ચૂંટણીપંચે રાહતનો શ્વાસ લીધો

ગાંધીનગર-ગુજરાત વિધાનસભાની બંને તબક્કાની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે. મતદાનની ટકાવારીમાં જોઈએ તો વર્ષ 2012 કરતા આ વખતે મતદાનમાં ઘટાડો જોવા મળ્યો છે. એકંદરે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે, હવે એ જોવાનું રહ્યું કે ગુજરાતની પ્રજાનો મિજાજ પરિવર્તન ઈચ્છે છે કે પુનરાવર્તન… મતદાન મથક પર આવતા મતદારોમાં ઉત્સાહ જોવા મળતો હતો. આ વખતે મતદાન 75થી 80% થવાનો અંદાજ હતો પરંતુ તે લક્ષ્ય પાર પડ્યું નહિ. મતદાન શાંતિથી પતી જતાં ચૂંટણી પંચે રાહતનો શ્વાસ લીધો છે.
 તમામ ઉમેદવારો દ્રારા પોતાની જીત માટે હાઇવોલ્ટેજ પ્રચાર કરવામાં આવ્યો હતો. છેલ્લી ઘડી સુધી દરેક ઉમેદવારો પોતાની તરફેણમાં મતદાન કરાવવા પુરી તાકાતથી લડ્યા છે. આ વખતની ચૂંટણીમાં ભાજપ પક્ષના ખુબ જ સિનિયર નેતા અને ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણીને ચૂંટણી પ્રચારથી દૂર રાખવામાં આવ્યા હતા. આ એક નોધનીય બાબત રહી પક્ષના અન્ય સિનિયર સભ્યોમાં આ વાત ચર્ચાનો મુદ્દો બનવા પામી હતી. આ વખતની ચૂંટણીમાં 22 વર્ષ બાદ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. દરેક વિધાનસભા બેઠક પર જુદા જુદા કારણોને ધ્યાનમાં લઈ મતદાન થયું છે. ક્યાંક જ્ઞાતિવાદ, ક્યાંક સ્થાનિક ઉમેદવાર સામે નારાજગી, ક્યાંક ઉમેદવારથી પોતાના પક્ષના જ કાર્યકરો નારાજ જેવા અગત્યના મુદ્દાઓને જો ખરેખર મતદારો દ્રારા ધ્યાને લેવામાં આવ્યા હોય તો પરિણામમાં ચોક્કસ ફેરફાર થાય તેમ રાજકીય ગણિતકારો કહી રહ્યા છે.
એક વાત એકઝીટ પોલ ઉપર કરી લઈએ આ એકઝીટ પોલમાં મતદાન પૂર્ણ થતાની સાથે કયા પક્ષ કેટલી બેઠકો લઇ જશે તેવો પ્રાથમિક અંદાજ મુકવામાં આવતો હોય છે. ભૂતકાળને યાદ કરીએ તો દિલ્હીમાં વડપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી બેઠા છે તેના 9 માસમાં દિલ્હી વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી ત્યારે આ ઓપિયન પોલ ભાજપ-કોંગ્રેસ અને ત્રીજા ક્રમે આમ આદમી પાર્ટી દર્શાવતા હતા. પરંતુ પરીણામ આવ્યું ત્યારે 70 બેઠકોમાંથી 67 બેઠકો આમ આદમી પાર્ટીને મળી હતી ત્યાર બાદ પંજાબની ચૂંટણીમાં પણ આ ઓપિયન પોલ ખોટા પડ્યા એટલું જ નહિ ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણીમાં પણ આ ઓપિયન પોલ ખોટા પડ્યા હતા. આ વખતે આ ઓપિયન પોલ કેટલા સાચા પડે છે તે જોવાનું રહ્યું.
આ ચૂંટણીના પરિણામમાં જો સત્તાધારી પક્ષને ફટકો પડશે તો આગામી દિવસોમાં ભાજપમાં મોદી રાજકીય ઉથલપાથલ થાય તેવા નિર્દેશો મળી રહ્યા છે. તો બીજી તરફ કોંગ્રેસ જો હારશે તો તેમાં પણ દોષનો ટોપલો પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી ઉપર આવશે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષે કહું જ ચિંતન કરવાની જરૂર પડશે. વર્ષ 2018માં ચારથી પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. અને વર્ષ 2019માં લોકસભાની મહત્વની ચૂંટણીઓ આવશે, આમ આ ચૂંટણીના પરિણામ આગામી રાજકીય સંકેતો આપશે તેમ માનવું રહ્યું.