ભાજપના 7 ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી પત્રો, વ્યક્ત કર્યો જીતનો વિશ્વાસ

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. ભાજપ-કોંગ્રેસ સ સહિત વિવિધ પક્ષોના ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે. આજે ભાજપના કુલ સાત ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. જેમાં નવસારી,અમદાવાદ- પશ્વિમ, ખેડા, પંચમહાલ, સાબરકાંઠા, કચ્છ અને ભાવનગર બેઠકોનો સમાવેશ થાય છે.

નવસારી બેઠકના ભાજપના ઉમેદવાર સી.આર.પાટીલે 20 હજારથી વધુ સમર્થકો સાથે રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભર્યુ હતુ. જંગી રેલીમાં 7 વિધાનસભાના ધારાસભ્યો, નવસારી અને સુરતના સંગઠનના હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભાવનગર લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભારતીબેન શિયાળે આજે પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. ફોર્મ ભરતા પહેલા ભાજપ કાર્યાલયથી રેલી નીકળી કલેક્ટર કચેરી ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને સૌરભ પટેલ જોડાયા હતા. ભારતીબેને પોતાનું ઉમેદવારી પત્રક કલેક્ટર પાસે ભરાવી ઉમેદવારી નોંધાવી હતી.

તો અમદાવાદ (પશ્ચિમ) લોકસભાની બેઠક પર ભાજપે સાંસદ ડો. કિરીટ સોલંકીને ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે. આજે ભાજપના ઉમેદવાર ડો. કિરીટ સોલંકી વહેલી સવારે કાર્યકર્તા અને નેતાઓની વિશાળ રેલી સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ઢોલ-નગારા, ડી.જે ના તાલ સાથે નીકળેલી રેલીમાં કાર્યકર્તાઓએ પુષ્પ હાર અને ગુલદસ્તાથી ડો.કિરીટ સોલંકીને શુભકામનાઓ પાઠવી હતી. કલેક્ટર કચેરીમાં ઉમેદવારી ફોર્મ ભરવા જતા ડો. કિરીટ સોલંકી સાથે રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા, મેયર બીજલબેન, શંભુનાથ ટુંડિયા જોડાયા હતા.

તો પંચમહાલથી લોકસભા ચૂંટણી 2019ના ભાજપના ઉમેદવાર રતનસિંહ રાઠોડે પણ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. રતનસિંહ પોતાના કાર્યકર્તાઓ અને ભાજપના સ્થાનિક નેતાઓ સાથે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું.

તો સાબરકાંઠા લોકસભા ના ઉમેદવાર દિપસિંહ રાઠોડ રેલી સ્વરૂપે પહોચ્યા હતા. કલેક્ટર કચેરી ખાતે તેમણે કલેક્ટરને પોતાનું ઉમેદવારી પત્ર આપ્યું હતું. દિપસિંહ રાઠોડની સાથે પૂર્વ પ્રધાન શંકરભાઈ ચૌધરી, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ,  હિંમતનગરના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા,  સહિતના નેતાઓ સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

તો કચ્છ લોકસભા બેઠક પર આગામી લોકસભા ચૂંટણી 2019 માટે બીજેપીના વિનોદ ચાવડાએ ફોર્મ ભર્યું હતું. વિનોદ ચાવડાની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

ખેડા વિધાનસભા બેઠક પરથી દેવુસિંહ ચૌહાણે ઉમેદવારી નોંધાવી હતી. દેવુસિંહ સાથે ભાજપના નેતા પુરુષોત્તમ રુપાલા સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા.

ભાજપે હજુ મહેસાણા, અમદાવાદ-પૂર્વ અને સુરત બેઠક માટેના ઉમેદવારો જાહેર કરવાના બાકી છે. કોઈપણ ક્ષણે આ નામોની જાહેરાત હવે નવી દિલ્હીથી થઈ શકે છે.