‘ટ્રેડ વૉર’ કેટલું ભયાનક, ભારતને અસર થશે…?

ગ્લોબલાઈઝેશનની વાતો કરનાર દેશમાં ટ્રેડ વૉર શરૂ કરવાની નોબત આવી છે. જે દેશે ગ્લોબલાઈઝેશન શરૂ કર્યું હતું તે જ દેશોની ઈકોનોમી હાલકડોલક થઈ ગઈ છે. હવે આ દેશોને પોતાની ઈકોનોમી બચાવવા માટે અને પોતાનું ઉત્પાદન વેચવા માટે આયાત ડયૂટી લાદી છે, અને કેટલીક ચીજવસ્તુઓ પર આયાત ડયૂટીમાં વધારો કર્યો છે.  ટ્રેડ વૉર દેશના અન્ય દેશો પર તેની વિપરીત અસરો ઉદભવશે, તેમાં ભારતને પણ અસર થઈ શકે છે. હાલ તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર શરૂ થયું છે. પણ તેની લાંબાગાળે એશિયાઈ દેશો પર ગંભીર અસર પડશે, તે વાત નક્કી છે.એક દેશ બીજા દેશમાં જઈને બિઝનેસ કરે, ઑનલાઈન સર્વિસ કે પ્રોડક્ટ પ્રોવાઈડ કરે, તેવા બિઝનેસ હબને ખૂબ મોટું નુકશાન જશે. અમેરિકાએ ટ્રેડ વૉરની શરુઆત કરી છે. સૌથી પહેલાં અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની 1300 વસ્તુઓ પર 60 અબજ ડૉલરની આયાત ડયૂટી લાદી દીધી છે. તેની સામે ચીને પણ આકરો જવાબ આપ્યો છે અને અમેરિકાને ચેતવણી આપી દીધી છે કે તેઓ ટ્રેડ વૉરથી ડરતા નથી. સામે વળતો હૂમલો કરતાં ચીને 3 અબજ ડૉલરની પડતરવાળી વસ્તુઓ પર ટેરિફ લગાવી છે. ખરેખર જોવા જઈએ તો ચીન ઉપરાંત કોરિયા, જાપાન જેવા એશિયાઈ દેશો પણ યુએસથી આયાત કરતાં નિકાસ વધારે કરે છે. એવામાં ટ્રમ્પ આગામી દિવસોમાં આવા દેશો સાથેની ટ્રેડ પૉલીસીને પણ કડક કરી શકે છે, અને જો આમ થશે, તો એશિયાઈ દેશોની આર્થિક હાલત વધુ બગડશે. બધા દેશોના બેલેન્સ ઓફ પેમેન્ટની સ્થિતિ કથળી જશે. જો અમેરિકા અન્ય દેશોની ચીજવસ્તુઓ પર આયાત ડયૂટી લગાવશે તો અન્ય દેશો પણ ચીનની જેમ અમેરિકા સામે વધુ સખત પગલાં લઈ શકે છે. એ પછી અમેરિકાની આર્થિક સ્થિતિ સુધરવાને બદલે વધુ કથળશે તે પણ હકીકત છે. જેથી ટ્રમ્પે કોઈપણ પગલાં ભરતાં પહેલા 100 વાર વિચાર કરવો પડશે. કારણ કે અર્થશાસ્ત્રીઓએ ગ્લોબલાઈઝેશન કરીને જ દેશ અને દુનિયાને વધુ નજીક લાવ્યાં હતાં, અને તેના થકી જ દેશ અને દુનિયાના દેશો વધુ ધનવાન બન્યાં છે.

અમેરિકાની સંરક્ષણવાદી નીતિનો મેક્સિકો, કેનેડા અને યુરોપના દેશોએ વિરોધ કર્યો હતો. યુરોપના દેશોએ એમ પણ કહ્યું હતું કે સ્ટીલ અને એલ્યૂમિનિયમ પર આયાત ડયૂટી લગાવ્યાં પછી અમેરિકામાં બનતી હાર્લી ડેવિડસન બાઈક, બરબન વ્હીસ્કી અને લેવી જીન્સ સહિત અમેરિકી પ્રોડક્ટ્સ પર નવો ટેક્સ લાદશે.

હાલ તો અમેરિકા અને ચીનના ટ્રેડ વૉરની ભારત પર ઝાઝી અસર જોવા મળશે નહીં, પણ બંને દેશો વચ્ચેનું ટ્રેડ વૉર જો વધુ લાંબુ ચાલશે અને બીજા દેશો સુધી પહોંચશે તો દુનિયા ફરીથી મંદીના ચક્કરમાં આવી જશે, અને તેની અસર ભારત પર જોવા મળશે. અમેરિકાનું મેક ઈન અમેરિકા અને ભારતનું પણ મેક ઈન ઈન્ડિયા.. જેવો નારો આપવામાં જ સારો લાગે છે, તેનો અમલ આર્થિક મંદી નોતરી શકે છે. કારણ કે ગ્લોબલાઈઝેશન એકવાર શરૂ કર્યું પછી તેમાં પારોઠના પગલાં ભરવા અશક્ય છે, અને તેની ઘણી મોટી વિપરીત અસરો જોવા મળી શકે છે. વિશ્વના દેશોમાં અરસપરસ રોકાણ અંગેના સમજૂતી કરારનું શુ થશે, દરેક દેશને અન્ય દેશની જરૂર છે. દરેક દેશની ભૌગોલિક સ્થળ અને જરૂરિયાત અલગઅલગ છે, માટે વેપાર કરવાના કરારનું શું થશે, જેવા અનેક પ્રશ્નો સર્જાશે.અમેરિકા ચીનને 13,000થી વધુ કરોડ ડૉલરની નિકાસ કરે છે. જ્યારે ચીન અમેરિકાથી 50 હજાર કરોડથી વધુ ડૉલરની આયાત કરે છે. એટલે કે ચીનને વેપાર ખાધ 37000 કરોડથી વધુ ડૉલરની છે. ચીન અમેરિકા સાથે અગ્રણી ટ્રેડ પાર્ટનર છે. જ્યારે ભારત ટોપ ટ્રેડિંગ પાર્ટનરમાં સામેલ નથી. પણ ભારત અમેરિકામાં આઈટી સર્વિસ, ટેક્સટાઈલ, કીમતી પત્થરોની નિકાસ કરે છે. જાપાન, જર્મની ને મેક્સિકોની અમેરિકા સાથે મોટી વેપાર ખાધ છે. જો અમેરિકા આગામી દિવસોમાં ટ્રેડ વૉરને વધુ આક્રમક કરશે તો વિશ્વના બીજા દેશોની આર્થિક સ્થિતિ કથળશે. પણ આ ઘટના પરથી વિશ્વના દેશોએ એક શીખ લેવાની જરૂર છે કે પોતાના પગભર પર ઊભાં થવું જ જોઈએ. બીજા પરનો આધાર નુકશાન નોંતરી શકે છે.

ભારત સાથે અમેરિકાનો ટ્રેડ જોઈએ તો ભારતનો અમેરિકા સાથે વેપાર વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમો અને 2005ની ટ્રેડ પૉલીસી ફોરમના આધાર પર થાય છે. વીતેલાં વર્ષે ભારત-અમેરિકા વચ્ચે 6700 કરોડ ડૉલરનો બિઝનેસ થયો હતો. ચીન સાથે 7100થી વધુ કરોડ ડૉલરનો બિઝનેસ કર્યો હતો.

આ બધો ડેટા જોઈએ તો ભારતે હાલ કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ ટ્રેડ વૉર વધુ આક્રમક બનશે તો જ ભારત ભીંસમાં આવી શકે છે. તેમ છતાં ભારતે સાવચેતી તો રાખવી જ પડશે. નેશન ફર્સ્ટની નીતિ વિશ્વના દેશો પર વિપરીત અસર કરી શકે છે. દરેક દેશોએ ટ્રેડ વૉરની ગંભીર અસર પોતાની ઈકોનોમી પર ન પડે તે માટે અત્યારથી જ તેની તૈયારીઓ કરવી જોઈએ.