શેરબજારમાં ઐતિહાસિક તેજી

અમદાવાદ– શેરબજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. સેન્સેક્સે 35,000 અને 35,100 એમ બે અતિમહત્વની સપાટી કૂદાવી દીધી હતી. નિફટી ઈન્ડેક્સ પણ 10,800ની સાયકોલોજીકલ સપાટી વટાવી દીધી હતી. તમામ સેકટરના શેરોમાં લાવલાવ હતું. ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ તેજીવાળા ખેલાડીઓએ અને એફઆઈઆઈની જોરદાર લેવાલી આવી હતી. પરિણામે ઈન્ટ્રા-ડેમાં સેન્સેક્સે 35,118.61 અને નિફટીએ 10,803.00 લાઈફ ટાઈમ હાઈના નવા લેવલ બતાવ્યા હતા. ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 310.77(0.89 ટકા) ઉછળી 35,081.82 બંધ રહ્યો હતો. તેમજ નિફટી 88.10(0.82 ટકા) ઉછળી 10,788.55 બંધ થયો હતો.

આ તેજી મર્યાદિત સ્ટોક પુરતી છેઃ દીપક શાહ

અમદાવાદ સ્ટોક એકસચેન્જના પૂર્વપ્રમુખ દીપક એસ. શાહે chitralekha.comને જણાવ્યું હતું કે હાલ શેરબજારની તેજી ફંડ ચેઈઝ થઈ રહ્યુ હોવાને આભારી છે. વ્યાજ દર ઘટી રહ્યા છે, જેથી ઈન્વેસ્ટમેન્ટ માટે બેસ્ટ ઓપ્શન હાલ સ્ટોક માર્કેટ છે, જેથી તમામ નાના રોકાણકારોના રૂપિયાનું રોકાણ આવી રહ્યું છે, તે સાથે કેન્દ્ર સરકાર પણ કેપિટલ માર્કેટને બુસ્ટ મળે તેવા પગલા લઈ રહી છે, જેમ કે રીટેઈલમાં 100 ટકા એફડીઆઈની છૂટ આપી, તેમજ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેકટરને પ્રોત્સાહનો આપી રહી છે. બેંકમાં નવા મૂડીરોકાણ કરી રહી છે. જેથી સ્ટોક માર્કેટમાં તેજીની આગેકૂચ રહી છે. પણ રોકાણકારો સાવચેત રહેવું, કારણ કે આ તેજી માત્ર લીમીટેડ સ્ટોક પુરતી મર્યાદિત રહી છે. બ્રોડબેઝ તેજી નથી. જેથી નવા રોકાણકારોએ સારી સ્ક્રીપ્ટની પસંદગીને જ રોકાણ કરવું. મારા મતે બેંક અને પીએસયુ સેકટરના શેરો બેસ્ટ બાય રહેશે.

અર્થતંત્ર મંદીમાંથી બહાર આવી રહ્યું છેઃ જયદેવસિંહ ચુડાસ્મા

ઈન્વેસ્ટરપોઈન્ટના સીઈઓ જયદેવસિંહ ચુડાસ્માએ chitralekha.comને કહ્યું હતું કે શેરબજારની આ તેજી ગ્લોબલ માર્કેટના પોઝિટિવ કારણોને લઈને થઈ રહી છે, તેની સાથે નવું ફંડ ખુબ આવી રહ્યું છે. નવા ડીમેટ એકાઉન્ટ ખુલવાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. ડૉલર ઈન્ડેક્સ ઘટ્યો છે. આગામી બજેટમાં નવા આર્થિક સુધારા આવશે, તેમજ જીએસટી પછી કોર્પોરેટ અર્નિગમાં સુધારો થશે, અને અર્થતંત્ર મંદીમાં બહાર આવશે, જે આશાવાદ પાછળ એફઆઈઆઈ સહિત બુલ ઓપરેટરોની નવી ખરીદી આવી રહી છે. મારી દ્રષ્ટિએ માર્કેટમાં વધઘટે તેજી આગળ વધશે. આગામી સમય માટે સ્પેશિયાલીટી કેમિકલ, ઈન્ફ્રાસ્ટ્રકચર, રીઅલ્ટી સેકટર(દેવાનું ભારણ ન હોય તેવી) અને હાઉસીંગ ફાયનાન્સ સેકટરના શેરો બેસ્ટ બાય રહેશે. બજાર આજે સવારે તેજી સાથે ઓપન થયું હતું, સવારે ઈન્ફોસીસ, ટીસીએસ, આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈ, પાવરગ્રીડ અને આઈટીસીમાં જોરદાર લેવાલી આવી હતી, જેથી માર્કેટમાં રેકોર્ડબ્રેક તેજીની આગેકૂચ રહી હતી. ત્યાર પછી બેંક, આઈટી, ફાર્મા, મેટલ અને એફએમસીજી સેકટરના શેરોમાં ભારે લેવાલી આવી હતી, અને માર્કેટ ઝડપી ઉછળ્યું હતું. જો કે સામે ભારતની ફિસ્કલ ડેફિસિટ વધીને આવી છે, આંતરરાષ્ટ્રીય બજાકમાં ક્રૂડના ભાવ વધ્યા છે, તેમજ ફુગાવાનો દર વધી રહ્યો છે, અને આરબીઆઈએ ચેતવણી આપી છે કે આગામી સમયમાં ફુગાવાનો દર વધીને આવશે, તેમજ જીડીપી ગ્રોથ પણ નીચો રહ્યો છે. આમ તમામ નેગેટિવ ફેકટર વચ્ચે પણ ભારતીય શેરબજારમાં ઐતિહાસિક તેજીની આગેકૂચ રહી હતી. જેથી શેરબજારના દલાલો આશ્વર્ય વ્યકત કરતા હતા.

  • ગ્લોબલ ફાઈનાન્સિયલ સર્વિસ મોર્ગન સ્ટેનલીએ ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ સહિત કેટલીક કંપનીઓના શેરોના ભાવના ટાર્ગેટ ઊંચા કર્યા છે, મોર્ગેન સ્ટેનલીનું કહેવું છે. ગ્લોબલ સપાટીએ માઈક્રોઈકોનોમિક સ્થિતીમાં સુધારો થતાં તેનો ફાયદો આઈટી સેકટરને મળશે, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ વધુ તેજીમય થયું હતું.
  • એફઆઈઆઈએ મંગળવારે સ્ટોક માર્કેટમાં રૂપિયા 693 કરોડનું ચોખ્ખુ રોકાણ કર્યું હતું,
  • સ્થાનિક નાણા સંસ્થાઓએ મંગળવારે રૂપિયા 246 કરોડનું વેચાણ કર્યું હતું.
  • આજે તમામ સેકટરના શેરોમાં ભારે ખરીદીથી તેજીની આગેકૂચ રહી હતી.
  • તમામ સેકટરના ઈન્ડેક્સ પ્લસમાં બંધ હતા.
  • રોકડાના શેરોમાં ઈન્વેસ્ટમેન્ટરૂપી જોરદાર લેવાલી આવી હતી. બીએસઈ મીડકેપ ઈન્ડેક્સ 118.43 પ્લસ બંધ થયો હતો.
  • બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સ 84.62 પ્લસ બંધ હતો.અહેવાલ-ભરત પંચાલ