ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેટિંગ સુધારાથી ભારતને શું ફાયદો

ભારતના અર્થતંત્રમાં સુધારો થઈ રહ્યો છે, તેવા આશાસ્પદ નિવેદનો તો ખૂબ આવ્યાં, પણ જીડીપી ગ્રોથ સતત ઘટીને આવતો હતો, જેથી દેશમાં નિરાશા વ્યાપી ગઈ હતી. નોટબંધી અને તે પછી જીએસટીનો અમલ આ બે ફેકટરને આગળ ધરીને સરકાર બચાવ કરતી રહી હતી. જો કે હવે મોદી સરકારના આર્થિક સુધારાની અસર અર્થતંત્ર પર દેખાવી શરૂ થઈ છે. હા… કોઈ ઈકોનોમીના પેરામીટરમાં સુધારો થયો નથી. માત્ર ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના રેન્કિંગ્સમાં મોટો સુધારો આવ્યો છે. અને તે પણ 30 સ્થાનનો ઉછાળો જોવા મળ્યો છે. આ રેન્કિંગ્સ આવ્યા પછી મોદી સરકાર ગેલમાં આવી ગઈ છે. નાણાંપ્રધાન જેટલી સહિતના નેતાઓનું કહેવું છે કે હવે આપણે રાઈટટ્ રેક પર છીએ. ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના રેન્કિંગ્સમાં સુધારો થવાથી દેશને ફાયદો થશે… શું ફાયદો થશે તેની ચર્ચા કરીએ.નિષ્ણાતોનું માનવું છે કે ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસમાં 130માં સ્થાન પરથી 100માં સ્થાન પર આવી ગયા છીએ, એટલે દેશની ઈકોનોમીને સહારો મળશે. જેનાથી વિદેશી રોકાણમાં વધારો થશે, રોકાણકારોને સ્ટોક માર્કેટમાં ઈન્વેસ્ટમેન્ટમાં વધુ સારુ વળતર મળશે, તેમજ વિદેશી રોકાણ વધવાથી દેશમાં રોજગારીની તકોમાં વધારો થશે. જેની લાંબાગાળા મીઠાં ફળ ચાખવાં મળશે, તે સ્પષ્ટ છે.

વર્લ્ડ બેંકના સાઉથ એશિયાના વાઈસ પ્રેસિડેન્ટ એનેટ ડિક્સનનું માનવું છે કે જે કોઈ દેશના ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસના રેન્કિંગ્સમાં સુધારો આવે છે તો તેનો સીધો ફાયદો ઈકોનોમીને મળે છે. તેનો લાભ માત્ર એસએમઈને મળે છે, એવું નથી, તેનાથી રોજગારી પણ વધે છે.

અર્થશાસ્ત્રીઓના મતે ભારતમાં બિઝનેસ કરવાનો માહોલ વધુ પ્રોત્સાહક થવાથી દુનિયાભરની કંપનીઓ ઝડપથી ભારતમાં રોકાણ કરવા આગળ આવશે, જેનાથી દેશમાં રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે. રેન્કિંગ્સ અપગ્રેડ થાય ત્યારે એમ કહી શકાય કે બિઝનેસ કરવા માટેના માહોલમાં વધુ સુધારો જોવાયો છે, બિઝનેસ કરવો વધુ સરળ બન્યો છે.અમેરિકા-ઈન્ડિયા બિઝનેસ કાઉન્સીલના નવા અધ્યક્ષ નિશા દેસાઈ બિસ્વાલનું માનવું છે કે વર્લ્ડ બેંકે ભારતના ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ રેટિંગ્સમાં સુધારો કરવો તે ખુબ મહત્વપૂર્ણ છે. જેનાથી ભારતને વધારે પ્રમાણમાં સીધા વિદેશ રોકાણ આકર્ષવામાં મદદ મળશે. એફડીઆઈએ પાણીની જેમ છે. જે તેવા રસ્તા પર આગળ વધે તે કે જે રસ્તા પર કોઈ અવરોધ ન હોય. એટલા માટે આપ જેટલા અવરોધો દૂર કરશો તેટલું એફડીઆઈ ખુબ ઝડપથી આવશે. બિસ્વાલએ અમેરિકામાં ઓબામાના સમયમાં દક્ષિણ અને મધ્ય એશિયા ક્ષેત્રના સહાયક વિદેશપ્રધાન રહી ચુક્યા છે.

બીજી તરફ દેશના અગ્રણી સ્ટોક બ્રોકરોનું માનવું હતું કે વિદેશી રોકાણ વધવાથી સ્ટોક માર્કેટમા તેજી આવશે. અને રોકાણકારોને તેમના રોકાણ પર વધુ સારુ રીટર્ન મળશે.

વિદેશી રોકાણ વધવાથી ભારતના રૂપિયામાં મજબૂતી આવશે. તેનાથી આયાત સસ્તું થશે. અને દેશવાસીઓ પર મોંઘવારીનો બોજો ઓછો થવા લાગશે.

બિઝનેસ રેન્કિંગ્સમાં સુધારાથી નાના વેપારીઓને સીધો ફાયદો મળતો દેખાશે. ખરેખર જોવા જઈએ તો રેન્કિંગ્સમાં સુધારો થવો એ વાતનો નિર્દેશ કરે છે કે દેશમાં બિઝનેસ કરવાનો માહોલ સરળ થયો છે. આવા માહોલમાં નાના વેપારીઓ પોતાનો બિઝનેસ કોઈપણ અવરોધ વગર સરળ રીતે કરી શકે છે. તેમના વેપારમાં પણ વધારો થશે. રોજગારી વધતાં ડિમાન્ડમાં પણ વધારો થશે, જેની સીધો લાભ નાના વેપારીઓ લઈ શકશે.

આ અગાઉ વર્લ્ડ બેંકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આર્થિક નીતિઓના વખાણ કર્યા હતા. ડિજિટલ ઈન્ડિયા, સબકા સાથ સબકા વિકાસ, મેઈક ઈન ઈન્ડિયા, બેંકોની એનપીએ પર સરકારી રોકાણમાં વધારો અને એક દેશ એક ટેક્સ(જીએસટી)થી ભારત વિશ્વના ટોપ 50 દેશોની યાદીમાં સામેલ થશે.