તૂર્કીના લિરાના લીરા ઉડ્યાં, હવે ભારતીય રુપિયાનું શું થશે?

તૂર્કીની ચલણ લિરાના લીરેલીરા ઉડી ગયાં છે. અમેરિકાએ તૂર્કી પર આર્થિક પ્રતિબંધ લગાવ્યા અને મેટલની આયાત પર બે ગણી આયાત ડ્યૂટી લાદી તે પછી તૂર્કીની આર્થિક સ્થિતિ ડામાડોળ બની છે. જે પછી ફોરેક્સ માર્કેટથી માંડીને વિશ્વના સ્ટોક માર્કેટમાં ભૂકંપ આવી ગયો છે. વિશ્વના દેશોમાં તૂર્કીની આર્થિક હાલતની ચર્ચા સાથે ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે આપણા દેશ પર લિરા તૂટે તો તેની લાંબેગાળે કેટલી અસર પડશે? જો કે ભારતની કરન્સી રુપિયો તો તૂટીને 70ની સપાટીની નીચે ઉતરી ગયો હતો. ભારત દેશ આઝાદ થયા પછી સૌપ્રથમ વખત અમેરિકન ડૉલર સામે ભારતીય રુપિયો તૂટી 70.08 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 69.89 બંધ રહ્યો હતો. રૂપિયો તો તૂટ્યો પણ સાથે સ્ટોક માર્કેટ પણ ગબડ્યું હતું.તૂર્કીની આર્થિક હાલત કથળી તેની વિશ્વના તમામ બજારો પર વિપરીત અસર પડી છે. તમામ દેશોના ચલણો તૂટ્યાં છે. એકલો રૂપિયો તૂટયો તેવું નથી, અમેરિકા પર પણ તેની અસર પડી છે. આમ જોવા જઈએ તો તૂર્કીનું ચલણ લિરા પહેલેથી નબળો હતો, અને અમેરિકાએ મેટલના ઈમ્પોર્ટ પર આયાત ડયૂટી બમણી કરી નાંખી. જેથી પછી લિરા વધુ તૂટીને રેકોર્ડ બ્રેક નીચાસ્તરે આવ્યો હતો, અને લિરામાં અત્યાર સુધીમાં 40 ટકાનો કડાકો બોલી ગયો છે. એક ડૉલર સામે તૂર્કીશ લિરા 6.04 રહ્યો હતો અને ભારતીય એક રુપિયા સામે લિરા 0.086નો ભાવ હતો.

તૂર્કીનો લિરા તૂટવા પાછળના કારણો પર નજર કરીએ…–      તૂર્કીમાં લાંબા સમયથી અમેરિકન પાદરી એન્ડ્રયુ બ્રનસન કેદ છે, તે પાદરીને અમેરિકાએ છોડી મૂકવા તૂર્કીને વારંવાર કહ્યું છે.

–      તૂર્કીએ અમેરિકન પાદરી પર દેશવિરોધી પ્રવૃતિ કરવાનો આરોપ લગાવ્યો છે

–      અત્યાર સુધી વિશ્વ જાણે છે કે અમેરિકા અને તૂર્કી વચ્ચે ખૂબ જ મિત્રતા રહી છે.

–      હવે અમેરિકાએ તૂર્કી પર આર્થિક પ્રતિંબધો લાદીને તેને અંકુશમાં લેવાનો પ્રયત્ન કર્યો છે.

–      અમેરિકાએ સ્ટીલ અને એલ્યુમિનિયમ પર બેગણી આયાત ડયૂટી લાદી

–      તૂર્કીમાં બે વર્ષ પહેલા શાસનપલટાનો નિષ્ફળ પ્રયાસ બદલ પણ 20 અમેરિકનો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે.

–      તૂર્કીની આર્થિક હાલત તો કથળેલી જ હતી, અને અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધો લદાયા

–      તૂર્કીનો લિરા એક વર્ષમાં 40 ટકા ગબડ્યો છે, જેથી તૂર્કીની જનતામાં ભારોભાર ગભરાટ ફેલાયો છે.

–      તૂર્કીની જનતાને ડર છે કે દેશ ડિફોલ્ટ તો નહીં થાય ને

–      તૂર્કીનું દેવું 300 અબજ ડૉલર છે, જે વિકસિત દેશ કરતાં જંગી દેવું છે

–      તૂર્કીની ફોરેક્સ રીઝર્વ ખૂબ નાની છે.

–      બોન્ડ યીલ્ડ 20 ટકા થઈ ગયા, જે મે મહિનામાં 12 ટકા હતી.

–      તૂર્કીને આઈએમએફના શરણે જવું પડે તેવી હાલત છે

હાલ તો તૂર્કીનો લિરા તૂટયો તેની અસર વિશ્વના અને ખાસ કરીને એશિયાઈ દેશો પર પડી છે. તમામ દેશના ચલણો ઘટ્યાં છે. વિદેશી રોકાણકારો પણ ગભરાયાં છે. અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની વિદેશ નીતિ ચર્ચાસ્પદ બની રહી છે. તમામ દેશો સાથેના સંબધો બગાડી રહ્યાં છે. અમેરિકા આર્થિક મહાસત્તા હોવાથી ટ્રમ્પ મહાસત્તાના મદમાં ટ્રેડ વૉર ઉભુ કરીને ચીન, રશિયા, જાપાન, ભારત, યુરોપ અને હવે તૂર્કીથી આયાત થતી વસ્તુઓ પર આયાત ડયૂટી લાદી છે. દરેક દેશોની આર્થિક સ્થિતિ કથળી રહી છે. ખરેખર તો આર્થિક મહાસત્તાની જવાબદારી હોય છે કે નબળાં દેશોની મદદ કરીને તેમને મજબૂત બનાવવા. અત્યાર સુધી અમેરિકા દરેક દેશને મદદકર્તા સાબિત થયું છે. પણ ટ્રમ્પના આવ્યા પછી વિદેશ નીતિ અન આર્થિક નીતિમાં ફેરફાર આવ્યો છે.આમ જોવા જઈએ તો અમેરિકાની નીતિથી વિદેશી રોકાણકારો પણ અવઢવમાં મુકાઈ ગયા છે. કયા દેશમાં રોકાણ કરવું? એશિયાઈ દેશોમાં રોકાણ છે તેને પાછું ખેંચી લેવું કે શુ કરવું? ભારતીય મૂડીબજારમાં તો એફઆઈઆઈ નેટ સેલર છે જ. સાથે તેમનું રોકાણ ચીનના સ્ટોક માર્કેટમાં પણ છે. તેનું શું કરવું ? તૂર્કીના વિવાદ પછી અને લિરાના ગબડ્યાં પછી વિશ્વની કરન્સી અને સ્ટોક માર્કેટ તૂટીને આવતાં હવે વિદેશી રોકાણકારોના પોર્ટફોલિયોમાં ખૂબ મોટુ નુકશાન પડી રહ્યું છે. વિદેશી રોકાણકારો ટ્રમ્પની નીતિથી મુંઝાઈ ગયા છે. અમેરિકન રોકાણકારો તો હવે અમેરિકામાં જ રોકાણ કરી રહ્યા છે, અને ત્યાં બિઝનેસ ડેવલપ કરી રહ્યા છે. વિશ્વના દેશમાં અમેરિકામાંથી આવતું રોકાણ ઘટયું છે.

ભારતની વાત કરીએ તો તૂર્કીનો લિરા તૂટયા પછી ફોરેક્સ માર્કેટમાં ડૉલર મજબૂત થયો, સામે રુપિયો 70.08 સુધી રેકોર્ડબ્રેક નીચી સપાટીએ જઈ આવ્યો. જો કે આરબીઆઈ હવે રૂપિયાને તૂટતો અટકાવવા માટે ઈન્ટરવેન્શન કરે તેવી શકયતા વધી છે. રુપિયો તૂટતાં મોદી સરકાર પર પણ માછલાં ધોવાઈ રહ્યાં છે. જેથી સરકારનું આરબીઆઈ પર દબાણ રહેશે. ભારત આર્થિક પ્રગતિ કરી રહ્યું હોય તો રૂપિયો મજબૂત થવો જ જોઈએ. જીએસટી કલેક્શન વધ્યું છે. જીડીપી ગ્રોથ રેટ વધ્યો છે, ફુગાવો અંકુશમાં છે. ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું, વિદેશી હૂંડિયામણમાં વધ્યું છે, ઈકોનોમીના તમામ પેરામીટર્સ પોઝિટિવ છે, એકમાત્ર રૂપિયો નબળો છે.પણ હવે આરબીઆઈએ રુપિયાને તૂટતો અટકાવવા માટે 100 ટકા વિચારવાનો સમય આવી ગયો છે. તેમ જ કેન્દ્ર સરકારે પણ એવા પગલાં લેવા જોઈએ કે રૂપિયો મજબૂત થાય. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કહ્યું કે આગામી દસકો ભારતનો છે. અને ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી નહીં શકે. તો સૌપ્રથમ ભારતીય રુપિયાને મજબૂત કરવો પડશે. તેના માટે કેન્દ્ર સરકારે આર્થિક નિષ્ણાતો કે અર્થશાસ્ત્રીઓની મદદ લઈને પગલાં લેવાનો સમય પાકી ગયો છે.