એર ઈન્ડિયા ફરીથી બનશે ટાટા એરલાઈન્સ..!

0
2288

ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ખરીદવાની તૈયારીઓ કરી રહ્યું છે. ટાટા સન્સના અધ્યક્ષ બન્યા પછી એન. ચંદ્રશેખરને સીએનબીસી ટીવી 18ને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે તેઓ એર ઈન્ડિયા પર વિચાર કરી રહ્યા છે, અને ત્યાર પછી નિર્ણય કરશે. તેમણે કહ્યું કે હાલમાં અમારી પાસે એર ઈન્ડિયાના દેવા અને સ્ટ્રક્ચર પર જાણકારી ઓછી છે, તે વિગતો જાણ્યા પછી જ એર ઈન્ડિયા પર નિર્ણય લેવાશે. ટાટા ગ્રુપની પાસે પહેલીથી બે એરલાઈન્સ છે. પણ 15-10 એરક્રાફટથી કામ ચાલતું નથી. જો ટાટા ગ્રુપ એર ઈન્ડિયાને ખરીદી લેશે તો એર ઈન્ડિયા ફરીથી ટાટા એરલાઈન્સ બની જશે…!એર ઈન્ડિયાનો જન્મ એપ્રિલ, 1932માં થયો હતો. તે સમયે ઉદ્યોગપતિ જેઆરડી ટાટાએ તેની સ્થાપના કરી હતી. પણ તેનું નામ એર ઈન્ડિયા ન હતું, ત્યારે તેનું નામ ટાટા એરલાઈન્સ હતું. ટાટા એરલાઈન્સની શરૂઆત આજથી 85 વર્ષ પહેલા થઈ હતી. પરંતુ જેઆરડી ટાટાએ વર્ષ 1919માં પહેલી વાર તેમણે શોખ ખાતર વિમાન ઉડાડ્યું હતું. ત્યાર બાદ જેઆરડી ટાટાએ તેમનું પહેલું પાયલટનું લાઈસન્સ લીઘું. પણ તેમણે તેમની પહેલી વ્યવસાયિક ઉડાન 15 ઓકટોબરના રોજ ભરી હતી, જ્યારે તેમણે સીંગલ એન્જિનવાળા ‘હેવીલેન્ડ પર મોથ’ વિમાનને અમદાવાદથી કરાંચી થઈને મુંબઈ લઈ ગયા હતા. આ વિમાનમાં કોઈ પેસેન્જર ન હતા. વિમાનમાં 25 કિલો પત્ર હતા. આ પત્ર લંડનથી ઈમ્પીરિયલ એરવેઝ દ્વારા દરેક પત્રના ચાર આના મળતા હતા. ત્યાર પછી નિયમિતરૂપથી ટપાલ લાવવા લઈજવાની પ્રક્રિયા શરૂ થઈ. પણ ત્યારે ભારતમાં અંગ્રેજોની સરકાર હતી. અંગ્રેજોએ ટાટા એરલાઈન્સને કોઈ આર્થિક મદદ ન કરી, પણ દરેક પત્રના માત્ર ચાર આના આપતા હતા. તેના માટે પોસ્ટ ટિકિટ ચોટાડવી પડતી હતી. 

શરૂઆતના દિવસોમાં ટાટા એરલાઈન્સ મુંબઈના જૂહૂની પાસે આવેલા એક માટીના મકાનમાં ચાલતું હતું. ત્યાં એક મેદાન રનવેના રૂપમાં ઉપયોગ કરવામાં આવતું હતું. જ્યારે ભારે વરસાદ હોય અથવા તો ચોમાસામાં આ મેદાનમાં પાણી ભરાઈ જતા હતા, જે વખતે ટાટા એરલાઈન્સની પાસે બે નાના સિંગલ એન્જિનવાળા વિમાન, બે પાયલોટ અને ત્રણ મેકેનિક હતા. પાણી ભરાઈ જતું હતું ત્યારે ટાટા એરલાઈન્સને પૂનાથી ઓપરેટ કરતા હતા.બ્રિતાની શાહી રોયલ એર ફોર્સના પાયલોટ હોમી ભરુચા ટાટા એરલાઈન્સના પ્રથમ પાયલોટ હતા, જ્યારે જેઆરડી ટાટા બીજા પાયલોટ અને વિન્સેન્ટ ત્રીજા પાયલોટ હતા.

ટાટા એરલાઈન્સનું પહેલું વ્યવસાયિક વર્ષ 1933 હતું, ટાટા સન્સે બે લાખના રોકાણ સાથે કંપની સ્થાપી હતી. આ વર્ષે 155 પેસેન્જરો અને લગભગ 11 ટન ટપાલની હેરાફેરી કરી હતી. ટાટા એરલાઈન્સે એક વર્ષમાં જ કુલ  1,60,000 માઈલ સુધીની ઉડાન ભરી હતી.

બીજા વિશ્વયુદ્ધ પછી વિમાન સેવાઓ ફરીથી શરૂ થઈ ત્યારે 29 જુલાઈ, 1946ના રોડ ટાટા એરલાઈન્સ પબ્લિક લિમિટેડ કંપની બની અને તેનું નામ બદલીને એર ઈન્ડિયા લિમિટેડ રાખવામાં આવ્યું હતું. આઝાદી પછી એટલે કે 1947માં ભારત સરકારે એર ઈન્ડિયામાં 49 ટકા ભાગીદારી કરી હતી.

1953માં જ્યારે સરકારે બેકડોરથી એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું હતું. ત્યારે દુનિયાની શ્રેષ્ઠ એરલાઈન્સમાં એક હતા. ટાટાને જ્યારે ખબર પડી તે તત્કાલીન પીએમ જવાહરલાલ નેહરુએ એર ઈન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરી નાંખ્યું છે, ત્યારે તેમને મોટો ઝાટકો લાગ્યો હતો. જો કે ટાટાએ રાષ્ટ્રીયકરણ પછી એરલાઈન્સનું ચેરમેન પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વમાં કંપની 1977 સુધી સારી રીતે ચાલતી હતી. 1977માં પીએમ મોરારજી દેસાઈએ ટાટાને તેમના પદ પરથી હટાવી દીધા હતા. ત્યાર પછી એર ઈન્ડિયાનું સંચાલન બગડ્યું અને એર ઈન્ડિયા ખોટના ખાડામાં ચાલી છે.