નોકરિયાતોને આવક વેરામાં રાહત આપવાને બદલે કરબોજ વધારાયો

સરકારે વર્ષ 2018-19ના કેન્દ્રીય બજેટમાં વ્યક્તિગત આવક વેરાના સ્લેબમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લીધો છે, પરંતુ વ્યક્તિગત કરદાતાઓને અસર કરનારાં અનેક પગલાં ભર્યાં છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ રજૂ કરેલા નાણાકીય વર્ષ 2018-19ના બજેટમાં જાહેર કરાયા મુજબ તમામ કરપાત્ર આવક પર લાગુ થતી હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસની ટકાવારી 3થી વધારીને 4 કરી દેવાઈ છે. આ ઉપરાંત સમાજકલ્યાણ માટેની યોજનાઓ અર્થે ભંડોળ મેળવી શકાય એ માટે 10 ટકાનો સમાજકલ્યાણ સરચાર્જ લાગુ કરવામાં આવ્યો છે.

નાણાપ્રધાને આવક વેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કર્યો નથી. ફક્ત પગારદાર કર્મચારીઓ અને પેન્શનધારકો માટે 40,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન લાગુ કરવામાં આવ્યું છે. જોકે, એનો લાભ નહીં મળે કારણકે 35,000 રૂપિયા સુધીની પરિવહન અને તબીબી ખર્ચના ભથ્થાની છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે.

ગંભીર બીમારીઓ પરના તબીબી ખર્ચ પરનું એક્ઝેમ્પશન વધારીને 1 લાખ રૂપિયા કરી દેવાયું છે.

ઈક્વિટીના રોકાણકારોને ફટકો

સરકારે ઈક્વિટીમાં કરાયેલા રોકાણ પર જો એક લાખ રૂપિયા કરતાં વધારે આવક થાય તો વધારાની આવક પર 10 ટકા લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેક્સ લાગુ કર્યો છે. આ ટેક્સ તત્કાળ અસરથી લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ 31મી જાન્યુઆરી, 2018 સુધી કરવામાં આવેલા શેરના વેચાણને એ લાગુ નહીં પડે.

મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારોને પણ નિરાશા

નિયમિતપણે ડિવિડંડની આવક થતી રહે એવું વિચારીને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરનારા લોકોને પણ નિરાશા થાય એવું પગલું ભર્યું છે. જેટલીએ જાહેર કર્યા મુજબ ઈક્વિટી ઓરિયેન્ટેડ મ્યુચ્યુઅલ ફંડમાં અપાતા ડિવિડંડની આવક પર 10 ટકા કરવેરો લાગુ પડશે.

નાણાપ્રધાને 100 કરોડ રૂપિયાનું ટર્નઓવર ધરાવતી કૃષિ ઉત્પાદક તરીકે રજિસ્ટર થયેલી કંપનીઓને 100 ટકા કરમુક્તિ આપી છે. સરકારે જાહેર કરેલા સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ અઢી કરોડ લોકોને થશે.

પ્રોવિડન્ટ ફંડમાં મહિલાઓ માટે જાહેરાત

એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઍક્ટ હેઠળ મહિલાઓનો ફાળો પ્રથમ ત્રણ વર્ષ માટે 12 ટકાથી ઘટાડીને 8 ટકા કરવા માટે ઍક્ટમાં ફેરફાર કરવાની જાહેરાત સરકારે કરી છે. જોકે, માલિકના ફાળામાં કોઈ ફરક નહીં પડે. સરકાર આગામી ત્રણ વર્ષ માટે તમામ ક્ષેત્રોના એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડમાં નવા કર્મચારીઓના પગારના 12 ટકા જેટલો ફાળો આપશે.

વર્ષ 2018-19 માટે ડિસઈન્વેસ્ટમેન્ટનો 80 હજાર કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રખાયો

જાહેર ક્ષેત્રની 24 કંપનીઓના શેર વેચાશેઃ એર ઈન્ડિયાના હિસ્સાનું પણ થશે વેચાણ

સરકાર આગામી નાણાકીય વર્ષમાં જાહેર ક્ષેત્રની કંપનીઓના ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 80,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની ધારણા રાખે છે. વર્તમાન નાણાકીય વર્ષના 1 લાખ કરોડ રૂપિયાની તુલનાએ આવતા વર્ષનો લક્ષ્યાંક ઓછો છે.

2018-19 માટેના બજેટમાં નાણાપ્રધાન અરુણ જેટલીએ કહ્યું છે કે ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (ડીઆઈપીએએમ) એક ડેટ ફંડ લોન્ચ કરવા ઉપરાંત વધુ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ને ડિસઈન્વેસ્ટમેન્ટમાં સામેલ કરવામાં આગળ વધશે.

“અમે 2017-18 માટે ડિસઈન્વેસ્ટમેન્ટ દ્વારા 72,500 કરોડ રૂપિયા એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો હતો તેની સામે અમે 1 લાખ કરોડ એકત્ર કરી લીધા છે અને 2018-19 માટે અમે 80,000 કરોડ રૂપિયાનો લક્ષ્યાંક રાખીએ છીએ,” એમ જેટલીએ બજેટના ભાષણમાં કહ્યું હતું.

હાલ એર ઈન્ડિયા સહિત 40 સેન્ટ્રલ પબ્લિક સેકટર યુનિટ્સના અને 24 વ્યૂહાત્મક ડિસઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયા ચાલી રહી છે.

ત્રણ સરકારી વીમા કંપનીઓનું મર્જર

સરકારે જાહેર ક્ષેત્રની કંપનીઓના એકીકરણની પ્રક્રિયાના ભાગરૂપે હવે ત્રણ વીમા કંપનીઓ – નેશનલ ઈન્સ્યુરન્સ, યુનાઈટેડ એસ્યોરન્સ અને ઓરિયેન્ટલ ઈન્સ્યુરન્સનું એકીકરણ કરીને એક એન્ટિટીનું સર્જન કરવામાં આવશે, જેને પછી એક્સચેન્જીસમાં લિસ્ટ કરવામાં આવશે, એમ નાણાપ્રધાને ગઇકાલે બજેટના ભાષણમાં કહ્યું હતું.

સરકાર અગાઉ મોટી સરકારી બૅન્કો સાથે નાની સરકારી બૅન્કોનું મર્જર કરવાનો ઇરાદો જાહેર કરી ચૂકી છે.