પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મુખ્ય રાજકીય પક્ષોએ શું ગણિત માંડ્યું?

ગાંધીનગર– ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં ગત ચૂંટણીની સરખામણી કરતા ઓછું મતદાન થતાે સત્તાધારી ભાજપ પક્ષ વધારે ચિંતામાં આવી ગયો છે. આજે સાંજે 5 વાગે બીજા તબક્કાની 93 બેઠકો માટે ચૂંટણી પ્રચાર પૂર્ણ થઇ રહ્યો છે. પ્રથમ તબક્કાની ચૂંટણી પૂર્ણ થતાંની સાથે બંને મુખ્ય રાજકીય પક્ષના તજજ્ઞો મતદાનના આંકડાના અભ્યાસમાં લાગી ગયાં છે. જેમાં મુખ્યત્વે કઈ જ્ઞાતિના કેટલા લોકોએ કેટલી સંખ્યામાં મતદાન કર્યું તે ચકાસી રહ્યાં છે. અને ત્યારબાદ કઈ બેઠક પર કોણ વિજેતા થશે તેની ગણત્રીમાં લાગી ગયાં છે.
પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ સહિત દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભરૂચ અને નર્મદા જિલ્લાની બેઠકોનો સમાવેશ થયો છે. પ્રથમ તબક્કાની આ 89 બેઠકોમાં ગઈ મોડી સાંજે રાજકીય પક્ષોના નિષ્ણાતો એ જે બાબત ચર્ચામાં મૂકી છે. તેમાં 48 બેઠકો કોંગ્રેસને અને 41 બેઠકો ભાજપ મેળવશે આ ગણિત ગણવાના મુખ્ય કારણમાં આ વિસ્તારમાં અનેક બેઠકો ઉપર પાટીદાર આંદોલન સહિત વિવિધ પ્રકારના આંદોલનો થયા છે.  જેની સત્ય હકીકત તો 18મી ડિસેમ્બરના રોજ જોવા મળશે.
સૌરાષ્ટ્ર-કચ્છની આ બેઠકો જીતવા માટે બન્ને રાજકીય પક્ષ દ્રારા પ્રચાર અભિયાન જોરશોરથી કરવામાં આવ્યું હતું આ વખતની ચૂંટણીના પરિણામ જો ભાજપ વિરુદ્ધ આવે તો મુખ્યત્વે 22 વર્ષના સાશન બાદ પરિવર્તનની લહેર ગણી શકાય ઉપરાંત નોટબંધી, જી.એસ.ટી. અને પાટીદાર આંદોલન પણ ગણી શકાય.
વડાપ્રધાન અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્રારા ચૂંટણી પ્રચારમાં ક્યાંક વિકાસ તો ક્યાંક ગાંધી પરિવાર ઉપર કરવામાં આવતા સીધા આકરા પ્રહારો કેટલા સફળ થશે તે જોવાનું રહેશે આમ છતાં પ્રથમ તબક્કાની ચૂંટણીમાં ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન યોજાયું હતું રાજકીય તજજ્ઞો આ વખતે 75 થી 80% જેટલું મતદાન થશે તેવા રાજકીય ગણિત મુકતા હતા. પરંતુ તેમાં મોટી પીછેહઠ જોવામાં આવી રહી છે.
આ પરિસ્થિતિમાં જો નુકશાન ભોગવવાનો સમય આવે તો ભાજપ માટે આવનારા દિવસો પડકારરૂપ ગણવામાં આવે તેમ મનાઈ રહ્યું છે. જયારે કોંગ્રેસને જો ફાયદો થાય તો એવું કહેવાય છે કે ત્રણ વખતની વિધાનસભાની ચૂંટણીમાં 60 થી 61 બેઠકો તો મળી છે આમાં જો વધારો થાય તો …… એટલો નફો કહેવાય તેમ ચોક્કસ માની શકાય.
ગત વિધાનસભાની ચૂંટણીની તુલનામાં 2017 ની પ્રથમ તબક્કાની પૂર્ણ થયેલ મતદાન બાદ રાજકીય ગણિતો માંડતા તજજ્ઞો પણ એક તબક્કે ચોંકી ઉઠ્યા છે અને મતદાન ઓછું થવાના નક્કર કારણોની શોધમાં લાગી ગયા છે. આગામી 14 ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન વધારે કેમ થાય તેમાં લાગી પડ્યા છે. હવે આમાં કેટલા સફળ થશે તે 14મી  ડિસેમ્બરના રોજ 5 વાગે ખબર પડશે.