ભાજપની સરકાર રચાય તો મુખ્યપ્રધાન કોણ ?

ગાંધીનગર– બહુમતી મળે તો મુખ્યપ્રધાન તરીકે રૂપાણી જ રહેવાની સાર્વત્રિક ધારણા છે, પરંતુ જો ફેરફારની સંભાવના ઉભી થાય તો નવા મુખ્યપ્રધાન તરીકે કેન્દ્રીયપ્રધાન મનસુખ માંડવિયાનું નામ મોખરે રહેશે તેમ ભાજપના ટોચના વર્તુળો જણાવે છે. મહેન્દ્રસિંહ સરવૈયાને હાઉસિંગ બોર્ડના ચેરમેન બનાવાતાં હવે મનસુખ માંડવિયાને વિધાનસભાની ચૂટણી લડાવાય તેવી શક્યતા વધારે છે. માંડવિયાને સત્તામાં નહીં તો સંગઠનમાં મહત્વનું પદ મળી શકે છે. ચૂંટણી પછી પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી પણ સત્તાક્ષેત્રે આવી શકે છે, તેઓને સીએમની સમકક્ષ અથવા પ્રદેશ પ્રમુખના હોદ્દાને છાજે તેવું મહત્વ મળવાની અટકળો થઈ રહી છે.હાલ વિધાનસભાની ચૂંટણી  વિજય રૂપાણીના નેતૃત્વમાં લડવાનું ભાજપે જાહેર કરી દીધું છે. ભાજપને બહુમતી અપાવવા વિજય રૂપાણી સતત દોડધામ કરી રહ્યાં છે અને ખાસ્સી મહેનત પણ કરી રહ્યાં છે. વિજય રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં પૂરરાહતમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે.

મુખ્યપ્રધાનની પસંદગી બિનપટેલમાંથી કરવાની હોય તો તેઓ યથાવત રહી શકે છે. ર૦૧૯ના પ્રારંભે લોકસભાની ચૂંટણી આવી રહી છે. તેથી નવા મુખ્યપ્રધાનની પસંદગીમાં જ્ઞાતિ, ભૂગોળ, કાર્યક્ષમતા, વિધાનસભામાં મળેલ પ્રતિસાદ વગેરે બાબતો નિર્ણાયક બનશે.

મુખ્યપ્રધાન બદલવાના સંજોગોમાં નવા મુખ્યપ્રધાન તરીકે હાલ માંડવિયાનું નામ મોખરે ગણાય છે તેમને કેન્દ્રીય નેતાગીરી તરફથી જે રીતે મહત્વ મળી રહ્યું છે તે સૂચક છે. ભાજપમાં તેમને સંભવિત ભાવિ મુખ્યપ્રધાન તરીકે નિહાળનારો વર્ગ મોટો છે.