રસગુલ્લાના શોધક નબીન ચંદ્ર દાસ ઉપર બાયોપિક ફિલ્મ બનાવાશે

જાણીતા મીઠાઈ ઉત્પાદક અથવા કંદોઈ નબીન ચંદ્ર દાસ ઉપર એક બાયોપિક ફિલ્મ બનાવવામાં આવનાર છે. દાસને રસગુલ્લાના શોધક તરીકે ઓળખવામાં આવે છે.

ફિલ્મનું નામ પણ ‘રસગુલ્લા’ રાખવામાં આવશે. એનું નિર્માણ બંગાળમાં રોય-મુખરજીની આગેવાની હેઠળના પ્રોડક્શન હાઉસ વિન્ડોઝ પ્રોડક્શન દ્વારા કરવામાં આવશે.

ફિલ્મનું શૂટિંગ 2018ના જાન્યુઆરીથી કરવામાં આવશે.

નંદિતા રોય અને શિબપ્રસાદ મુખરજીની દિગ્દર્શક જોડીના મુખરજીએ કહ્યું છે કે અમે રસગુલ્લા ઉપર છેલ્લા દોઢ વર્ષથી સંશોધન કરી રહ્યા છીએ. અમારી ફિલ્મ નબીન ચંદ્ર દાસ ઉપર કેન્દ્રિત રહેશે.

ઉલ્લેખનીય છે કે રસગુલ્લા ઓડિશાની મીઠાઈ નહીં, પણ પશ્ચિમ બંગાળની છે એવું હાલમાં જ જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન સંસ્થાએ હાલમાં જ ઘોષિત કર્યું છે. જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન સંસ્થા એક પ્રકારે બૌદ્ધિક સંપત્તિ (ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી) અંગે નિર્ણય આપે છે અને જણાવે છે કે કયું ઉત્પાદન કયા વિસ્તારનું કે સમાજનું છે.

રસગુલ્લાના મૂળ ઓડિશાની કે બંગાળની – એમ ક્યાંની મીઠાઈ છે તે વિશે વિવાદ ચાલતો હતો. એનો હવે અંત આવી ગયો છે. ઓડિશાના એક પ્રધાને એવો દાવો કર્યો હતો કે રસગુલ્લા ઓડિશામાં છેલ્લા ૬૦૦ વર્ષોથી મોજૂદ હોવાનો એમની પાસે પુરાવો છે. સામે છેડે, બંગાળ રાજ્યનો દાવો હતો કે 1868ની સાલમાં નબીન ચંદ્ર દાસ નામના એક શખ્સે પહેલી વાર રસગુલ્લા બનાવ્યા હતા.

જિયોગ્રાફિકલ ઈન્ડિકેશન સંસ્થાના નિર્ણયે મમતા બેનરજીની આગેવાની હેઠળનાં બંગાળ રાજ્યનું મોં મીઠું કરાવ્યું છે.