મુંદ્રાની આ યુવતી મતદાન જાગૃતિ માટે મથી રહી છે…

રાજકોટ- દેશભરમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ઉમેદવારો પોતાના તરફી મતદાન થાય એવા પ્રયાસ કરી રહ્યા છે અને સરકારી તંત્ર વધુને વધુ લોકો મતદાન કરે એ માટે જાગૃતતા લાવવાના પ્રયાસ કરી રહ્યા છે. આ બધાની વચ્ચે મુંદ્રામાં રહેતી અક યુવતી પણ મતદાન જાગૃતતા માટેના પ્રયાસ કરી રહી છે. પ્રીતિ ધોળકિયા નામની આ યુવતી છેલ્લા ચારેક મહિનાથી લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતતા આવે એવા પ્રયત્નો કરી રહી છે.

કચ્છના મુંદ્રા જેવા નાના શહેરમાં રહીને પ્રીતિએ મતદાન જાગૃતિ માટે કરેલી કામગિરીની નોંધ બે વખત વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયામાં લેવાઇ છે. પ્રીતિ ધોળકિયા હાલ શ્રી કરણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ આ ઝૂંબેશ ચલાવી રહ્યા છે.

આમ તો આ કાર્યની શરુઆત વર્ષ 2014માં થઈ હતી. જો કે એમા વેગ આવ્યો 1 જાન્યુઆરી 2019થી. એમણે મતદાન જાગૃતિ માટે અત્યાર સુધીમાં 9 શહેર અને 19 ગામડાઓમાં સભા કરી છે. આ ઉપરાંત 12 સ્કૂલ, 4 યુનિવર્સિટી અને 11 કોલેજના છાત્રોને મતદાન કરવા માટે હાકલ કરી છે. મતદાન જાગૃતિની ઝૂંબેશમાં એમની ટીમે 115 રોડ શો, શેરી નાટક, વીડીયો જિંગલ, ઓડીયો જિંગલ પણ બનાવ્યા છે.

આપણે અત્યાર સુધી વોટીંગ માટેની ફક્ત વાતો જ સાંભળી છે, પણ એમના પર કોઇએ પુસ્તક લખ્યું હોય એવું સાંભળ્યું નથી. પરંતુ તાજેતરમાં પ્રીતિબેન ધોળકિયાએ ‘રેઇઝ વોટ રેઇઝ વોઇસ’ નામનું પુસ્તક લખીને વર્લ્ડ રેકોર્ડ ઓફ બુકમાં પણ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

આ ઉપરાંત, ગયા મહિને પ્રીતિબેને રાજકોટમાં વિધાર્થી, શિક્ષકો અને શહેરીજનોની રેલ યોજી હતી, જેમાં  650 જેટલા લોકોએ 5 કિલોમીટર લાંબી મતદાન જાગૃતિ રેલી યોજી રેકોર્ડ બનાવ્યો હતો.

પ્રીતિબેન ધોળકિયા chitralekha.com સાથે વાત કરતા કહે છે, ‘લોકતંત્રમાં વધુને વધુ લોકો મતદાન કરે એ ખૂબ જ જરુરી છે. આ માટે લોકોને મતદાન કેટલું મહત્વનું છે એ સમજાવવું જરુરી છે. મે આ માટે જ બુક લખી છે અને મારી ટીમ દ્વારા સતત લોકોમાં મતદાન જાગૃતિ આવે એવા કાર્ય કરવામાં આવે છે. અમે લોકો રસ્તા પર આપકા મતદાન લોકતંત્ર કી જાન, મતદાન સે હોતા હૈ રાષ્ટ્ર નિર્માણ… એવા સૂત્રો લખેલા બેનર લઇને ઉભા રહીએ છીએ. ખાસ કરીને યુવાનો વધુને વધુ મતદાન કરે એવા અમારા પ્રયત્નો રહે છે એના ભાગરુપે અમે સ્કૂલ અને કોલેજમાં મતદાન અવેરનેસના સેમીનાર કરીએ છીએ. હજુ આવનારા સમયમાં પણ આ પ્રવૃત્તિ ચાલુ જ રહેશે અને દરેક વ્યક્તિ મતદાન કરે એ જ મારો ઉદ્દેશ છે.’

અહેવાલ: જીતેન્દ્ર રાદડિયા (રાજકોટ)