સુરતમાં વિધાનસભાની ૧૨ સીટ, પણ મળશે એથી વધુ ધારાસભ્યો… કઈ રીતે? વાંચો…

ગઈ 9 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો પહેલો તબક્કો પૂરો થયો. એ પછી હવે ૧૪ ડિસેમ્બરે બીજો અને આખરી તબક્કો યોજાશે ને પછી 18 ડિસેમ્બરે પરિણામની ઉત્કંઠા ને ઉચાટ…

આપણે વાત સુરતની કરીએ તો અહીં શહેરની ૧૨ અને જિલ્લાની ચાર મળી કુલ ૧૬ સીટ છે, પરંતુ પરિણામ પછી પૂરી શક્યતા છે કે સુરતમાં એનાથી વધુ ધારાસભ્ય મળે!

તમને સહેજે જિજ્ઞાસા થાય: કઈ રીતે?

સુરતમાં જ રહેતા હોય અને વ્યવસાય કરતા હોય એવા અનેક છે, જે પોતાના વતનમાં જઈને ચૂંટણી લડે છે. આમાં સૌથી પહેલું નામ આવે ગઢડા જિલ્લા બોટાદથી સતત ચૂંટાતા ભાજપના આત્મારામ પરમારનું. એક સમયે સુરતની કોર્ટમાં પ્રેક્ટિસ કરતા અને સુરતના અડાજણ વિસ્તારમાં રહેઠાણ ધરાવતા આત્મારામભાઈની આ સતત છઠ્ઠી ચૂંટણી છે. ૨૦૦૨ની ચૂંટણીને બાદ કરતાં એ સતત ચૂંટાતા રહ્યા છે.

એ જ રીતે, ગારિયાધર જિલ્લા ભાવનગરથી ભાજપના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી સુરતના લંબે હનુમાન રોડ પર રહે છે. આ વખતે પણ એ ફરી મેદાનમાં છે. અમરેલી જિલ્લાની લાઠી-બાબરા બેઠક પરથી સુરતમાં જ રિયલ એસ્ટેટનો વ્યવસાય કરતાં અને ખોડલધામના ટ્રસ્ટી સમાજસેવી ગોપાલભાઈ વસ્તરપરા ભાજપના ઉમેદવાર છે.

આ તો થઈ ભાજપની વાત, કોંગ્રેસમાં જાયન્ટ કિલર બનવા નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સામે મહેસાણાથી ચૂંટણી લડતા જીવાભાઈ પટેલ પણ સુરતમાં રહે છે. આ પહેલાં એ મહેસાણાથી સાંસદ પણ રહી ચૂક્યા છે. સુરતમાં ગ્લૅમર નામે ટૅક્સ્ટાઈલ કંપની ચલાવતા રહ્યા છે.

એવા જ બીજા ઉમેદવાર છે મેરામણ ગોરીયા (ઘીવાલા). સુરતના સુમુલ ડેરી રોડ પર રહેતા મેરામણભાઈ જાયન્ટ કિલર બનવા માટે સામેથી દ્વારકા બેઠક માંગીને ગયા છે. એ પહેલાં પૂનમબહેન માડમ સાંસદ બનતાં ખાલી પડેલી ખંભાળિયા બેઠક પેટાચૂંટણીમાં જીત્યાં હતાં.

અમરેલી જિલ્લાના સાવરકુંડલા બેઠકના ઉમેદવાર પ્રતાપ દુધાત હવે વતનમાં જ રહે છે. એમની પત્ની ત્રાટક બેઠક પરથી અમરેલી જિલ્લા પંચાયતના સભ્ય છે, પણ એમનો પણ વ્યવસાય અહીં સુરતમાં છે.

એવી જ રીતે જયેશભાઈ રાદડિયાના ભાઈ, બાવકુ ઉઘાડના પુત્ર… એવા અનેક છે, જેમનો વ્યવસાયનો એક પગ સુરતમાં છે અને રાજકારણ-સમાજસેવા સૌરાષ્ટ્રમાં કરે છે. વાત એટલી છે કે સુરત શહેરમાં ભલે કુલ સીટ ૧૨ હોય, પણ સુરતને એથી વધુ ધારાસભ્ય મળશે એ નક્કી.

(અહેવાલઃ ફયસલ બકિલી)