‘વિદેશી’ IPL સ્પર્ધાને પતંજલિની ‘ના’

ઈન્ડિયન પ્રીમિયર લીગ ક્રિકેટ સ્પર્ધા માત્ર ભારતમાં જ નહીં, પણ ક્રિકેટ રમતા દરેક દેશમાં પોપ્યૂલર થઈ ગઈ છે. આ સ્પર્ધાએ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની તિજોરીને છલકાવી દીધી છે, તો એમાં ભાગ લેતી ટીમો તથા ક્રિકેટરોને પણ ન્યાલ કરી દીધા છે.

આમ છતાં, દેશના વ્યાપાર ક્ષેત્રમાં પોપ્યૂલ થયેલી પતંજલિ આયુર્વેદ કંપની આ સ્પર્ધાથી દૂર રહેવાની છે અને એની મેચો દરમિયાન પોતાના ઉત્પાદનોની જાહેરખબર નહીં આપે.

આજકાલ પતંજલિ એવી ટોચની કંપનીઓમાંની એક બની ગઈ છે જેની જાહેરખબરો ટીવી પર લગભગ દરેક કાર્યક્રમ વખતે જોવા મળે છે, પણ પ્રસિદ્ધ યોગગુરુ બાબા રામદેવ નિર્મિત આ કંપનીની જાહેરખબર આઈપીએલ-11ની મેચો વખતે જોવા નહીં મળે.

એટલી સ્પષ્ટતા કરવાની કે બાબા રામદેવને ક્રિકેટની રમત સાથે નફરત નથી, પરંતુ ક્રિકેટને, આ કેસમાં આઈપીએલને વિદેશીઓની રમત ગણે છે. વળી, એમની દલીલ છે કે આ સ્પર્ધા મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવે છે જેઓ ગ્રાહકવાદને પ્રોત્સાહન આપે છે.

પતંજલિ તો કુસ્તી, કબડ્ડી જેવી ગ્રામ્ય સ્તરે રમાતી ભારતીય પરંપરાગત રમતોને ઉત્તેજન આપવા અને એના વિકાસ માટે મૂડીરોકાણ કરવામાં માને છે.

દેશી તેમજ વિદેશી ખેલાડીઓને એકસાથે રમાડતી આઈપીએલ સ્પર્ધાની સ્થાપના 2007માં કરવામાં આવી હતી. સ્પર્ધાની 11મી આવૃત્તિ આવતી 7 એપ્રિલથી શરૂ થશે.

આઈપીએલ સ્પર્ધા અનેક એડવર્ટાઈઝર્સ તેમજ બ્રોડકાસ્ટર રાઈટ્સ પ્રાપ્ત કરનાર સ્ટાર ઈન્ડિયા કંપની માટે નફાનો ધોધ વહેવડાનાર હોય છે.

સ્ટાર ઈન્ડિયા આ સ્પર્ધા માટે દેશભરના એડવર્ટાઈઝર્સ સાથે વાટાઘાટ કરી રહી છે, પરંતુ પતંજલિ કંપનીએ જાહેર કરી દીધું છે કે પોતે આ સ્પર્ધાથી અંતર રાખશે.

પતંજલિ દેશની અગ્રગણ્ય FMCG કંપની છે. એનું જાહેરખબરો માટેનું વાર્ષિક બજેટ રૂ. 570-600 કરોડનું છે. મુખ્ય પ્રચારમાધ્યમોમાં તો એ જાહેરખબરો આપે જ છે, પણ ડિજિટલ તથા સોશિયલ મીડિયા ઉપર પણ એની સારી એવી જાહેરખબરો જોવા મળે છે.

પતંજલિએ ગયા વર્ષે પ્રો-રેસલિંગ લીગને સ્પોન્સર કરી હતી. એ પહેલાં રામદેવની આ કંપનીએ કબડ્ડી વર્લ્ડ કપ વખતે પણ સહ-સ્પોન્સર્સ હતી.