મતદાન જાગૃતિના સંદેશા સાથે કામાખ્યા એક્સપ્રેસને લીલી ઝંડી

અમદાવાદ: લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને લોકોમાં મતદાન અંગે જાગૃતતા ફેલાઈ તે હેતુથી ચૂંટણીપંચ દ્વારા ભારતીય રેલવેના સહયોગથી દેશની ચાર જેટલી ટ્રેનોને મતદાર જાગૃતિના સંદેશાઓ–સ્ટીકરથી શણગારવામાં આવી છે. જે પૈકીની કામખ્યા એક્સપ્રેસ ટ્રેનનું અમદાવાદ રેલ્વે સ્ટેશન ખાતે આગમન થયું હતું.

લોકસભાની ચૂંટણીને લઈને આગામી 23 એપ્રિલના રોજ ગુજરાતમાં મતદાન યોજાશે. ત્યારે લોકોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તેવા સંદેશા સાથે કામાખ્યા એક્સપ્રેસ ટ્રેન અમદાવાદ રેલ્વે સ્ટેશને આવી પહોંચી હતી. મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલીક્રિષ્ણાએ બેન્ડની સુરાવલીઓ વચ્ચે ટ્રેનનું સ્વાગત કર્યું હતું.

ડો.એસ.મુરલીક્રિષ્ના એ આ અવસરે જણાવ્યું કે, કામખ્યા એક્સપ્રેસ ટ્રેન દેશના અનેક રાજ્યોમાંથી પસાર થાય છે, અને હજારો લોકો આ ટ્રેનના પ્રવાસનો લાભ લે છે ત્યારે લાખો લોકોને ચૂંટણી અંગેની બહોળી જનજાગૃતિ થાય છે.

તેમણે કાલુપુર સ્ટેશન પર મુસાફરોને ચૂંટણી અંગેની માહિતી મળે તથા પ્રત્યક્ષ ચૂંટણીના માહોલનો અનુભવ થાય તે માટે અહીં ગોઠવવામાં આવેલા ઇ.વી.એમ. મશીન તથા વીવીપેટ મશીનનું નીરિક્ષણ કરી માહિતી પણ મેળવી હતી.

ઉલ્લેખનીય છે કે, દેશની ચાર ટ્રેન કેરાલા એકસપ્રેસ, હિમસાગર એકસપ્રેસ, હાવરા એકસપ્રેસ અને કામાખ્યા એકસપ્રેસ ટ્રેનને મતદાન જાગૃતિનાં સંદેશા પ્રસારિત કરવાં માટે પસંદ કરવામાં આવી છે.

ગાંધીધામથી ગુવાહાટી (કામખ્યા) જતી આ ટ્રેનને મુખ્ય નિર્વાચન અધિકારી મુરલી ક્રિષ્ણાએ પોતાનાં આગળનાં નિર્ધારિત રૂટ પર જવા માટે અમદાવાદ રેલ્વે સ્ટેશનથી પ્રસ્થાન પણ કરાવ્યું હતું.

ટ્રેન દ્રારા મતદાન જાગૃતિ ફેલાવવાનાં આ ક્રાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાનાં કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, ચૂંટણી અધિકારીશ્રીઓ, રેલ્વેનાં અધિકારીઓ અને મુસાફરો મતદાન જાગૃતિનાં આ ક્રાર્યક્રમમાં જોડાયાં હતાં.