ભાજપે જાહેર કર્યું વિઝન ડોક્યુમેન્ટ

અમદાવાદ- ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કા માટે આવતીકાલે શનિવારે મતદાન થવાનું છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પાટીદાર નેતા હાર્દિક પટેલના સતત શાબ્દિક હુમલાઓ બાદ હવે વોટિંગથી એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે. નાણાપ્રધાન અરૂણ જેટલી, ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પોતાનું વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યું છે.

ભાજપના વિઝન ડોક્યુમેન્ટના મુખ્ય મુદ્દા

  • 1 હજાર કરોડ રૂપિયાની યુવા સ્વાલંબી યોજના
  • ન્યૂ ઈન્ડિયાના આધારે નવુું ગુજરાત બનાવીશું
  • રાજ્યમાં કૃષિ વિકાસ માટે સિંચાઈ નીતિ લાગુ કરાશે
  • કૌશલ વિકાસ દ્વારા સ્ટાર્ટઅપને વેગ અપાશે
  • મહિલા સશક્તિકરણને વેગ અપાશે, મહિલાઓને ઉચ્ચ શિક્ષણ અને સાથે જ સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મદદ કરવામાં આવશે
  • રાજ્યમાં શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટેનું કામ કરશે ભાજપ
  • કેન્દ્ર સરકારની જેમ જ સસ્તી દવાઓના સ્ટોર ખોલાશે,  વિસ્તાર દીઠ ક્લિનીકને વેગ અપાશે
  • સ્માર્ટ વિલેજ અંતર્ગત, ઘરે ઘરે શૌચાલય અને કચરાના નિકાલ માટેની યોગ્ય સુવિધા કરાશે
  • સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ લાગુ થશે, સૂરત-વડોદરામાં મેટ્રો લાવીશું
  • મોટા શહેરોમાં બસ સર્વિસને આગળ વધારવામાં આવશે
  • આદિવાસી અને ઓબીસી વર્ગ માટે સર્વાંગી વિકાસ કરાશે
  • ગુજરાત એક ટુરિઝમ હબ છે, જેથી પર્યટનને વેગ અપાશે
  • વરિષ્ઠ નાગરિકોને સન્માન અપાશે
  • જાતિવાદ અને વંશવાદથી મુક્તિ અપાવીશું

તો આ સાથે જ જેટલીએ જણાવ્યું કે આંકડાઓ દર્શાવે છે કે ગુજરાત છેલ્લા ઘણા સમયથી દેશમાં સૌથી વધારે વેગથી વિકાસ કરનારૂ રાજ્ય બન્યું છે, ગુજરાત બાદ જે બીજા રાજ્યોનો નંબર આવે છે તેમાં મોટું અંતર છે.

જેટલીએ જણાવ્યું કે કોંગ્રેસનું વિઝન નિરાધાર છે, જે શક્ય ન થઈ શકે. કોંગ્રેસે 2008માં કહ્યું હતું કે અમે લોકો ખેડુતોનું દેવું માફ કરીશું પરંતુ તે લોકોએ ઋણ માફીમાં ગુજરાતને માત્ર 1156 કરોડ રૂપિયા આપ્યા હતા. થોડા સમય પહેલા જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, તો કેન્દ્રએ રાજ્યોમાંથી પેટ્રોલ-ડીઝલ પર ડ્યુટી ધટાડવાનું કહ્યું હતુ. પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્યોએ પૈસા ઓછા કરવાથી ઈનકાર કરી દીધો છે.

જેટલીએ જણાવ્યું કે કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢઢેરામાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જ સ્કીમને આગળ વધારવાની વાત કરી છે. મુદ્રા યોજના અંતર્ગત ગુજરાતમાં લાખો લોકોને લોન મળી છે. ભાજપનું વિઝન ડોક્યુમેન્ટ એ વાત પર છે કે જે અમે લોકોએ ગત વર્ષે અહીંયા ગ્રોથ કર્યો અને તેની ગતિને કેવી રીતે વધારે વેગ આપવામાં આવે.