હેપ્પી બર્થ ડે…. મુકેશ અંબાણી

મોરના ઈંડા ચિતરવા ન પડે…. ધીરુભાઈ અંબાણીના સુપુત્ર મુકેશ અંબાણી આજે દેશ અને વિદેશમાં સફળ બિઝમેન છે. તેમના પિતાનો બિઝનેસ તેઓએ જેટની સ્પીડે વધુ આગળ વધાર્યો છે. ફોર્ચ્યુન-500માં રીલાયન્સનું નામ સામેલ થયું છે, અને સન્માનીય સ્થાન હાંસલ કર્યું છે. મુકેશ અંબાણીને આજે યાદ એટલા માટે કરવા પડ્યાં કે આજે 19 એપ્રિલે તેમનો જન્મદિવસ છે. સૌપ્રથમ તો આપણે તેમને જન્મદિવસની શુભેચ્છા આપીએ…મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ, 1957ના રોજ ગુજરાતી પરિવાર એવા ચોરવાડ(સૌરાષ્ટ્ર)ના ધીરુભાઈ અંબાણી અને કોકિલાબહેન અંબાણીના ઘેર થયો, મુકેશભાઈના જન્મનું સ્થળ એડન કોલોની, યેમન હતું. મુકેશ અંબાણી ચાર ભાઈબહેનનો મોટો પરિવાર ધરાવે છે, નાના ભાઈ અનિલ અંબાણી, અને બે બહેનો દીપ્તિ અને નીના કોઠારી. તેઓએ એબે મોરિશકા સ્કૂલ મુંબઈમાં ભણ્યા હતા અને કેમિકલ એન્જિનિયરીંગમાં બેચલર કર્યું હતું.  તે પછી તેઓ એમબીએ કરવા સ્ટેનફોર્ડ વિશ્વવિદ્યાલય ગયા, પણ તેમણે પહેલા વર્ષ પછી ભણવાનું છોડી દીધું હતું. 1981માં તેઓએ રીલાયન્સ સાથે જોડાયા હતા. હાલ મુકેશ અંબાણી રીલાયન્સ ગ્રુપના ચેરમેન અને એમડી છે. તેઓ સફળ બિઝનેસ મેન બની રહ્યાં તેમ જ બેંક ઓફ અમેરિકા કોર્પોરેશનના પણ ડાયરેક્ટર છે. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી અને તેમને ત્રણ બાળકો આકાશ, અનંત અને ઈશા અંબાણી.ધીરુભાઈ અંબાણીએ શૂન્યમાંથી સર્જન કર્યું તો મુકેશભાઈ તે સર્જનને વિરાટ સ્વરૂપ આપી દીધું છે. મુકેશ અંબાણી જ્યારે 1981માં રીલાયન્સની કમાન સંભાળી પછી રીલાયન્સ ટેક્સટાઈલ સેકટરમાં ખૂબ જ જૂના મશીનરી સાથે કામ કરતું હતું, તેમાં બદલાવ લાવીને આધુનિકતા તરફ આગળ વધ્યા, પોલિયસ્ટર ફાઈબર અને તે પછી પેટ્રોકેમિકલ સેકટરને આગળ વધાર્યુ. રીલાયન્સની ઉત્પાદન ક્ષમતા પ્રતિવર્ષ 10 લાખ ટનની હતી. તે જે ઝડપથી વધીને પ્રતિવર્ષ 1 કરોડ 20 લાખ ટનની થઈ હતી. તેમણે લાખો કરોડો લોકોને રોજગારી પુરી પાડી છે, તે પણ તેમનું અનેરું જમા પાસુ છે.મુકેશ અંબાણીએ ગુજરાતના જામનગરમાં વિશ્વની સૌથી મોટી રીફાઈનરીની સ્થાપના કરી. તેમણે ભારતની સૌથી મોટી દૂરસંચાર કંપની રીલાન્યસ કોમ્યુનિકેશન(પૂર્વે રીલાયન્સ ઈન્ફોકોમ) ની સ્થાપના કરી, પણ બે ભાઈઓ બિઝનેસમાં જુદા પડ્યા ત્યારે રીલાયન્સ ઈન્ફોકોમ અનિલ અંબાણીના ભાગમાં આવી હતી. ત્યાર બાદ રીલાયન્સ રીટેઈલ કંપનીની સ્થાપના કરી હતી. રીલાયન્સ રીટેઈલના નેજા હેઠળ ડીલાઈટ સ્ટોરની નવી ચેઈન શરૂ કરી, તે પછી નોવા કેમિકલ ઉભી કરી. મુકેશ અંબાણી હાલ રીલાયન્સ જિઓમાં વધુ રોકાણ કરીને તેનું વિસ્તરણ કરી રહ્યા છે. તેમજ આઈપીએલમાં તેઓ મુંબઈ ઈન્ડિયન્સ ટીમના માલિક પણ છે. મુકેશ અંબાણીએ મુંબઈમાં ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલની સ્થાપના પણ કરી છે.ભારતના અબજોપતિ સફળ બિઝનેસમેન મુકેશ અંબાણી દર મિનિટે કેટલું કમાતા હશે, તેવો પ્રશ્ન હવે થાય તે સ્વભાવિક છે. તાજેતરમાં જ હુરુન ગ્લોબલ તરફથી લિસ્ટ જાહેર કરાયું હતું, તે મુજબ મુકેશ અંબાણી 45 બિલિયન ડૉલર(અંદાજે 2.92 લાખ કરોડ રૂપિયા)ની સંપત્તિ સાથે આ લિસ્ટમાં સૌથી ધનિક વ્યક્તિ દર્શાવ્યા છે. તેમજ મુકેશ અંબાણી દર મિનિટે 2.35 લાખ કરોડ રૂપિયા કમાય છે, જે એક ભારતીયની વર્ષની કમાણીથી વધુ છે. 2015-16ના આંકડાને ધ્યાનમાં લઈએ તો રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની કુલ કમાણી 27,630 કરોડ રૂપિયા હતી. કંપનીના પ્રમોટર મુકેશ અંબાણીનો હિસ્સો 44.7 ટકા છે. તે હિસાબે અંબાણીનો ભાગ 12,351 કરોડ રૂપિયા થયો, જેમાંથી દર મહિનાની કમાણી જોઈએ તો 1029 કરોડ રૂપિયા અને એક સપ્તાહના રૂપિયા 257 કરોડ તથા એક દિવસના 34 કરોડ રૂપિયા. આમ એક કલાકની કમાણીની ગણતરી કરીએ તો 1.4 કરોડ અને એક મિનિટની કમાણી 2.35 લાખ રૂપિયા થાય છે.આવા ધનવાન વ્યક્તિનું ઘર પણ ભારે મોંઘુ જ હોય ને… મુકેશ અંબાણીનું ઘર ‘એન્ટીલિયા’ દુનિયાના સૌથી મોંઘા ઘરોની યાદીમાં સામેલ છે. મુંબઈમાં તેમનો 27 માળનો બંગલો છે. બંગલાની કીમત 63 કરોડ પાઉન્ડ એટલે કે એક અરબ ડૉલર છે. આ બંગલો મુંબઈના ઓફ પેડર રોડ પર અલ્ટામાઉન્ડ રોડ પર આવેલો છે. ગગનચુંબી બંગલો 4 લાખ વર્ગ ફૂટ જગ્યામાં છે. અને બંગલો અત્યંત આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ ઘરને બનાવવા પાછળ 11,000 કરોડનો ખર્ચ થયો હતો. તેમાં એક બોલરૂમ છે, છત ક્રિસ્ટલથી સજાવેલી છે. મુકેશ અંબાણીના ઘરમાં સિનેમા થિયેટર છે. આશરે 600 લોકોનો સ્ટાફ દિવસરાત આ ઘરની સફાઈ કરે છે.

‘એન્ટીલિયા’ ઘરના છ માળ પર માત્ર પાર્કિગ અને ગેરેજ છે. છ ફલોર માત્ર કાર માટે આરક્ષિત છે. આશરે 168 કાર ઉભી રાખી શકાય છે. સાતમાં ફલોર પર અંબાણી પરિવારની કારો માટે કાર સર્વિસ સ્ટેશન છે. એન્ટાલીક મહાસાગરના એક પૌરાણિક દ્વીપના નામ પરથી તેમના બંગલાનું નામ એન્ટીલિયા રાખવામાં આવ્યું છે. તેની છત પર 3 હેલિપેડ બનાવ્યા છે. 9 લીફટ, એક સ્પા, એક મંદિર, યોગા સ્ટુડિયો, ત્રણ સ્વિમિંગ રૂમ, હેગિંગ ગાર્ડન… આ ઉપરાંત અનેક સુવિધાઓથી સજ્જ છે મુકેશ અંબાણીનું ઘર…

તાજેતરમાં જ મુકેશ અંબાણીના દીકરા આકાશ અંબાણીની સગાઈ શ્લોકા મહેતા સાથે થઈ છે. અને હાલ અંબાણી અને મહેતા પરિવારમાં ધામધૂમથી લગ્ન કરવા માટે તૈયારીઓ ચાલી રહી છે.

મુકેશ અંબાણીની કંપની રીલાયન્સ ઈન્સ્ટ્રીઝના 2017ના આંકડા જોઈએ 2016-17માં વાર્ષિક કુલ આવક રૂપિયા 27,37,500 કરોડ રૂપિયા થઈ છે. તમામ ખર્ચ અને જોગવાઈઓ બાદ કરતાં ચોખ્ખો નફો રૂપિયા 3,14,250 કરોડનો થયો હતો. કંપનીએ વર્ષ 2017-18માં નફામાં વૃદ્ધિ જ નોંધાવી છે.રીલાયન્સ ગ્રુપને મુકેશ અંબાણી નવા મુકામ પર લઈ ગયા છે, ત્યારે હવે તેમના દીકરા આકાશ, અનંત અને ઈશા પણ બિઝનેસમાં જોડાયા છે. જિઓમાં તેઓ નવી ટેકનિકથી વધુ આધુનિક મોબાઈલ અને નેટનો ડેટા ઓફર પણ લાવ્યા છે. જિઓ સાથે તેઓ ઘર ઘરને જોડવા અનેક સ્કીમો અને ઓફરો લાવ્યા છે. પ્રતિસ્પર્ધી ટેલિકોમ કંપનીઓને પણ તેમની સ્કીમોમાં ફેરફાર કરતાં કરી દીધા છે. તમામ ટેલિકોમ કંપનીઓએ તેમને ડેટા ઓફર અને સસ્તા પ્લાન આપવા જિઓએ મજબૂર કર્યા છે.

હેપ્પી બર્થ ડે મુકેશભાઈ…