GDP વધ્યોઃ શું ઈકોનોમી રાઈટ ટ્રેક પર છે?

નોટબંધી અને જીએસટી જેવા મોદી સરકારના આકરા નિર્ણય પછી અર્થતંત્ર મંદીના ગર્તામાં ધકેલાયું હતું. પણ હવે ઈકોનોમી યોગ્ય ટ્રેક પર જઈ રહી હોવાનું દેખાઈ રહ્યું છે. કેમ કે નાણાકીય વર્ષ 2017-18ના ચોથા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ વધીને 7.7 ટકા આવ્યો છે. જે અર્થતંત્ર માટે આનંદના સમાચાર છે, અને મોદી સરકાર માટે પણ ખુશીના સમાચાર તો છે જ. વિપક્ષોએ નોટબંધી અને જીએસટી મામલે મોદી સરકાર પર ખુબ માછલા ધોયા હતા, વિવિધ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને અન્ય પક્ષોએ જીએસટી અને નોટબંધીનો ભારે અપ્રચાર કર્યો હતો, પણ મોદી સરકાર હવે સફળ થઈ છે.જીડીપી ગ્રોથનો આંક અનુમાન કરતા પણ વધારે ઊંચો આવ્યો છે. રૉયટર્સનો પોલ હતો કે ચોથા કવાર્ટરમાં જીડીપી ગ્રોથ રેટ 7.3 ટકા આવશે, પણ તે અનુમાન કરતા પણ જીડીપી વધીને 7.7 ટકા રહ્યો છે. તે દર્શાવે છે કે કેન્દ્ર સરકાર રાઈટ ટ્રેક પર જઈ રહી છે. જીએસટીની રેવન્યૂ પણ વધીને આવી છે. પણ ફિસ્કલ ડેફિસીટ વધી છે, તે ચિંતાનો વિષય છે. જે મામલે સરકારે તાત્કાલિક યોગ્ય પગલા ભરવા જોઈએ. ફિસ્કલ ડેફિસીટ કાબુમાં રહેશે કે અનુમાન મુજબ રહેશે તો ઈકોનોમીની તમામ પરિસ્થિતી થાળે પડી જશે.

સીએસઓના અનુમાન પ્રમાણે નાણાકીય વર્ષ 2017-18માં જીડીપી ગ્રોથ રેટ 6.6 ટકા રહેશે. પણ હકીકતમાં જીડીપી 6.7 ટકા રહ્યો છે. રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રિલમાં રજૂ કરેલી ધીરાણ નિતીની સમીક્ષામાં કહ્યું હતું કે દેશમાં રોકાણ સતત વધી રહ્યું છે, જેથી આગામી સમયમાં અર્થતંત્રમાં તેજી આવશે. જે મુજબ જ જીડીપી ગ્રોથ રેટ વધીને આવ્યો છે. જીડીપી ગ્રોથના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશ હવે નોટબંધી અને જીએસટીના હાઉમાંથી બહાર નિકળ્યો છે.

હજી લોકો બુમો પાડે છે, જીએસટીને કારણે ધંધો ઠપ થઈ ગયો છે. ખાસ કરીને વેપારીઓ રોજ બળાપો વ્યકત કરે છે કે જીએસટીથી અમારા ધંધા પર બહુ મોટી અસર પડી છે. ધંધો સાવ બંધ જેવો જ છે. અરે ભાઈ જીએસટી આવ્યા પછી બધો ધંધો વેપાર એક નંબરમાં થઈ ગયો છ. જેને બે નંબરનો ધંધો કરવો છે, તે લોકો જ બુમો પાડે છે. કોઈને જીએસટી ભરવો નથી, અને ધંધો ખરાબ થઈ ગયોના રોદડા રોવે છે. તમે વેપાર-ધંધો કરો પણ ટેક્સનો ભરવો પડે ને… જીએસટીઃ ‘એક દેશ એક ટેક્સ’… આ કન્સેપ્ટ સાથે જીએસટી લાગુ કરાયો છે. સરકારની આવક ધીમે ધીમે વધી રહી છે. જીએસટી દરેકે સ્વીકારવો જ પડશે. અને એક નંબરનો વેપાર-ધંધો કરશો તે તમારા હિતમાં રહેશે.

જીડીપી ગ્રોથના આંકડા આવ્યા પછી હાલના નાણાપ્રધાન પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે સરકાર ઉત્સાહિત છે, ચોથા કવાર્ટરમાં જીડીપી 7.7 ટકા આવ્યો છે, તે દર્શાવે છે કે અર્થતંત્ર યોગ્ય રસ્તા પર છે, અને સાથે ઊંચા ગ્રોથના રસ્તા પર છે.

આર્થિક બાબતોના સચિવ સુભાષ ચંદ્ર ગર્ગે કહ્યું હતું કે તેલની કીમતોમાં વધારો થયો છે, તેની અસર જીડીપી પર નથી પડી, તે સારી વાત છે. નાણાકીય ખાદ્ય જીડીપીના 3.5 ટકા રહેશે તેવી ધારણા છે, અને તે લક્ષ્ય મુજબ જ રહેશે.

ગુરુવારે સાંજે જાહેર થયેલા જીડીપીના આંકડા પછી વિપક્ષોની બોલતી બંધ થઈ જશે, તે નક્કી છે અને મોદી સરકાર વધુ ફોર્મમાં આવશે. આ વાત તો રાજકીય લડાઈની… પણ દેશની ઈકોનોમીનો વિકાસ થાય તે દરેક ભારતીયને ગમે જ. સ્ટોક માર્કેટ પણ જીડીપી ગ્રોથના વધારાને વધાવશે.

2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે તે પહેલા દેશની ઈકોનોમી પ્રગતિ કરે તેવા પ્રયાસ મોદી સરકારના હશે. જો આર્થિક પ્રગતિ રજૂ કરશે તો જ ભાજપને મત મળશે. માટે મોદી સરકાર માટે જીડીપી ગ્રોથ રેટ વોટ બેંક હશે તેમ કહીશું તો ખોટુ નથી.