અમદાવાદે જીત્યો ‘મોસ્ટ ઈમ્પ્રૂવ્ડ એરપોર્ટ’નો એવોર્ડ

લોકોનો વિમાન પ્રવાસ વધુ આરામદાયક બનાવવામાં સતત પ્રયત્નશીલ રહેવા બદલ અત્રેના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે એશિયા પેસિફિક વિસ્તારના દેશોમાં ‘મોસ્ટ ઈમ્પ્રૂવ્ડ એરપોર્ટ’નો એવોર્ડ જીત્યો છે.

સૌથી વધારે સુધારણા અપનાવવાનો આ એવોર્ડ અમદાવાદે ‘એરપોર્ટ કાઉન્સિલ ઈન્ટરનેશનલ’ સંસ્થા તરફથી યોજવામાં આવેલા ‘એરપોર્ટ સર્વિસ ક્વોલિટી એવોર્ડ્સ-2017’ માટે જીત્યો છે.

અમદાવાદ એરપોર્ટના ડાયરેક્ટર મનોજ ગંગલે આ જાણકારી આપતા કહ્યું કે, અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે આ પહેલો જ આંતરરાષ્ટ્રીય એવોર્ડ જીત્યો છે. આના પરથી સમજી શકાય છે કે અમે કેટલી ઝડપથી વિકાસ સાધી રહ્યા છીએ. આ એક મોટી જવાબદારી છે જેમાં અમારે સતત સુધારણા અપનાવતા રહેવાનું છે.

ACI જાગતિક નોન-પ્રોફિટ સંસ્થા છે જે એરપોર્ટ સર્વિસ ક્વોલિટી કાર્યક્રમ દ્વારા વિમાનીમથકોનું આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક નક્કી કરે છે.

એરપોર્ટને ઈમ્પ્રૂવ કરવા માટે સત્તાવાળાઓ લોકોનો વિમાન પ્રવાસ વધુ ને વધુ આરામદાયક અને સરળ બને એ માટે નિતનવી યોજનાઓ અપનાવતા રહે છે.

અમદાવાદ એરપોર્ટે બે એરો-બ્રિજ ઈન્સ્ટોલ કર્યા છે અને ફૂડ કોર્ટ્સમાં સુધારણાનું કામકાજ પ્રગતિના પંથે છે.

અમદાવાદ એરપોર્ટ પર દરરોજ 200 જેટલી ફ્લાઈટ્સની આવ-જા રહે છે. અમદાવાદમાં ઘણી કોર્પોરેટ કંપનીઓની ઓફિસો તથા શૈક્ષણિક સંસ્થાઓ આવેલી હોઈ આ શહેરનું એરપોર્ટ ધમધમતું રહે છે.

એરપોર્ટ સાથે એક મેટ્રો યોજનાને કનેક્ટ કરવાનું કામકાજ પણ ચાલી રહ્યું છે. એ પ્રોજેક્ટ પૂરો થઈ ગયા બાદ વિમાનપ્રવાસીઓ ગાંધીનગર અને અમદાવાદ વચ્ચેની સફર સરળ બની રહેશે. આ પ્રોજેક્ટ 2020ની સાલમાં પૂરો થવાની ધારણા છે.