હિંદી ફિલ્મોમાં તેની આ ભૂમિકા તેરમા ફિલ્મની હતી. તેરનો આંકડો યુરોપીયનો આપશુકનિયાળ ગણે છે. એ ભલે એક વહેમ હશે પણ દેવિકારાણી ૧૩ ફિલ્મોમાં ભૂમિકા ભજવ્યા પછી ફરી રૂપેરી પરદા પર ચમકી નથી. એ હકીકત છે. એ ફિલ્મ પણ ખાસ સફળ નિવડી નહોતી. એની મુંબઈમાં સિલ્વર જ્યુબિલી થાય એવી દેવિકારાણીની ભારે પ્રબળ વાંછના હતી. પણ તે થઈ શકી નહીં.

ખાનાખરાબી

૧૯૪૩ થી ૧૯૪૫ સુધીનો દેવિકારાણીની કંપનીના સર્વસત્તાધીશ તરીકેની કારકીર્દીમાં કંપનીની ફિલ્મો એક પછી એક નબળી બનવા લાગી, કંપનીની લોકપ્રિયતા ઘટી ગઈ અને ધીમે ધીમે તેની મોટી સમૃદ્ધિ પણ ઘટવા લાગી. પોતાને જ હાથે થયેલી કંપનીની આ દુર્દશા નિહાળીને આખરે દેવિકારાણી ૧૯૪૫ના સપ્ટેમ્બર માસમાં સ્વેટોસ્લાવ રોરીક નામના એક રશિયન ચિત્રકાર સાથે પુનર્લગ્ન કરીને કંપનીમાંથી નીકળી ગઈ.

આમ નવ વરસ સુધી સતત પરિશ્રમ, ખંત, ઉમંગ, વફાદારી અને સચ્ચાઈને કારણે જે કંપની એકવાર સિનેમા આલમમાં સર્વોચ્ચ કહી શકાય તેવા શિખર પર પહોંચી હતી તેને દેવિકારાણીએ પોતાના બે વરસના વહીવટમાં લગભગ જમીનદોસ્ત થઈ ગઈ.

httpss://youtu.be/FN_1je2Xgd4