જૂનાગઢઃ ગઢ પરથી કોનો ધ્વજ લહેરાશે ને કોના કાંગરા ખરશે?

આ વખતે ભાજપ માટે સૌથી વધારે ચિંતા જન્માવે એવી બેઠકોમાંની એક જૂનાગઢની છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપ જીતતું આવ્યું છે અને 2004માં કૉંગ્રેસની એક જીતને બાદ કરીએ તો એ અગાઉ પણ સળંગ ચાર ટર્મમાં આ બેઠક ભાજપ પાસે હતી. ભાજપ અહીં કુલ છવાર જીતી ચૂક્યું છે ને એનો અત્યાર સુધી સારો પ્રભાવ હતો. નવા સીમાંકનો અગાઉ અહીં લેઉવા પટેલનું પ્રભુત્વ હતું, જ્યારે નવા સીમાંકનો પછી આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા વધે છે એટલે કોળી ને ઓ.બી.સી. સમાજનું પ્રભુત્વ અત્યારે વધારે છે.

2014માં ભાજપના રાજેશ ચુડાસમા કૉંગ્રેસના પુંજાભાઈ વંશ સામે સવા લાખ જેટલા મતોની સરસાઈથી જીત્યા હતા. આ વખતે પણ આ બન્ને ઉમેદવારો વચ્ચે ફરી મુકાબલો છે.

પાટિદાર આંદોલનને પગલે પડખું ફરી ગયેલા મતદારોનું સાટું વાળવા ભાજપે અહીં ગિરનારની ગોદમાં મીની-કુંભની જાહેરાત કરીને હિન્દુત્વની લાગણી સાથે મતો અંકે કરવાનું ગણિત માંડ્યું છે.

આ મતવિસ્તાર વિસનગર, જૂનાગઢ, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડિનાર ને ઉનાની સાત વિધાનસભા બેઠકો ધરાવે છે. 2017માં આ તમામ બેઠકો કૉંગ્રેસે જીતી હતી. વિધાનસભાનાં પરિણામ મુજબ આ બેઠકો પર કૉંગ્રેસ ભાજપ કરતાં કુલ મતોમાં સવા લાખ મતોની સરસાઈ ધરાવે છે.

આ મતવિસ્તારમાં કુલ 17,50,000 જેટલા મતદારો છે, જેમાંથી આશરે 3,50,000 કોળી, 1,75,000 પટેલ, 1,80,000 મુસ્લિમ અને 1,40,000 દલિત મતદારો છે. મહત્વની વાત છે કે વિધાનસભાની તમામ બેઠકો કૉંગ્રેસના હાથમાં હોવાથી અહીં ભાજપનો દબોદબો હોવા છતાં ખેલ ભારે છે. જોકે ભાજપે માણાવદરના કૉંગ્રેસી ધારાસભ્ય જવાહર ચાવડાને ભાજપનો ખેસ પહેરાવ્યા પછી સમીકરણો બદલાઈ પણ શકે છે. આ વિસ્તારના પીઢ કૉંગ્રેસી અગ્રણી પેથલજી ચાવડાના પુત્ર જવાહરભાઈ આહિર મતદારો પર વર્ચસ્વ ધરાવે છે એટલે પટેલોની નારાજગીને ભાજપ આહિર મતોથી સરભર કરવાની ગણતરી રાખે છે. માણાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી પણ અહીં સાથે સાથે યોજાઈ રહી છે એટલે એ સમીકરણો લોકસભામાં પણ ભાગ ભજવી શકે છે. પાસ આંદોલન સાથે જોડાયેલા અને પછીથી ભાજપમાં ભળી ગયેલાં રેશમા પટેલ આ વખતે એન.સી.પી.નાં ઉમેદવાર તરીકે માણાવદરથી વિધાનસભાની પેટાચૂંટણી લડી રહ્યાં છે.

આ બેઠક પર કુલ 12 ઉમેદવારો મેદાનમાં છે.