અર્થતંત્રનું ફૂલગુલાબી ચિત્ર છતાં જીડીપી ગ્રોથ કેમ ઘટ્યો ?

જીડીપી ગ્રોથનો આંક એપ્રિલથી જૂન ત્રિમાસિકગાળામાં ઘટીને 5.7 ટકા આવ્યો, જે ત્રણ વર્ષની નીચી સપાટીએ આવી ગયો છે. નિષ્ણાતોની ધારણા કરતાં પણ જીડીપીનો આંક નીચો આવ્યો છે, જેથી તમામ સ્તરે નિરાશા વ્યાપી ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા આર્થિક પ્રગતિનું ચિત્ર જે રીતે ફુલગુલાબી રજૂ થઈ રહ્યું છે, તેના કરતાં ઉલટો જીડીપી ગ્રોથ આવ્યો છે. વિશ્વના દેશો સામે ભારતની આર્થિક વિકાસની વાતો જોરશોરથી થઈ રહી છે, પણ જીડીપી આંક કંઈક અલગ જ દર્શાવે છે. કેમ આમ થયું ? તે ચર્ચાનો વિષય બન્યો છે.

કેન્દ્ર સરકાર, નાણા મંત્રાલય, નાણાપ્રધાન અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ જીડીપી ગ્રોથ કેમ ઘટીને આવ્યો તે અંગે ગહનતાથી વિચારવાનો સમય છે. જીડીપી ઘટવા પાછળનું કારણ કયું છે, અને તેનો શું ઉપાય છે તે પર ચર્ચા કરીને યોગ્ય પગલા ભરવા જોઈએ. કારણ કે નોટબંધી અને જીએસટીના અમલીકરણ પછી સતત જીડીપી ગ્રોથ ઘટીને આવ્યો છે. આમાં સરકાર તરફથી શું ચુંક રહી ગઈ છે, તેનો અભ્યાસ કરવો જોઈએ. નહી તો જીડીપી ગ્રોથ જોઈને વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરવા આવતાં હોય છે. હવે જો જીડીપી ગ્રોથ ઘટ્યો તો વિદેશી રોકાણકારો પોતાનું રોકાણ ભારતમાંથી પાછુ ખેંચતા વાર નહી લાગે.

ભારત વિકાસશીલ દેશ તરીકેની ગણના વિશ્વમાં થઈ રહી છે. ખુબ જ ઝડપથી વિકસીત થતો કોઈ દેશ હોય તો તે ભારત છે. કે જ્યાં સ્થિર સરકાર આવી છે, અને આર્થિક સુધારાને ખુબ જ ઝડપથી અમલમાં મુકી રહી છે. વિદેશી નીતિના પણ વખાણ થઈ રહ્યા છે. કેન્દ્ર સરકાર સબસીડીમાં કાપ મુકીને દેશના માથે રહેલ ભારણને ઘટાડી રહી છે. ટેક્સ રીફોર્મ્સ કરીને આવકવેરાને સરળ કરી રહી છે. નોટબંધી કર્યા પછી એક દેશ એક ટેક્સનું સુત્ર આપીને જીએસટીનો અમલ કરાવ્યો છે. જીએસટી આવ્યા પછી સરકારની આવકમાં વધારો થયો છે. મોંઘવારીનો દર અંકુશમાં આવી રહ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા સતત વ્યાજ દર નીચા કરી રહી છે. કે જેનાથી કોર્પોરેટ સેકટરને ઓછા વ્યાજે ધિરાણ મળી રહે, અને તેની સાથે ઓછા વ્યાજ હશે તો ઓટો અને ઈન્ફ્રા સેકટરને પણ લાભ થશે. ખેતી ક્ષેત્રમાં બમ્પર પાકના આંકડા જાહેર થયા છે, આ બધા પોઝિટિવ ફેકટર છતાં જીડીપી ગ્રોથ ઘટીને કેમ આવ્યો ? તેનું મંથન થવું જ જોઈએ.

  • ચાલુ વર્ષે જાન્યુઆરીથી માર્ચમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો. અને હવે એપ્રિલથી જૂન કવાર્ટરમાં વધુ ઘટી 5.7 ટકા આવ્યો
  • પહેલી જુલાઈથી દેશભરમાં જીએસટી લાગુ થયો
  • જીએસટી લાગુ થવાને કારણે તમામ બિઝનેસનું ફોક્સ ઉત્પાદનની જગ્યાએ ઈન્વેન્ટ્રી સમાપ્ત કરવાનું રહ્યું હતું. જેથી ઉત્પાદન ઘટ્યું
  • એપ્રિલ-જૂનમાં મેન્યુફેકચરિંગ સેકટરનો ગ્રોથ 10.7 ટકાથી ઘટીને 1.2 ટકા આવ્યો
  • કન્સ્ટ્રક્શન સેક્ટર, માઈનિંગ, ખેતીવાડી અને સર્વિસ સેકટરમાં સુસ્તી રહી છે.
  • એક અતિમહત્વનું કારણ એ રજૂ કરાયું છે કે નોટબંધીને કારણે બિઝનેસમાં નિરાશા વ્યાપી ગઈ હતી, તમામ આર્થિક વ્યવહારો અટકી ગયા હતા, જે હજી સંપૂર્ણરીતે પૂર્વવત થઈ શક્યા નથી. હજી નોટબંધીમાંથી દેશને કળ નથી વળી ?
  • છેલ્લા એક વર્ષથી ઈકોનોમીનો સ્લો ડાઉન છે, અને જૂન કવાર્ટરમાં સ્લો ડાઉન વધુ જોવાયું છે.
  • ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ કવાર્ટરમાં કંપનીઓના પરિણામ ઓવરઑલ નિરાશાજનક આવ્યા છે, ચોખ્ખો નફો ઘટીને આવ્યો છે. માલસામાનની નિકાસ પણ ઘટી છે.

આ બધા કારણો તો જીડીપી ઘટવાના રહ્યા છે, પણ તેના ઉપાયો સરકારે તાત્કાલિકપણે કરવાની જરૂર છે. વાસ્તવમાં આર્થિક પ્રગતિનો ચિતાર આપવો ખુબ સરળ છે, પણ હકીકતમાં આર્થિક વિકાસ સાંધવો ખુબ મુશ્કેલ છે. માત્ર કરવેરાની આવક વધારવાથી જીડીપી ગ્રોથ હાંસલ નહી થઈ શકે. ચારે તરફનો વિકાસ થશે તો જ જીડીપી ગ્રોથમાં વૃદ્ધિ નોંધાશે.

ચાલુ વર્ષે ચોમાસું સામાન્ય કરતાં વધુ રહ્યું છે. બિહાર, ઉત્તરપ્રદેશ, ગુજરાતમાં પૂર આવ્યું, ચોમાસું ઉભો પાક ધોવાઈ ગયો છે. હવે પછીનો પાક કેવો છે તેનો આધાર હવામાન પર છે. મહારાષ્ટ્ર અને મુંબઈમાં પણ ભારે વરસાદથી ખુબ નુકશાન થયું છે. હવે પછી ખેતીવાડી અને તેની ઉપજ પરની આવક જીડીપી ગ્રોથમાં વધુ મહત્વનો બની રહેશે.

નીતિ આયોગના નવા વરાયેલા વાઈસ ચેરમેન અર્થશાસ્ત્રી રાજીવ કુમારે કહ્યું છે ચાલુ નાણાકીય વર્ષના બીજા કવાર્ટરમાં જીડીપી 7થી 7.5 ટકા આવશે. તેમણે સરકારના રીફોર્મ્સના વખાણ કરતાં કહ્યું હતું કે જીએસટી પહેલા સ્ટોક કલીયરીંગને કારણે ગ્રોથ પર અસર પડી છે, પણ હવે ગ્રોથ પોઝિટિવ થશે. રાજીવ કુમારે ભારતીય ઈકોનોમી પર અનેક પુસ્તકો લખ્યા છે.

તેમજ આર્થિક જગતના નિષ્ણાતો પણ અનુમાનો લગાવી રહ્યા છે, કે આગામી કવાર્ટરથી ઈકોનોમીની ગાડી પાટા પર આવી જશે. પણ તેના માટે સરકારે ખર્ચ વધારવો પડશે, અને તેનાથી ડિમાન્ડને ઉભી કરી શકાશે. જો કે સરકારે ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટર પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું છે, જેનાથી ગ્રોથમાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે. તેમાં કોઈ બેમત નથી. પણ તેની સાથે કોર્પોરેટ સેકટરમાં ઉત્પાદન વધે અને ખેતીવાડી સેકટર પણ ઉજળો દેખાવ કરે તો જીડીપી ગ્રોથ વધીને આવશે.