ભાજપમાં 60થી વધુ સીટિંગ સભ્યોને ટિકિટ નહીં મળે

ગાંધીનગર– ગુજરાતમાં આગામી ડિસેમ્બર માસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે મુખ્ય બે પક્ષો કોંગ્રેસ-ભાજપ પોતાના ઉમેદવારોની તૈયારીમાં લાગી ગયાં છે, આ વખતે એક વાત ચોક્કસ અગત્યની રહેશે જેમાં સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિમાં જોઈએ તો સત્તાધારી પક્ષ ભાજપ પોતાના પક્ષમાંથી અંદાજે 60થી વધુ ધારાસભ્યોને રીપીટ કરવાના મૂડમાં નથી જેમાં વર્તમાન મંત્રીમંડળમાં પણ કેટલાંક મંત્રીઓને પણ ટિકિટ નહીં મળે તેવા સ્પસ્ટ સંકેતો પક્ષના ટોચના વર્તુળોમાંથી મળી રહ્યાં છે.ભાજપને આ વખતે નોટબંધી, જીએસટી અને મોંઘવારી જેવા મુદ્દાઓ જેમાં ખાસ કરીને પેટ્રોલ, ડીઝલ,ગૅસના વધતાં ભાવોને પ્રજા ચોક્કસ મગજમાં રાખશે જ્યારે આ ઉપરાંત કોંગ્રેસમાં જૂથબંધીના કારણે જે માર પડતો હતો તેવો આ વખતે ભાજપમાં પણ અંદરોઅંદર જૂથવાદ અને માનસન્માન નહીં મળવાના કારણે કાર્યકરોમાં નારાજગીનું પ્રમાણ વધતું જોવા મળી રહેલ છે.

ગુજરાતમાં આ વખતે પાટીદાર ફેકટર વધારે નુકસાન કરે એમ દેખાઈ રહ્યું છે તો બીજી તરફ દલિત સમાજમાં બનેલા બનાવોને નલીયાકાંડ તેમ જ તાજેતરમાં વરુણ પટેલે વડાપ્રધાન ઉપર કરેલા ભાષણને ખુદ ભાજપ પક્ષના જ કેટલાક લોકો વાયરલ કરી રહ્યાં છે.

કુલ 182ની સંખ્યા ધરાવતી ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિયે ભાજપ પાસે 121 સભ્યો છે જેમાંથી 60થી વધારે સભ્યોને રીપીટ કરવાના મૂડમાં પક્ષ નથી, આ પરિસ્થિતિમાં ભાજપને 120 જેટલાં નવા ચહેરાઓ આપવાની તક મળશે.

બીજી તરફ કોંગ્રેસ પણ 2002થી ત્રણ વિધાનસભાની ચૂંટણીમાં 60 બેઠકો લાવવામાં સફળ રહી છે. તાજેતરમાં રાજ્ય સભાની ચૂંટણીમાં 14 સભ્યોએ રાજીનામાં આપી દીધાં છે ત્યારે કોંગ્રેસ પક્ષને પણ 140 નવા ચહેરાઓ જાહેરમાં મૂકવાની તક મળશે. આમ બંને પક્ષોને આ વખતે નવા ચહેરાઓ માટે કમર કસવાની છે.

કોંગ્રેસને જો આ વખતે ફાયદો થાય તો છેલ્લા 20 વર્ષથી ભાજપ સત્તા પર રહેલ છે તેમાં નારાજગી, મોંઘવારી, જૂથવાદ, જેવા મુદ્દાઑ ઉપર પ્રજાનું ધ્યાન રહેશે અને વિકાસના નામે થતાં કરોડો રૂપિયાના ખર્ચા પણ લોકમુખે ચર્ચાઇ રહ્યા છે. ગુજરાતમાં અમિત શાહ અને આનંદીબેનનો જૂથવાદ પણ ભાગ ભજવશે.