સોનામાં ડિમાન્ડ 50 ટકા ઘટી, તો પણ ભાવ ઊંચો કેમ…?

સોનાના ભાવ ઉત્તરોત્તર વધી રહ્યા છે. તાજેતરમાં આવેલ એક રીપોર્ટ પ્રમાણે ગ્રામિણ વિસ્તારોમાં સોનાની ડિમાન્ડ 50 ટકા ઘટી છે, સામે જોવા જઈએ સોનાના ભાવ ઊંચાને ઊંચા જઈ રહ્યા છે. જો કે સોનાના ભાવ વધવા પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે. પણ સોનાના ભાવમાં આ ઉછાળો યોગ્ય તો નથી જ. કોઈપણ કીમત ડિમાન્ડ અને સપ્લાય પર નક્કી થતી હોય છે. જેથી લાંબાગાળે સોનાના ભાવ ઘટશે જરૂર.

 2019નો પ્રારંભ થઈ ચુક્યો છે. સોનું હમેશા બેસ્ટ બાય રહેવાનું જ છે, અને ભારતીયોની રોકાણ માટે પહેલી પસંદ પણ રહેવાની છે, જેથી ઘટાડામાં સોનાના કરેલ રોકાણ વ્યર્થ જવાનું નથી. કેટલાય ઈન્ટરનેશનલ કારણો પાછળ સોનાના ભાવમાં વધઘટ થતી હોય છે.

ભારતમાં વીતેલા વર્ષે ચોમાસુ એટલું સારુ ગયુ નથી, જેથી ખેડૂતોની આવકમાં ઘટાડો થયો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેકાના ભાવ વધાર્યા છે, પણ ખેડૂતોને જે ફાયદો થવો જોઈએ તેટલો લાભ મળ્યો નથી. ભારતની વાત કરીએ તો ગોલ્ડમાં વાર્ષિક ખરીદીનો 60 ટકા હિસ્સો ખેડૂતો કરતાં હોય છે. દેશમાં ગોલ્ડની વાર્ષિક 800થી 850 ટનની ડિમાન્ડ હોય છે, જેમાં અંદાજે કૃષિક્ષેત્રની ખરીદી 60 ટકા હોય છે. પણ આ વર્ષે જોવા જઈએ તો રુરલ ઈન્ડિયાની ડિમાન્ડ 50 ટકા ઘટી છે. તેમ છતાં સોના ભાવ વધ્યા છે, જેથી આર્શ્ય થાય તે સ્વભાવિક છે. દેશમાં ગોલ્ડની દૈનિક 250-300 કિલોની ઘરાકી રહે છે, પણ હાલ તે ઘટીને 50થી 100 કિલોની વચ્ચે રહી ગઈ છે. સોનામાં ઘરાકી ઘટી જતાં જ્વેલર્સો નિરાશ છે, તેની સીધી અસર બુલિયનનો વેપાર-ધંધો કરતાં જ્વેલર્સ અને ઝવેરીઓ પર પડી છે, તેમના ધંધામાં પણ મંદી રહી છે. જો કે 2019માં આ સ્થિતીમાં સુધારો આવશે. પણ સોનાના ભાવ નીચા હશે તો નવી ખરીદી આવશે.

બીજુ કારણ એ પણ છે કે અમેરિકા અને ચીન વચ્ચેના ટ્રેડ વોરને કારણે પણ દેશ અને દુનિયાના અગ્રણી બિઝનેસ પર ગંભીર ફટકો પડ્યો છે. જેથી શહેરોની ડિમાન્ડ પણ સામાન્ય રહી છે. વળી વિશ્વના અર્થતંત્રની અનિશ્વિતતાને કારણે સોનાના ભાવ ઊંચા રહ્યા છે. વૈશ્વિક કરન્સી માર્કેટ પણ હાઈલી વોલેટાઈલ રહ્યું હતું. આમ 2018માં ગોલ્ડમાં ડિમાન્ડ ઓછી પણ ભાવ વધ્યા છે. જો કે ડિમાન્ડ ઘટી હોવાથી લાંબાગાળે સોનાના ભાવ નીચા આવશે તેમાં કોઈ બે મત નથી. અને સોનાના ભાવ નીચા આવશે તો જ નવી ઘરાકી નિકળશે. હાલ ભારતમાં 999 ટચ સોનાનો ભાવ રૂપિયા 38,600-39,100 પર ટ્રેડ થઈ રહ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડનો ભાવ 1284 ડૉલર ચાલી રહ્યો છે.

બીજા એક મહત્વના સમાચાર આવ્યા છે કે ચીને ઓકટોબર 2016 પછી સૌપ્રથમ વખત સોનાની ખરીદી કરીને રીઝર્વમાં વધારો કર્યો છે. ધી પીપલ્સ બેંક ઓફ ચાઈનાએ ડીસેમ્બરના અંત સુધીમાં સોનાના હોલ્ડિંગમાં 59.56 મીલીયન ઔંશનો વધારો કર્યો છે. અને તે 1853 મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે. સોનાની ડિમાન્ડ સૌથી વધુ ચીનની રહેતી હોય છે. અમેરિકા અને ચાઈના વચ્ચેના ટ્રેડ વોરને કારણે ચીનમાં આર્થિક મંદી આવી ગઈ હતી, તેમ છતા ડિસેમ્બરના અંતે ચાઈનાએ ગોલ્ડની ખરીદી કરીને રીઝર્વને વધાર્યું છે, ચીનની ખરીદીને કારણે ગોલ્ડના ભાવ વધ્યા છે, તેવું તારણ કાઢી શકાય.

ચાઈના એકલા એ જ ગોલ્ડની ખરીદી કરી એવું નથી, પોલેન્ડ અને હંગેરીએ ઘણા વર્ષો પછી 2018માં ગોલ્ડનું હોલ્ડિંગ વધાર્યું છે.

ટેકનિકલી જોઈએ તો કોમેક્સ ગોલ્ડ 1300 ડૉલર કૂદાવશે તો જ તેજી આગળ વધશે, અન્યથા 1300 ડૉલર એ રેઝિસ્ટન્સ લેવલ આવે છે. નીચામાં 1275 ડૉલરએ સપોર્ટ લેવલ છે. 1275 તૂટતાં 1260 ડૉલર થશે. જો કે હાલ ગોલ્ડ બુલિશ ઝોનમાં છે.