મુહૂર્ત ટ્રેડિંગની ‘કેન’ પર શેરબજારની ભાવિ ચાલનો આધાર

શેરબજાર માટે વીતેલું સંવત 2073નું વર્ષ તેજીમય પસાર થયું હતું. સેન્સેક્સે 32,699.86 અને નિફટીએ 10,251.85ના લાઈફ ટાઈમ હાઈ નવા લેવલ બતાવ્યા હતા. રોકાણકારોને વીતેલા વર્ષે સારુ એવું રીટર્ન્સ છૂટયું છે. કેટલાક પસંદગીના સ્ટોકમાં 300 ટકા સુધીનો તગડો નફો મળ્યો છે. પ્રાઈમરી માર્કેટમાં રોકાણકારોને બખ્ખાં પડી ગયાં હતાં. મોટાભાગના આઈપીઓ પ્રિમિયમથી જ લિસ્ટ થયા હતાં. આમ 2073નું વર્ષ શેરદલાલો અને રોકાણકારો માટે બધી રીતે તેજીદાયક પુરવાર થયું છે, અને હવે નવું વિક્રમ સંવત 2074નું વર્ષ નવી તેજીનો આશાવાદ લઈને આવ્યું છે.કેન્દ્રમાં મોદી સરકારે નોટબંધી અને જીએસટીના અમલીકરણ જેવા બે અતિમહત્વના નિર્ણય લીધા હતા. જે ઈકોનોમીના રીફોર્મ્સ માટે ખુબ જરૂરી હતી. બીજી તરફ ભારત-પાકિસ્તાન સરહદ પર તંગદિલી છવાયેલી રહી, નોર્થ કોરિયા અને અમેરિકા વચ્ચે પણ જીઓ પોલિટિકલી ટેન્શન દિનપ્રતિદિન વધતું રહ્યું છે, તેમજ અમેરિકામાં પ્રમુખ પદે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા પછી ફેડરલ રીઝર્વે વ્યાજ દરમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું છે. આવા નેગેટિવ પરિબળો વચ્ચે પણ ભારતીય શેરબજાર સામા પ્રવાહે તરીને તેજીની આગેકૂચ જારી રાખી હતી. વર્ષના ઉત્તરાર્ધ ભાગમાં તો એફઆઈઆઈ નેટ સેલર બની હતી, તેમ છતાં શેરબજારમાં સ્થાનિક નાણા સંસ્થાઓ અને મ્યુચ્યુઅલ ફંડોની નવી ખરીદી ચાલુ રહી હતી, અને માર્કેટમાં તેજીની આગેકૂચ રહી હતી. એફઆઈઆઈની તમામ વેચવાલી ખવાઈ ગઈ હતી.સામાન્ય રીતે દર વર્ષે શેરબજારમાં બે ‘કેન’ પડતી હોય છે. એક દીવાળીની અને બીજી ઉત્તરાયણની… ‘કેન’ એટલે તે દિવસની ટર્નિંગ પણ આપણે કહી શકીએ. આ તો ‘કેન’ શબ્દ શેરબજારમાં વર્ષોથી બોલાતો આવ્યો છે, કદાચ નવી પેઢીને ખબર નહી હોય. આપણે ઉદાહરણ સાથે સમજીએ તો… આ ‘કેન’ જે પડે તે ખૂબ પરફેક્ટ ચાલતી હોય છે, અને તે માર્કેટની ભાવી ચાલ દર્શાવે છે. ગત વર્ષે દીવાળી 30 ઓકટોબર, 2016ના રોજ હતી, તે દિવસે સેન્સેક્સ 27,930 અને નિફટી 8625 બંધ હતો. ત્યાર પછી 14 જાન્યુઆરીને ઉત્તરાયણના દિવસે સેન્સેક્સ 27,238 અને નિફટી 8400ના લેવલે બંધ થયો હતો. 14 જાન્યુઆરી પછી ઉત્તરાયણના દિવસના સેન્સેક્સ અને નિફટીના લેવલ કૂદાવ્યા પછી એકતરફી તેજી જોવા મળી હતી. એટલે કે 14 જાન્યુઆરીને ઉત્તરાયણની ‘કેન’ તેજીમાં પડી હતી, જે પછી સ્ટોક માર્કેટમાં સળંગ તેજી થઈ હતી. નિફટી 8400થી સતત વધીને 10,251 થયો અને સેન્સેક્સ 27,238થી સતત વધી 32,699 થયો.

આ તો એક જ વર્ષનું ઉદાહરણ છે. પણ વર્ષોથી શેરબજારની ‘કેન’ જોનારા તે પ્રમાણે ટ્રેડિંગ કરીને લાખો રૂપિયા કમાય છે. 19 ઓકટોબર, 2017ને ગુરુવારને દીવાળીના દિવસે મુહૂર્તના ટ્રેડિંગ થશે. આ મુહૂર્તના ટ્રેડિંગમાં શેરબજારની ‘કેન’ પડશે. આ ‘કેન’  શેરબજારની ભાવી ચાલ નક્કી કરશે તે ચોક્કસ છે.