ટ્રેડ વૉર પછી કરન્સી વૉરનો તખ્તો ઘડાઈ રહ્યો છે…

મેરિકાએ શરૂ કરેલ ટ્રેડ વૉર હવે વિશ્વના અન્ય વિકાસશીલ દેશો તરફ ફેલાયું છે. તેની સાથે વિકસતા દેશો પણ જોડાયા છે. અમેરિકા શક્તિશાળી દેશ છે, હવે તેની સાથે બીજા દેશોને પણ ખેંચાવું પડ્યું છે. ટ્રેડ વૉર ભયાનક છે પણ અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્ર્મ્પની ‘નેશન ફર્સ્ટ’ની નીતિથી ટ્રેડ વૉર ઉભુ થયું છે. અમેરિકાના રોકાણકારોએ ચીન અને ભારતના બજારોમાંથી નાણા પાછા ખેંચવાનું ચાલુ કરી દીધું છે. સાથે અમેરિકાની કંપનીઓએ પણ અમેરિકનને જ નોકરી આપવાનો ચીલો શરૂ કર્યો છે. ચીન અને અમેરિકા વચ્ચે શરૂ થયેલ ટ્રેડ વૉર વધુ આકરું બન્યું છે. પણ તેમાં ચીનની ઈકોનોમીને વધુ સહન કરવાનું આવશે. તેમ છતાં ચીન અમેરિકા સામે બાથ ભીડી રહ્યું છે.અમેરિકા અને ચીન વચ્ચે આમ તો સામાન્ય રીતે શીત યુદ્ધના મંડાણ થયા હોય તેમ જ દેખાઈ રહ્યું છે. ચીન વિશ્વમાં અમેરિકાને સૌથી મોટો શક્તિશાળી દેશના રુપમાં જોવા નથી માંગતો, જેને કારણે જ ચીને અમેરિકા સામે બરાબર ભાથ ભીડી છે. પણ તેમાં બીજા દેશો પર પણ તેની ગંભીર અસરો પડશે તે નક્કી છે. આર્થિક જગતના નિષ્ણાતોનો મત છે કે બન્ને દેશોએ એકબીજાની સાથે મળીને આર્થિક પ્રગતિ કરવાની જરૂર છે નહી કે ટ્રેડ વૉર કરવાની. ટ્રેડ વૉરથી બન્ને દેશો વચ્ચે વેરના બીજ વધુ રોપાયા છે. જેમ કે અમેરિકા અને રશિયા વચ્ચે વર્ષોથી શીત યુદ્ધ ચાલે છે, તે જ રીતે હવે અમેરિકા-ચીન વચ્ચે શીત યુદ્ધ શરૂ થશે.

ટ્રેડ વૉર પછી હવે અમેરિકા અને ચીન વચ્ચે કરન્સી વૉર શરૂ થવાના એંધાણ મળી રહ્યા છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન અને યુરોપિયન યુનિયન પર કરન્સી સાથે છેડછાડ અને વ્યાજ દરમાં ઘટાડો કરવાનો આરોપ લગાવ્યો છે. અમેરિકા વ્યાજ દરમાં વધારો કરે છે, અને ડૉલર દરરોજ મજબૂત થઈ રહ્યો છે, ત્યારે ચીન વ્યાજ દર ઘટાડી રહી છે. આ ખેલ બરાબરીનો નથી. કરન્સી યુઆન તૂટીને આ વર્ષના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો પછી ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. ચીન સેન્ટ્રલ બેંક યુઆનને તૂટતો અટકાવવા પગલા લેશે, પણ હાલ સંભાવનાઓ નથી, તેમ નિષ્ણાતોનું કહેવું હતું. બીજી તરફ યુરોના મુલ્યમાં પણ આ વર્ષનો સૌથી મોટો ઘટાડો જોવાયો છે.વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા ટ્રેડ વૉર કરે ત્યારે તેની લાંબે ગાળે અસર પોતાના દેશની કરન્સી પર પડે જ છે. અને કરન્સી વૉર થાય ત્યારે તેની અસરો વધુ ઘાતક નિવડે છે. ટ્રમ્પે ફેડરલ રીઝર્વની હાલની પૉલીસીની પણ ટીકા કરી હતી. તે પછી ડૉલર પણ ઘટ્યો હતો.

ટૂંકમાં ટ્રેડ વૉર પછી હવે કરન્સી વૉરનો વારો છે. ટ્રેડ વૉરથી આયાતનિકાસની બેલેન્સ તુલા ખોરવાય છે, અને આગામી સપ્તાહોમાં ચલણોમાં ગાબડા પડશે… ડૉલર સામે રૂપિયો તો તૂટીને 69.15 સુધી જઈને છેલ્લે 68.84 રહ્યો હતો. કરન્સી વૉર અમેરિકા, ચીન સાથે યુરોપ અને ભારતને પણ નડશે. રૂપિયો નબળો પડે ત્યારે આયાતો મોંઘી થાય તેનાથી દેશની ઈકોનોમીના તમામ પેરામીટર્સ પર નેગેટિવ ઈમ્પેક્ટ પડે છે. ક્રૂડના ભાવ વધ્યા, અને ક્રૂડની આયાત મોંઘી થાય, તો દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધે, તે પછી દેશમાં ફુગાવો વધે. અલ્ટીમેટ આ ચક્રમાં દેશની જનતાએ જ સહન કરવાનું આવશે. પછી સરકારને પણ ઈકોનોમીને બેલેન્સ કરવાનું ભારે પડી જાય છે. જોઈએ હવે ટ્રેડ વૉર અને કરન્સી વૉર તેના શુ પરિણામો બતાવે છે