મહેસાણાઃ ભાજપને સંગઠન નડશે કે કૉંગ્રેસને હાર્દિક ફળશે?

ગુજરાતની રાજકીય લેબોરેટરી ગણાતી આ બેઠક એના અનિશ્ચિત સ્વભાવ માટે જાણીતી છે. 1984માં આખા દેશમાં ભાજપ ફક્ત બે બેઠક પર જીત્યો હતો, એમાંની એક એટલે આ મહેસાણા બેઠક. અહીંથી ભાજપના ડૉ. એ. કે. પટેલે જીત હાંસલ કરીને ગુજરાતમાં ભાજપનો લોકસભામાં ઝંડો ફરકાવ્યો હતો. સળંગ પાંચ ચૂંટણીમાં ડૉ. એ. કે.પટેલ અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2004માં આ બેઠક ફરી કૉંગ્રેસ પાસે ગઈ, પણ 2009 અને 2014માં ફરી ભાજપે અહીં વર્ચસ્વ જમાવી લીધું હતું.

ઉત્તર ગુજરાતના પાટિદારોનું હબ ગણાતું મહેસાણા આમ તો ઉત્તર ગુજરાતનો રાજકીય પવન નક્કી કરવાનું કામ કરે છે. ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસા વગેરે વિધાનસબા બેઠકોનો સમાવેશ મહેસાણાના લોકસભા મતવિસ્તારમાં થાય છે, એમાંથી ત્રણ કૉંગ્રેસ અને ચાર ભાજપના તાબામાં છે. મહત્વની વાત છે કે વિધાનસભાના પરિણામ જોઈએ તો આ બેઠકો પર કૉંગ્રેસ પાસે ભાજપ કરતાં 16,948 મતોની સરસાઈ છે એટલે કૉંગ્રેસ આ બેઠક પર મીટ માંડી શકે છે.

ઓ.બી.સી. વર્ગ અને અનુસૂચિત જાતિના મતદારોની પણ મોટી સંખ્યા છે. મહેસાણામાં કુલ 16,27,678 મતદારો છે, જેમાંથી આશરે ચાર લાખ પાટિદાર, ચાર લાખ ઠાકોર, 1.29 લાખ દલિત અને 75,000 મુસ્લિમ મતદાર છે.

2014ની ચૂંટણીમાં ભાજપના જયશ્રીબહેન પટેલે કૉંગ્રેસના જીવાભાઈ પટેલને પાંચ લાખ કરતાં વધુ મતોથી પરાજય આપ્યો હતો. જોકે આ જીવાભાઈ પટેલ હવે કૉંગ્રેસ છોડીને ભાજપના ‘ચોકીદાર’ બની ગયા છે.

આ વખતે ભાજપ માટે અહીં ઉમેદવાર નક્કી કરવાનું કામ સૌથી વધારે કપરું બન્યું હતું, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નામની પણ વિચારણા થયા પછી છેવટે રાજ્ય સરકારના ભૂતપૂર્વ મંત્રી સ્વ. અનિલ પટેલનાં પત્ની શારદાબહેન પટેલને ટિકિટ આપી છે. શારદાબહેન બિનવિવાદાસ્પદ ચહેરો છે. એમની સામે કૉંગ્રેસે પણ એ. જે. પટેલ જેવા બિનવિવાદાસ્પદ ચહેરાને મેદાનમાં ઊતાર્યા છે.

વળી અહીં ઊંઝા વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ છે. કૉંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં ઊંઝાનાં ધારાસભ્ય ડૉ. આશાબહેન પટેલ આ વખતે ભાજપના ઉમેદવાર છે, પણ એમની સામે ભાજપના સ્થાનિક સંગઠનમાં જ જબરજસ્ત વિરોધ છે. આ સંજોગોમાં સંગઠનની જૂથબંધી ઊંઝા વિધાનસભાની સાથે સાથે લોકસભાનાં પરિણામોને પણ અસર કરી શકે છે. પટેલ મતદારોની બેઠક ગણાતી હોવાથી અને હાર્દિક પટેલના અનામત આંદોલન વખતે આ બેઠક આંદોલનનું કેન્દ્ર સ્થાન હોવાથી હાર્દિક પટેલ ફેક્ટર પણ અહીં કેટલું અસરકારક બની શકે છે એના પર બધાની નજર છે.

અહીં કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે.