શેરબજારમાં હવે ઘટાડો કેટલો ? આ ભાવે રોકાણ કરાય…

શેરબજાર તેજીના તબક્કામાંથી એકાએક મંદીના ઝોનમાં પ્રવેશી ગયું છે. દેશના ઈકોનોમીક પેરામીટર્સ નેગેટિવ થઈ જતાં શેરબજારના ખેલાડીઓ સહિત વિદેશી રોકાણકારોની ચિક્કાર વેચવાલી ફરી વળી છે, અને એક પછી એક મંદીના કારણો આવતાં ગયા, અને માર્કેટ વધુને વધુ તૂટતું ગયું છે. ટેકનિકલી જોઈએ તો સેન્સેક્સ અને નિફટી 200 દિવસની મુવીંગ એવરેજની નીચે આવી ગયા છે. બીએસઈ-500 સ્ટોકમાંથી 90 ટકા સ્ટોક પણ 200 દિવસની સીમ્પલ મુવીંગ એવરેજની નીચે કવૉટ થયા છે.

શેરબજાર હાલ મંદીના ઓર્બીટમાં આવી ગયું છે. હવે આગામી સપ્તાહે શેરબજાર મંદીની ગર્તામાં વધુ ધકેલાશે કે પછી તેજી તરફી થશે. એવા તો કયા કારણો છે કે શેરબજાર તેજીમાંથી મંદીમાં આવી ગયું. અને હવે મંદીમાંથી તેજીમાં લાવવા માટે શુ કરવું જોઈએ.. આવા અનેક પ્રશ્નો છે, પણ ગત સપ્તાહે શેરબજારમાં જે ગલ પડી ગયો છે, તે ટૂંકા સમયમાં પુરાય તેવો નથી.

ગત સપ્તાહે સેન્સેક્સમાં 5.1 ટકા અને નિફટીમાં 6.1 ટકાનો કડાકો બોલી ગયો હતો. નિફટીના ઓટો ઈન્ડેક્સમાં 7 ટકાનું મસમોટુ ગાબડું પડ્યું હતું. એફએમસીજી ઈન્ડેક્સ 6.3 ટકા, ફાર્મા ઈન્ડેક્સ 4.3 ટકા, મીડિયા ઈન્ડેક્સ 3.1 ટકા બેંક નિફટી 3.2 ટકા તૂટયા હતા.

દિગ્ગજ શેરોમાં કડાકો

  • એચપીસીએલ 34.8 ટકા
  • બીપીસીએલ  29.1 ટકા
  • આઈઓસી 23.4 ટકા
  • ઓએનજીસી 17 ટકા
  • રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 16.6 ટકા
  • ગેઈલ  12.4 ટકા
  • આયશર મોટર્સ 12.4 ટકા
  • ભારતી એરટેલ 11.8 ટકા
  • મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 10.6 ટકા
  • બજાજ ફિનસર્વ  10.5 ટકા

ઑલરાઉન્ડ વેચવાલીથી હાલ તો શેરબજારમાં ભારે ગભરાટનો માહોલ સર્જાયો છે. બધાને એક જ વાતનો ડર છે કે હવે જો આગામી સપ્તાહે માર્કેટ વધુ તૂટશે તો પેમેન્ટ ક્રાઈસીસ ઉભી થશે. કેન્દ્ર સરકારના પરિવહનપ્રધાન નિતીન ગડકરીએ ટીવી ચેનલોમાં કહ્યું હતું કે તેલની વધુ આયાત અને રૂપિયામાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેને કારણે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. રૂપિયો સતત ઘસાતો રહ્યો છે, જેને કારણે ક્રૂડની આયાત મોંઘી બની રહી છે, તો સામે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ પણ વધી રહ્યા છે. આથી ગડકરીએ કહ્યું કે દેશ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. બાકી તો કેન્દ્રના બધા પ્રધાનો અને આરબીઆઈ ખુદ એમ કહે છે કે સબ સલામત છે.

શેરબજાર તેજીના કારણોને પણ અવગણી રહ્યું છે. આઈએલ એન્ડ એફએસ ડિફોલ્ટ થવાના સમાચારથી માર્કેટ ઘટ્યું હતું, પણ જ્યારે તેની એજીએમમાં રાઈટ ઈસ્યૂ કરીને રૂપિયા 4500 કરોડ ઉભા કરવા અને જૂની બોર્ડ વિખેરીને ઉદય કોટકની આગેવાનીમાં નવી બોર્ડ બનાવી, સરકારે આઈએલ એન્ડ એફએસનો બચાવી લેવા પ્રયત્નો કર્યા, દેશમાં રૂપિયા 91,000 કરોડના ડિફોલ્ટ થતી કંપની બચી ગઈ, આ બહુ મોટું તેજીનું કારણ હોવા છતાં શેરબજાર ગબડ્યું જ હતું.

બીજુ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ધીરાણ નીતિમાં વ્યાજદરમાં વધારો થશે, તેવી ગણતરીએ શુક્રવારે માર્કેટ વધુ ઘટયું હતું. પણ ખરેખર જ્યારે ધીરાણ નીતિ જાહેર થઈ ત્યારે આરબીઆઈએ તમામ ચાવીરૂપ દરોમાં કોઈ જ ફેરફાર ન કર્યો, તમામ દર યથાવત રાખ્યા હતા. તેમ છતાં શુક્રવારે શેરબજાર વધુ ગબડ્યું હતું. આમ કેમ થયું તે સવાલ શેરબજારના ખેલાડીઓના મનમાં હતો.

ગત સપ્તાહના છેલ્લા ત્રણ દિવસમાં નિફટીમાં 692 પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો, અને સેન્સેક્સમાં 2149 પોઈન્ટનો કડાકો આવ્યો છે. આમ માર્કેટ કેપિટલાઈઝેશનમાં કુલ રૂપિયા 9 લાખ કરોડનું ધોવાણ થયું છે.

એફઆઈઆઈનું ચોખ્ખુ વેચાણ(એનએસઈ)

  • એપ્રિલ-2018  રુ.9620.56 કરોડ
  • મે-2018        રુ.12,359.71 કરોડ
  • જૂન-2018      રુ.10,249.17 કરોડ
  • જુલાઈ-2018   રુ.2768.75 કરોડ
  • ઓગસ્ટ-2019  રુ.2228.53 કરોડ
  • સપ્ટેમ્બર-2018 રુ.9468.68 કરોડ
  • ઓકટોબર-2018(ત્રણ દિવસ) રુ.6152.30 કરોડ

શેરબજારમાં વીતેલા સપ્તાહે એકસામટો અને એકતરફી ઘટાડો આવ્યો છે. માર્કેટ હાઈલી ઓવરસોલ્ડ છે. જેથી આગામી સપ્તાહે પ્રત્યાઘાતી સુધારો આવવાની પુરી શકયતા છે. પણ નિફટી તેના 200 દિવસની મુવીંગ એવરેજ 10,776ની નીચે બંધ આવ્યો છે, જે મંદીની નિશાની દર્શાવે છે. અને નીચામાં 9950થી નીચે 9850 સુધીના લેવલ બતાવે તો નવાઈ નહી. માથે દિવાળીના તહેવારો છે, તહેવાર બગડે નહી તે જોજો…

હા… નિફટી 9850 થવાની છે, તેમ સમજીને સારા સ્ટોકમાં રોકાણ કરવાની ઉત્તમ તક છે. દિગ્ગજ શેરોના ભાવમાં હાલ સેલ ચાલી રહ્યો છે. સેન્સેક્સ અને નિફટી આધારિત લગડી શેરમાં રોકાણ કરવાનો સમય આવ્યો છે. જે લોકો તેજીના ગાડીમાં રહી ગયા હતા, તેમના માટે હવે તક આવી રહી છે. સારા સ્ટોક લાંબાગાળાની મર્યાદા રાખીને રોકાણ કરી શકાય. મારી દ્રષ્ટીએ આવતા સપ્તાહે જ માર્કેટ સ્ટેબલ થવું જોઈએ. અને નિફટી ફરીથી 10,800નું લેવલ બતાવે. જેથી માથે વેચનારાઓએ બહુ નીચામાં માથે વેચવું નહી. મંદીવાળા હાલ માર્કેટ પર હાવી છે, પણ તેજીવાળા બુલમાર્કેટમાં ખુબ કમાયા છે. તેઓ જ નવેસરથી એન્ટ્રી મારી દેશે તો મંદીવાળાઓને કાપતા નહી આવડે. જો કે તેવી શકયતા નહીવત છે. પણ માર્કેટ બાઉન્સબેક થવું જ જોઈએ. એફઆઈઆઈની વેચવાલી અટકી જશે, તો પણ માર્કેટમાં પ્રત્યાઘાતી સુધારો આવશે.