GST રેટ્સમાં કાપઃ ખાખરા, અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ સસ્તી થઈ

કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલીના વડપણ હેઠળ આજે અહીં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં કેટલાક એવા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે જેનાથી દેશના નાના વેપારીઓ તથા આમજનતાને રાહત થશે. સરકારે 27 ચીજવસ્તુઓ પરના જીએસટી દરમાં ઘટાડો જાહેર કર્યો છે. આનાથી નાના વેપારીઓ, નિકાસકારો, આમ જનતાને રાહત મળશે.

કેન્દ્ર સરકારે જેમ્સ એન્ડ જ્વેલરી વિશે બહાર પાડેલું નોટિફિકેશન આજે પાછું ખેંચી લીધું છે. સરકારે જણાવ્યું છે કે પૂરતી વિચારણા કર્યા બાદ અલગ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.

જીએસટી કાઉન્સિલની આજે ૨૨મી બેઠક મળી હતી. ગઈ ૧ જુલાઈથી જીએસટી ટેક્સ વ્યવસ્થા લાગુ કરાયા બાદ કાઉન્સિલની આ ચોથી બેઠક હતી.

તહેવારોની મોસમમાં વેપારીઓને જીએસટીને કારણે તકલીફો ન આવે એ માટે સરકારે અમુક રાહતો આપી છે.

ઓગસ્ટ મહિનાનું જીએસટીઆર-3બી ભરવાનું ચૂકી ગયેલા લાખો વેપારીઓને રાહત અપાઈ છે. સરકારે લેટ ફી દૂર કરી દીધી છે. 1 ઓક્ટોબરથી ઈ-વે બિલ લાગુ થવાની અટકળોને ફગાવી દેતાં સરકારે સંકેત આપ્યો છે કે હાલપૂરતું દિવાળીથી પહેલા માલની લે-વેચની ઓનલાઈન મોનિટરિંગ નહીં કરાય.

આ છે, GST કાઉન્સિલની બેઠકના અમુક મહત્વના નિર્ણયઃ

– રૂ. ૫૦ હજારથી વધુની કિંમતની જ્વેલરી ખરીદવા માટે PAN કાર્ડ હોવું ફરજિયાત નથી.

– કાપડ પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા કરાયો

– ૬૦ ચીજો પરનો ટેક્સ ૧૨ ટકાથી ઘટાડી પાંચ ટકા

– રેસ્ટોરન્ટ ટેક્સ ૧૮%થી ઘટાડી ૧૨ ટકા

– રીટર્ન દર મહિને નહીં, પણ ત્રણ મહિને એક વાર ફાઈલ કરવાનું રહેશે

– કમ્પોઝિશન સ્કીમ માટે ટર્નઓવર 75 લાખથી 1 કરોડનું કરાયું છે.

– E-way બિલ જોગવાઈઓનો અમલ 2018ના એપ્રિલ સુધી મુલતવી રખાયો છે.

– રીવર્સ ચાર્જ 31-03-2018 સુધી નાબૂદ રહેશે.

– રૂ. દોઢ કરોડ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવતા કરદાતાઓ માટે મન્થલીને બદલે ક્વાર્ટર્લી રીટર્ન્સની સવલત. ટેક્સ માસિક ધોરણે ચૂકવવાનો રહેશે.

– નિકાસકારો માટે ઈ-વૉલેટની સવલત

– ખાખરા પર હવે પાંચ ટકા ટેક્સ લાગશે

– અનબ્રાન્ડેડ આયુર્વેદિક દવાઓ પર જીએસટી 12 ટકાથી ઘટાડી પાંચ ટકા.

– સ્ટેશનરી ચીજવસ્તુઓ પર જીએસટી ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા.

– ડિઝલ એન્જીનના પાર્ટ્સ પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા


– અનબ્રાન્ડેડ ફરસાણ (નમકીન) પર પાંચ ટકા ટેક્સ


– રેસ્ટોરન્ટના માલિકોએ હવે પાંચ ટકા ટેક્સ આપવો પડશે

– અનબ્રાન્ડેડ યાર્ન પર જીએસટી ૧૮ ટકાને બદલે ૧૨ ટકા, ફ્લોરિંગ ટાઈલ્સ પરનો ટેક્સ ૨૮ ટકાથી ઘટાડી ૧૮ ટકા

(કઈ ચીજ પરનો જીએસટી કેટલો ઘટ્યો? જાણવા માટે નીચેની લિન્ક પર ક્લિક કરો…)

https://chitralekha.com/gst.pdf