જિલ્લેજિલ્લે PM મોદીનો ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર કાર્યક્રમ તૈયાર

અમદાવાદ-ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પહેલી ઉમેદવાર યાદી જાહેર થવા સાથે ચૂંટણીમેદાનમાં મધ્યાંતર શરુ થઇ ચૂક્યું છે. વિપક્ષ કોંગ્રેસ આ વખતે મેદાનમાં દેખાઇ રહી છે અને સારી એવી ટક્કર રાહુલ ગાંધી આપી રહ્યાં છે. ત્યારે આગામી રણનીતિ અમલમાં મૂકતાં ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પ્રચારજંગમાં ઉતારવા તૈયારી કરી લીધી છે. ભાજપે તૈયાર કરેલા ફૂલપ્રૂફ પ્લાન મુજબ ફક્ત નરેન્દ્ર મોદીને આગળ કરી ચૂંટણી લડવા માટે રાજ્યના જિલ્લે-જિલ્લે પીએમ મોદીની મહારેલીઓ કરવાનું આયોજન થઇ ગયું છે. પહેલા તબક્કામાં પીએમ પ્રચારકાર્ય માટે ટૂંકસમયમાં આવશે. મોદી પોતે એક સામાન્ય કાર્યકર્તાની જેવી આખરી મહેનત કરી કલાકોના હિસાબે ઝંઝાવાતી પ્રચારમાં લાગી જશે અને કોંગ્રેસ કેમ નહીં અને ભાજપને કેમ મત આપવો તે માચે ગુજરાતની જનતાને મનાવશે.

ચૂંટણીની સત્તાવાર અધિસૂચના પહેલાં જ ઘણોખરો મુદ્દાલક્ષી અને પૂર્વનિર્ધારિત યોજનાઓના લોકાર્પણ પ્રસંગોએ દોરદમામથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પક્ષનો પ્રચાર માહોલ બનાવ્યો જ હતો. નર્મદા યોજના પૂર્ણાહૂતિ અને દહેજ ફેરી સર્વિસ જેવા પ્રોજેક્ટોની સફળતા તેમાં મોટો ભાગ ભજવ્યો હતો.

આજે પહેલાં ચરણ તેમ જ બીજા ચરણમાં યોજાનાર ચૂંટણી માટે કુલ 70 ઉમેદવાર જાહેર કરી દીધાં પછી વધુ જોશથી પ્રચાર કાર્યમાં ઉતરી રહી છે. ભાજપ દ્વારા ચૂંટણી પ્રચાર માટે બીજેપી પ્રચાર માટે ચૂંટણી રથ પણ તૈયાર કરવાની છે. ત્યારે મુખ્ય સૂકાન સંભાળતાં પીએમ મોદી વાયુવેગી અને ઝંઝાવાતી પ્રચારમાં રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી જનતાના મનમાં ઉઠેલા વાંધાવચકાને ધોઇ નાખવા વીજળીગતિએ ફરી વળશે.