કોણ છે આ કાજલ હિન્દુસ્તાની કે જેને ખુદ નરેન્દ્ર મોદી ય ટવીટર પર ફોલો કરે છે?

અમદાવાદઃ ચૂંટણીના આ સમયમાં તમે સોશ્યલ મિડીયા પર ‘કાજલ હિન્દુસ્તાની’ ને જોઇ-સાંભળી જ હશે. કદાચ એના વિશે ઘણું સાંભળ્યું ય હશે. એ બોલે છે ત્યારે ધાણી ફૂટ બોલે છે. આગઝરતી વાણીમાં બોલે છે અને બેબાક બોલે છે. એની વિચારધારા સાથે કે એની દલીલો સાથે તમે સહમત હો કે ન હો, પણ એ બોલતી હોય એ ક્ષણ પૂરતા એ તમને સાંભળવા મજબૂર અવશ્ય કરી દે છે. ફેસબુક, ટવીટર કે ઇન્સ્ટાગ્રામ જેવા સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ્સ પર એના અઢળક ફોલોઅર્સ છે. અને, ટવીટર પર તો એને ખુદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ ફોલો કરે છે!

આપણને નવાઇ લાગે કે આ ગૃહિણી-કમ-બિઝનેસવુમન શા માટે રાષ્ટ્રભક્તિથી માંડીને રાજકારણ સુધીના વિષયો પર આટલા ઝનૂનથી કેમ બોલે છે? એની એક પોસ્ટ કે વિડીયો સોશ્યલ મિડીયા પર વાઇરલ કેમ થાય છે? સોશ્યલ મિડીયા પર તમે કાજલ હિન્દુસ્તાની એમ સર્ચ કરશો તો એનું ઝનૂન જોવા-સાભળવા મળશે. કોણ છે આ મહિલા કે જેને ખુદ નરેન્દ્ર મોદી ય ફોલો કરે છે?

કોણ છે આ કાજલ હિન્દુસ્તાની?

મૂળ રાજસ્થાનના સિરોહી ગામમાં જન્મેલી કાજલે બાર વર્ષની ઉંમરે જ પિતાજીની છત્રછાયા ગુમાવી. બે ભાઇ અને માતા સાથે સંયુક્ત પરિવારમાં ઉછરી. પરિવારનો હોલસેલ અગરબત્તી અને બિસ્કીટનો બિઝનેસ હતો. પરિવારમાં એવું કોઈ રાજનીતિક વાતાવરણ નહોતું, પણ બાળપણથી જ એના ભાઈઓ અને પરિવારના સભ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં જતા. કદાચ સંઘની હિન્દુત્વવાદી વિચારધારાનો રંગ અને બાળપણથી જ લાગેલો હતો. એ સિવાય કાજલને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નહોતી. પારિવારિક રીતે સંઘર્ષ કરતાં કરતાં એ ઉદયપુરની મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીમાંથી એકાઉન્ટના વિષય સાથે ગ્રેજયુએટ થઇ.

વર્ષ 2002માં જામનગરમાં રહેતા બિઝનેસમેન જવલંત શિંગાળા સાથે કાજલના મેરેજ થયા. સસરા પક્ષને પણ રાજકારણ સાથે કોઈ સંબંધ નહોતો. લગ્ન પછી કાજલ પતિ સાથે વ્યવસાયમાં વ્યસ્ત થઈ ગઈ. સંતાનોના ઉછેર અને વ્યવસાયિક કામોમાં કાજલ માટે સામાજિક-રાજકીય મુદ્દે વિચારો વ્યક્ત કરવાનો નહોતો અવસર કે નહોતી એવી સ્પષ્ટ સમજ. કાજલ પોતે જ કહે છે, ‘હું તો મારા પારિવારિક-વ્યવસાયિક જીવનમાં મસ્ત હતી. રાજકારણ વિશે વિચારવાનો સમય નહોતો.’

અચાનક કેમ જાણીતી બની કાજલ?  

કાજલ સોશ્યલ મિડીયામાં ચમકી વર્ષ 2016 માં. નવી દિલ્હીમાં જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી કેમ્પસમાં જે બનાવ બન્યો અને કેમ્પસમાં જ કથિત રીતે ‘ભારત તેરે ટુકડે હોંગે’ જેવા નારા લાગ્યા એનાથી એને ખૂબ આઘાત લાગ્યો. એને થયું કે જો સારા લોકો આનો વિરોધ નહીં કરે તો દેશનું શું થશે? જો એનો અત્યારથી વિરોધ નહીં કરીએ તો ભવિષ્યમાં ભારતના દરેક ઘરમાં આવા નારા લાગી શકે છે….

એ પછી કાજલે પોતાના વિચારો ફેસબુક પર લખવાનું શરૂ કર્યું. સ્પષ્ટ અને મક્કમતાની સાથે સાથે એના વિચારોમાં ધીમે ધીમે ઝનૂન ઉમેરાતું ગયું. કાજલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગાઢ પ્રશંસક પણ બનતી ગઈ અને એમાંથી એની રાજકીય નિસ્બત શરૂ થઈ. સોશિયલ મીડિયા પર એ નરેન્દ્ર મોદીની જબરદસ્ત પ્રશંસક અને સમર્થક તરીકે ઊભરી આવી.

આજે એની સોશ્યલ મિડીયા પર સારી એવી હાજરી છે. ફેસબુક પર એના ફોલોઅર્સની સંખ્યા 2.28 લાખથી વધારે છે તો ઇન્સ્ટાગ્રામ અને યુટયુબ પર ય એના ફોલોઅર્સ મોટી સંખ્યામાં છે. ટવીટર પર એના 48000 થી વધુ ફોલોઅર્સ છે. એની વિડીયો બ્લોગ સિરીઝ ‘તીખી બાતેં, કડવા સચ’ પણ લોકપ્રિય બની છે. પિયરમાં એની અટક ‘ત્રિવેદી’ હતી અને પરણીને એ ‘શિંગાળા’ બની, પણ સોશ્યલ મિડીયામાં એ ‘કાજલ હિન્દુસ્તાની’ તરીકે ઓળખાય છે.

ગયા વર્ષે 2018 માં ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં કાજલ હિન્દુ મહાસભા ઓફ અમેરિકાના આમંત્રણથી અમેરિકા ગઈ હતી . આ બન્ને પ્રવાસ દરમ્યાન કાજલે ન્યુયોર્ક, ન્યુજર્સી, ડલાસ, હ્યુસ્ટન સહિત અનેક સ્થળે પ્રવચનો આપ્યા. અમેરિકામાં વસતા ભારતીય સમુદાયમાં પણ કાજલ અને એની તેજાબી વાણી લોકપ્રિય બની.

શું તમે ભાજપ સાથે જોડાયેલા છો? ભાજપના સભ્ય તરીકે આ બધું કરો છો?  

જવાબમાં કાજલ ચિત્રલેખાને કહે છે, ‘ના, હું ભાજપમાં નથી. હું માત્ર અને માત્ર વિચારધારા સાથે નિસ્બત ધરાવું છું. હું નરેન્દ્ર મોદીની સમર્થક જરૂર છું, પણ ભાજપમા નથી.’ જો કે ભાજપમાં હોવાનો ઇન્કાર કરવા છતાં એ કબૂલે છે કે પોતે પક્ષની સોશિયલ મીડિયા ટીમ-આઇ ટી સેલને જરૂર પડયે તાલીમ આપવાનું કામ કરે છે. નવાઇ એ વાતની પણ છે કે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને ટવીટર પર ફોલો કરે છે, પણ કાજલ કહે છે એમ એ ક્યારેય નરેન્દ્રભાઇને મળી નથી.

ગુજરાતના રાજકીય વર્તુળોમાં કાજલના નામની બહુ ચર્ચા નથી, પણ લોકસભાની ચૂંટણીમાં રાજસ્થાનમાં એ ભાજપનો પ્રચાર અવશ્ય કરી રહી છે. રહે છે જામનગરમાં,પણ આ બધા કામ માટે એ અવારનવાર અમદાવાવ અને અન્ય સ્થળોએ ફરતી રહે છે.

તો શું કાજલ સોશ્યલ મિડીયા પર બેફામ બનીને ટ્રોલિંગ કરે છે?

પહેલી નજરે કોઇપણને એવું લાગે કે કાજલ ભાજપ અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં સોશ્યલ મિડીયા પર ટ્રોલિંગ કરતી હશે. સોશ્યલ મિડીયામાં તો ઉગ્ર અને ગંદી ભાષામાં પ્રતિભાવો પણ આવે એનો ય સામનો કરવો પડે.

કાજલ જવાબમાં કહે છે, ‘ના, હું કદી કોઇને ટ્રોલ કરતી નથી. મારા વિચારો સ્પષ્ટ હોય છે, પણ હું કોઇને હલકી રીતે, હલકી ભાષામાં ઉતારી પાડતી નથી.’ પોતે માત્ર ને માત્ર રાષ્ટ્રવાદી વિચારો અને નરેન્દ્ર મોદીના સમર્થનમાં જ બોલે છે-લખે છે એવો એનો દાવો છે.

ધમકીઓ

કાજલને બેફામ લખવા-બોલવા માટે અનેકવાર ધમકીઓ પણ મળી ચૂકી છે. કેટલીય વખત ધમકી આપનારાઓ વિડીયો બનાવીને પણ મોકલે છે. મહિલા હોવાના કારણે ઘણીવાર બિભત્સ શબ્દોમાં એને ઉતારી પાડીને એના વિશે ફાવે એવું લખાય પણ છે.

જો કે, કાજલ એ બધાથી બેપરવા છે. એ કહે છે, ‘મને ડર નથી લાગતો. મને લાગે છે કે હું રાષ્ટ્ર માટે સારા વિચારો ફલાવી રહી છું અને એ રીતે રાષ્ટ્ર માટે કાંઇક કરી રહી છું.’

ભવિષ્યમાં રાજનીતિમાં જવું છે

ઘડીકભર આપણને નવાઇ લાગે. કાજલને આ બધું કરવાથી શું મળતું હશે? કોઇપણ સીધીસાદી ગૃહિણી આમ કોઇની તરફેણમાં શા માટે નીકળી પડે?

કાજલનો જવાબ છે કે રાષ્ટ્ર પ્રત્યેની નિષ્ઠા એને આ બધું કરવાનું બળ આપે છે. સાથે સાથે જો કે એ પોતાની ભવિષ્યમાં રાજકારણમાં જવાની ઇચ્છા કે મહત્વાકાંક્ષાને ય છૂપાવતી નથી. એની ઇચ્છા છે કે ભવિષ્યમાં રાજકારણમાં સક્રિય રીતે કામ કરવાની. સસરા પક્ષમાંથી પણ એને આ માટે પૂરતો સહકાર હોવું એ કહે છે.

કાજલ કહે છે, ‘હું માનું છું કે દરેક યુવાને રાજકારણમાં રસ લેવો જ જોઇએ. સ્કૂલ-કોલેજોમાં ય રાજકારણના વિષયને ફરજિયાત સ્થાન હોવું જોઇએ.’

(અહેવાલઃ કેતન ત્રિવેદી)

(તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)