ખુશખબરઃ ડોમેસ્ટિક ફ્લાઈટ્સમાં ઈન્ટરનેટ બ્રાઉઝ કરી શકાશે

ટેલિકોમ કમિશને ભારતની હવાઈ સીમાની અંદર ઈન-ફ્લાઈટ સેલ પ્રોવાઈડર્સને કનેક્ટિવિટી પૂરી પાડવા માટે શરતી મંજૂરી આપી દીધી છે.

આને લીધે વિમાન પ્રવાસીઓ એમનું વિમાન ઉડ્ડયન કરતું હશે ત્યારે વિમાનમાં જ વાઈ-ફાઈ કનેક્શન મેળવી શકશે. ટેલિકોમ કમિશને આ સંદર્ભમાં આવેલા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.

કેન્દ્રીય મુલ્કી ઉડ્ડયન પ્રધાન સુરેશ પ્રભુએ ટેલિકોમ કમિશનના ઠરાવનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે ભારતીય હવાઈસીમામાં લોકોને રોમાંચક અનુભવો થવાના છે, કારણ કે ટેલિકોમ કમિશને ભારતીય એરસ્પેસ ઉપરની ફ્લાઈટ્સમાં ડેટા અને વોઈસ સેવાઓ પૂરી પાડવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. હવે આ પ્રસ્તાવનો વહેલી તકે અમલ કરાય એની હું ખાતરી આપું છું. વિમાન પ્રવાસીઓની સફર આનંદદાયક રહે અને તકલીફ-વિહોણી રહે એની તકેદારી રાખવા સરકાર કટિબદ્ધ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, સર્વિસ પ્રોવાઈડર્સ દ્વારા કેટલો ચાર્જ લગાડવો એ નિર્ણય સંબંધિત એરવેઝ/એરલાઈન કંપનીઓ પર છોડી દેવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આ પ્રસ્તાવને ક્યારની મંજૂરી આપી દીધી છે.

ઈન-ફ્લાઈટ નોલેજ અને વોઈસ પ્રોવાઈડર્સ સેવા માટે પરવાના આપવા તથા એના પ્રકારો અંગે સૂચનો આપવા માટે ટેલિકોમ વિભાગે ટેલિકોમ રેગ્યૂલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયાને ગયા વર્ષે જણાવ્યું હતું.

સરકારના નિર્ણયને લીધે વિમાન પ્રવાસીઓ એમનું વિમાન ભારતીય હવાઈ સીમાની અંદર  ઉડતું હશે ત્યારે અને 3000 મીટરની ઊંચાઈએ પહોંચે એ પછી એમના સ્માર્ટફોનનો ઉપયોગ કરી શકશે. આ સેવા આગામી 3-4 મહિનામાં અમલમાં મૂકાય એવી ધારણા છે.

ટેલિકોમ સેક્રેટરી અરુણા સુંદરરાજનની આગેવાની હેઠળના ઉચ્ચ સ્તરીય આંતર-મંત્રાલય ટેલિકોમ કમિશને આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. શરત એ રહેશે કે વિમાન 3000 મીટરની ઊંચાઈએ પહોંચે એ પછી જ પ્રવાસી એનો સ્માર્ટફોન યૂઝ કરી શકશે.

આ સેવા ઉપલબ્ધ થયા બાદ વિમાન પ્રવાસીઓએ ઈન-ફ્લાઈટ કનેક્ટિવિટી જોઈતી હશે તો વધારે ચાર્જ ચૂકવવો પડશે.