મોંઘવારીના ખોટા આંકડા આપવાની ટીકા બાદ રાહુલે ભાજપની આ રીતે માગી માફી

અમદાવાદ-મોંઘવારીના મોરચે કેન્દ્ર સરકારને ઘેરવા રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટમાં ખોટા આંકડા આપ્યાં હતાં. જેમાં તેમણે આપેલાં બધાં આંકડા ખોટાં હતાં અને જેટલા ટકા મોંઘવારી વધી છે તેના કરતાં 100 ટકા વધુ મોંઘવારી બતાવી દીધી હતી. જેને લઇને ભાજપે વળતો ઘેરો નાખતાં રાહુલે તે ટ્વીટ પાછું ખેંચી લીધું હતું. જ્યારે આજે તેમણે આ કિસ્સાને લઇને ભાજપના મિત્રોની આકર્ષક અદામાં માફી માગી હળવો ટોણો માર્યો હતો.

રાહુલે આજે કરેલા આ ટ્વીટની કોપી આ રહી…

બીજેપીના મારા બધાં મિત્રો માટેઃ હું નરેન્દ્રભાઇ જેવો નથી, એક માણસ છું. આપણે ભૂલો કરીએ છીએ તેનાથી જીવન દિલચસ્પ બને છે. ભૂલ તરફ ધ્યાન દોરવા માટે ધન્યવાદ. કૃપા કરી આગળ પણ આવું કરતાં રહેજો તેનાથી સાચે જ મને સુધારો કરવામાં મદદ મળે છે.તમને સૌને પ્યાર…

રાહુલે મોંઘવારીના ખોટા આંકડા આપ્યાં ત્યારે તેમના ગણિતના જ્ઞાન અને હોમવર્ક પર કેન્દ્રીયપ્રધાન જિતેન્દ્રસિંહે સવાલ ઉઠાવ્યો હતો જેનાથી રાહુલ કઠેડામાં ઊભાં થઇ ગયાં હતાં. અને ભાજપે આ મુદ્દો ઝીલીને ચગાવવાની તક ઝડપી લીધી હતી.