કલાપ્રદર્શનમાં જીવંત આપણી લોકશાહી….

ચારે બાજુ ચૂંટણીની ચર્ચા જામેલી છે, ત્યારે કયો પક્ષ જીતશે ને કયો હારશે, કોણ વડાપ્રધાન બનશે ને કોણ વિપક્ષને શોભાવશે જેવા સળગતા પ્રશ્નોની વાત બાજુ પર રહેવા દઈએ તો પણ નાગરિક તરીકે દાઝ્યા વગર રહેવું અઘરું છે. આવામાં એક વાત તો અનિવાર્યપણે સ્વીકારવી પડે કે લોકશાહી એ સામુહિક જવાબદારીની પ્રથા છે, લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચૂંટાયેલી સરકારોની જવાબદારી સાથે નાગરિક તરીકે આપણા સહુની પણ ઘણી જવાબદારીઓ હોય છે. વાત એની જ કરવી છે, નાગિરક તરીકેની આપણી લાગણીઓ-જવાબદારીઓની.

પણ કેવી રીતે?

‘સર્જન આર્ટ ગેલેરી’ એ વડોદરામાં કલાપ્રેમીઓનું પ્રસિદ્ધિ ઠેકાણું છે. આમ તો અહીં જાતભાતના કલાપ્રદર્શનો યોજાતાં હોય છે, પણ અત્યારે જે પ્રદર્શને અહીં રૂપ લીધું છે એ અનેક રીતે બેનમૂન છે. પહેલાં તો એનો વિષય અત્યારની મૌસમને એકદમ અનુરૂપ-ચૂંટણીને લગતો છે, બીજું એમાં ધ્યાન રાજકારણ પર નહીં, પણ નાગરિકના પરિપ્રેક્ષ્યને આપવામાં આવ્યું છે અને ત્રીજું, એની અભિવ્યક્તિ એકદમ આગવી-અનોખી છે. ‘ઈલેક્શન મહાપર્વ 2019: હે પાર્થ! તુમ ચુનાવ કરો!’નામના આ પ્રદર્શનમાં શું હશે એ જાણવાની તાલાવેલી થાય એ સ્વાભાવિક છે.

સર્જન આર્ટ ગેલેરીના આ પ્રદર્શન જોવા પ્રવેશો તો સામે દેખાય ખુરશીઓનો ઢગલો, નીચે દેખાય માણશોના પૂતળા, પૂતળા પર થયેલી હોય બારિક કારિગરી ને સાથે દેખાય નાના-નાના બેનર-સૂત્રો. એક તરફ, આ બધા પ્રતીકોને સમજાવવાનું કામ કરે પાછળ સતત ચાલતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક-અનાઉન્સમેન્ટ અને બીજી તરફ, આ ઈન્સટોલેશનને અદ્વિતીય બનાવવાનું કામ કરે એના પર રેલાતી લાઈટિંગ્સ… મહત્વની વાત એ પણ કહેવાય કે હમણાં 12 એપ્રિલે આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કોઈ મોટી હસતી કે સેલિબ્રિટીએ કે હોદ્દેદારે નહીં, પણ જુદા-જુદા ક્ષેત્રના નવ સ્થાનિક મતદારો દ્વારા આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરાવવામાં આવ્યું હતું.

હવે પ્રદર્શનનો હેતુ સમજીએ તો એમાં મૂકેલી ખુરશીઓની કુલ સંખ્યા છે 543, જે લોકસભાની બેઠકોના પ્રતીકરૂપે છે. આ 543 ખુરશીઓ ભેગી કરી એક વિરાટ પ્રતિમા તૈયાર કરવામાં આવી છે, જેને ઊંચકી લઈ જઈ રહ્યા છે માણસોનાં કાપડનાં પૂતળાં, જે પ્રતીક છે નાગરિકોના. એટલે કે નાગરિકાન ખભે આખી લોકસભા ઊભી રહે છે-સંચાલિત રહે છે. આમ આ આખું આર્ટ ઈન્સ્ટોલેશન દેશની વ્યવસ્થાને રજૂ કરે છે. નાગરિકોનાં પૂતળાંઓમાં પણ દેશવાસીઓના વૈવિધ્યને આવરી લેવામાં આવ્યું છે, તો સાથે નાગરિકોના હાથમાં જુદાજુદા સંદેશ પણ મૂકવામાં આવ્યા છે. આ અનેરા આયોજન પર સુંદર લાઈટિંગ એન્ડ સાઉન્ડ ઈફેક્ટ્સ તીવ્ર અસર પ્રગટાવે છે.

આ પ્રદર્શનનો વિચાર જેમનો હતો એ મુખ્ય સર્જક હિતેશભાઈ રાણા ચિત્રલેખાને કહે છેઃ

‘મારા આ વિચારને આકાર આપવામાં મિત્ર ચેતન પરમારનો ઘણો ફાળો છે. છ મહિના પહેલાંથી અમે તૈયારીઓ શરૂ કરી રખડવાનું ને ખાંખાંખોળાં કરવાનું શરૂ કર્યું કે આ વિચાર કેવી રીતે પાર પડી શકશે. રેલવે સ્ટેશને મોડે સુધી ઊભા રહી અમે અન્ય રાજ્યોના લોકોના પહેરવેશ વગેરેનું અવલોકન કરતા ને ઈન્સ્ટોલેશન માટે આઈડિયા શોધતા. મારી ઈચ્છા હતી કે આ કલાપ્રદર્શનમાં કલા સાથે રાષ્ટ્ર માટે કંઈક હેતુ પણ હોવો જોઈએ, એવું કશુંક કરવું હતું જેમાં રાજકારણનો ઉલ્લેખ આવી જાય સાથે નેતા-પ્રજા વચ્ચેનો નીતિસંબંધ વગેરેની વાત પણ આવી જાય. જોકે બધાથી ઉપર આજના ભારતની વાસ્તવિક તસવીર રજૂ થાય. લગભગ છ મહિનાથી વધુ સમય રિસર્ચમાં વીતાવ્યા પછી અમે અંતિમ સ્વરૂપ નક્કી કરી શક્યા હતા. દેશભરના જુદાજુદા નાગરિકોનો સમાવેશ કરવા, એમના પોશાક-દેખાવનો અભ્યાસ કર્યો, સહુના નેતૃત્વને રજૂ કરવા અત્યારે જે લોકોની સામે છે એ આઈડિયા નક્કી કર્યો. નાગરિકોના ખભા પરથી લોકસભાના બેઠકો જેટલી પાઈનવૂડની 543 ખુરશીઓનો ઢગલો ઈન્સ્ટોલ થાય એ રીતનું આયોજન ફાઈનસ કર્યું. આ સાથે લાઈટિંગની ઈફેક્ટ્સ અને ઓડિયોમાં મ્યુઝિક સાથે મેસેજ સતત બેકગ્રાઉન્ડમાં વાગતો રહે એટલે જોનારા લોકો આખા વાતવરણ સાથે એકરૂપ થઈ જાય. નાગરિકોરૂપે નાનાં-નાનાં કપડાંનાં પૂતળાં તૈયાર કર્યા છે ને એમના હાથમાં ઘણાંબધાં પોસ્ટર્સ છે, જેના પર લોકશાહી-મતદાન-રાજકારણને લગતાં સરસ વાક્યો લખેલાં છે. મને તો ઘણા સમયથી આવા આર્ટ ઈન્સ્ટોલેશનનો વિચાર હતો, પણ ભારતમાં બહુ ઓછા પ્રયોગ થાય છે આ રીતે ઈન્સ્ટોલેશનના.’

જોકે હિતેશભાઈ અહીં અટકી જવા નથી માગતા. એ તો આ ઈન્સ્ટોલેશનને હજી અનેક સ્થળો પર લઈ જઈ દેશના વધારે ને વધારે નાગરિકો સુધી પહોંચવા માગે છે. એ તો દિલ્હીમાં પણ આ ઈન્સ્ટોલેશનનું આયોજન કરવાનું વિચારી રહ્યા છે અને લોકશાહીને લગતા સંગ્રહોમાંથી ક્યાંક કોઈક સ્થળે આ કાયમી રહે એવું પણ ઈચ્છે છે.

હજી તો આ પ્રદર્શન 25 એપ્રિલ સુધી ચાલવાનું છે એટલે તમે વડોદરામાં રહેતા હો તો ખાસ, અને કદાચ જો આસપાસથી નીકળવાના હો તો પણ એવા પ્રવાસીઓએ આ તારીખો અને આ પ્રદર્શનનું સરનામું નોંધી રાખવા જેવું છે, જેથી શક્ય હોય તો આવા આગવા પ્રદર્શનનો લ્હાવો લેવાનું ન ચૂકાઈ જાય.

અહેવાલ –     સુનીલ મેવાડા