ગુજરાત વિધાનસભા ચૂંટણીઃ પ્રચારમાં પ્લાસ્ટિક પ્રતિબંધિત

અમદાવાદ- પ્લાસ્ટિકના કારણે સર્જાતાં પ્રદૂષણથી ચિતિંત ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભા ચૂંટણીઓના પ્રચારકાર્ય દરમિયાન પ્લાસ્ટિક વાપરવામાં ન આવે તેનો પ્રબંધ કરી દીધો છે.  પ્રચારકાર્ય દરમિયાન પ્લાસ્ટિક સામગ્રી જેવી કે ખેસ અને ઝંડાની બનાવટમાં સૌથી વધુ હાનિકારક પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોય છે.આવી પ્લાસ્ટિક પ્રચાર સામગ્રી ઝડપાશે તો ચૂંટણી પંચ ઉમેદવારને દંડ પણ ફટકારશે.

આગામી વિધાનસભા ચૂંટણીમાં મત આપવા જનાર મતદારને વધુ એક ફેરફાર પણ નજરે ચડશે. વિધાનસભા બેઠકદીઠ પાંચ મોડેલ મતદાન કેન્દ્ર, એક મહિલા મતદાન કેન્દ્ર અને ઇવીએમ મશીનમાં પક્ષના ચૂંટણી ચિહ્ન સાથે ઉમેદવારનો ફોટો પણ જોવા મળશે. ઉમેદવારનો ફોટો લોકસભા ચૂંટણી સમયે ચૂંટણી પંચ દ્વારા મૂકાયો હતો પણ વિધાનસભા ચૂંટણી માટે આ સુવિધા પ્રથમવાર હશે..

કેટલીક જગ્યાએ મતદારો ઉમેદવારને યાદ રાખે છે પણ પક્ષ ચિહ્ન અને તે રીતે મત આપવાની પ્રક્રિયામાં ગૂંચવાડો અનુભવે છે તેવા મતદારો માટે ઉમેદવારનો ફોટો જોઇને મત આપવું સરળ બની રહેશે.

ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં ઇવીએમ મશીનમાં પક્ષ, પક્ષ ચિહ્ન અને ઉમેદવારનો ફોટો દર્શાવતાં ઇવીએમના કારણે અભણ મતદારો માટે સરળતા ઉપરાંત કેટલાક લેભાગુ લોકે મતદારોને ભોળવીને અન્ય વ્યક્તિને મત નંખાવી દેતાં હોય તેવી પરિસ્થિતિમાં ઉમેદવારના ફોટા સાથેના ઇવીએમની સુવિધા મતદારો માટે ખૂબ ઉપયોગી સાબિત થશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પ્રથમવાર અજમાવાનાર આ નવતર પ્રકારનો અનુભવ મતદારો માટે બની રહેશે.