પ્રથમ તબક્કામાં 89 બેઠકો માટે ભાજપના 193 અને કોંગ્રેસના 196 ઉમદવારો

  • પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ ૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી
  • પ્રથમ અને બીજા તબક્કા માટે ચૂંટણી ખર્ચ અને સામાન્‍ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો
  • ચૂંટણી ખર્ચ પર દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કુલ ૬૦૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત
  • રાજ્યનાં ૫૬,૪૩૯ હથિયાર પરવાનેદારો પૈકી ૫૦૫૮૯ એ પોતાના હથિયાર જમા કરાવ્યા
  • રૂ.૧૪.૭૧ કરોડની કિંમતનો વિદેશી – રૂ.૨૧.૨૧ લાખની કિંમતનો દેશી દારૂ રૂ.૨૦.૪૮ કરોડની અન્ય ચીજવસ્તુઓ મળી કુલ રૂ.૩૫.૪૧ કરોડનો મુદ્દામાલ જપ્ત
  • ફ્લાઈંગ સ્કવોર્ડ અને એસએસટી દ્વારા રૂ.૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત

ગાંધીનગર- ગુજરાતમાં વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે જાહેરનામુ પ્રસિધ્ધ થઈ ચુકયું છે, અને 20 નવેમ્બરથી ઉમેદવારી પત્રો ભરાવાનું શરૂ પણ થઈ ગયું છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સમગ્ર ચૂંટણી અંગેની સત્તાવાર માહિતી આપવામાં આવી હતી.રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય અધિકારી બી.બી સ્વેને જણાવ્યું હતું કે પ્રથમ તબક્કાની 89 બેઠકોની ચૂંટણી માટે ભાજપના 193 અને કોંગ્રેસના 196 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે, બન્ને પક્ષોએ ડબલ ઉમેદવારી કરાવી છે. બહુજન સમાજ પાર્ટીએ 87 ઉમેદવારો ઉભા રાખ્યા છે. એનસીપીએ 44 ઉમેદવારો પાસે ફોર્મ ભરાવ્યા છે. શિવસેનાએ 28 ઉમેદવારો અને આમ આદમી પાર્ટીએ 36 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે કુલ-૧૭૦૩ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા ૯૧૫ તેમજ અપક્ષ તરીકે ૭૮૮ એમ કુલ ૧૭૦૩ ઉમેદવારીપત્રો ભરાયા છે. જેમાં સૌથી વધુ સુરતની લિંબાયત બેઠક પરથી ૪૨ ઉમેદવારીપત્રો ભરાયા છે.

ચૂંટણી કાર્ય માટે કેન્દ્રીય નિરીક્ષકોની ફાળવણી

ભારતના ચૂંટણી પંચે રાજ્યમાં ચૂંટણી પ્રક્રિયા પર દેખરેખ રાખવા માટે પ્રથમ અને દ્વિતીય તબક્કાની ચૂંટણી માટે ૭૯ ખર્ચ નિરીક્ષકો અને ૧૧૨ સામાન્ય નિરીક્ષકો એમ કુલ ૧૯૧ નિરીક્ષકો ફાળવ્યા છે. જેમાં પ્રથમ તબક્કામાં ૫૭ સામાન્ય નિરીક્ષકો અને ૩૯ ખર્ચ નિરીક્ષકો તથા, દ્વિતીય તબક્કામાં ૫૫ સામાન્ય નિરીક્ષકો અને ૪૦ ખર્ચ નિરીક્ષકોની ફાળવણી કરવામાં આવી છે.

આચારસંહિતા અંગેની મળેલી કુલ ૬૬ રજૂઆતો પૈકી ૩૩નો નિકાલ

રાજ્યભરમાંથી વિવિધ સંસ્થા-અરજદારો દ્વારા આચારસંહિતા અંગેની ૬૬ રજૂઆતો મળી છે. જેમાંથી ૩૩ રજૂઆતોનો નિકાલ કરવામાં આવ્યો છે. જ્યારે અન્ય રજૂઆતોનો નિકાલ કરવાની કાર્યવાહી ચાલી રહી છે.

ફ્લાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમની કામગીરી

ભારતના ચુંટણી આયોગ, નવી દિલ્હીના માર્ગદર્શન મુજબ દરેક મત વિસ્તાર દીઠ ત્રણ –ત્રણ સ્ટેટીક સર્વેલન્સ ટીમની ફાળવણી કરવામાં આવી છે. હાલ રાજયમાં કુલ ૬૦૪ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તેમજ ૫૫૫ ફ્લાઈંગ સ્કવોર્ડ કાર્યરત છે. તમામ જિલ્લાઓ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી(DEO)ની કચેરી ખાતે ટોલ ફ્રી નંબર સાથે કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર પણ કાર્યરત કરવામાં આવ્યા છે. રાજયના શહેર/જિલ્લાઓ ખાતે જિલ્લા સ્તરનાં નોડલ અધિકારીશ્રીઓની(Election Expenditure Monitoring) નિમણૂંક કરવામાં આવી છે. તેમજ જિલ્લાસ્તરે ખર્ચ નિરીક્ષણ સેલની રચના કરવામાં આવી છે. ફ્લાઈંગ સ્કવોર્ડ અને SST દ્વારા જપ્ત કરવામાં આવેલી રોકડ રકમની સમીક્ષા-ચકાસણી કરીને, તે અંગે યોગ્ય નિર્ણય કરવા માટે જિલ્લાસ્તરે સમિતિની રચના કરવામાં આવી છે.

રાજ્યમાં ચૂંટણી દરમિયાન ખર્ચ પર દેખરેખ રાખવા તથા નશાબંધી-આબકારીની કામગીરી સંબંધે કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓ જેવી કે આવકવેરા, વાહનવ્યવહાર વિભાગ, વન વિભાગ, નશાબંધી અને આબકારી વિભાગ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. રાજયની આંતરરાષ્ટ્રીય અને આંતરરાજ્ય જળ અને જમીન સીમાઓથી થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા બીએસએફ, કોસ્ટગાર્ડ, નારકોટીક્સ બ્યુરો તેમજ રાજયના વિમાન મથકોએ તકેદારી રાખવા સીઆઈએસએફ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે.

રાજ્યમાં ફ્લાઈંગ સ્કવોર્ડ અને સ્ટેટીક સર્વેલન્સ ટીમ દ્વારા રોકડ રકમ અને સોનુ જપ્ત કરવાના ૧૪ કેસ નોંધાયા છે. જે પૈકી બનાસકાંઠા- અમદાવાદ શહેર, છોટાઉદેપુર,પાટણ, જામનગર, ભાવનગર અને નવસારીમાં એક-એક, જ્યારે મોરબીમાં ચાર અને ખેડામાં ત્રણ કેસ નોંધી કુલ રૂા.૧.૬૫ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ઉપરાંત, વિદેશી દારૂના ચાર કેસમાં રૂા.૧,૦૯,૩૮૦ની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે ચૂંટણી તંત્રે લીધેલા પગલાં

ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે ચૂંટણી તંત્ર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓ દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજ્યમાં કુલ ૫૬,૪૮૭ પરવાનેદાર હથિયારધારકો છે. જે પૈકી જિલ્‍લા કલેકટરના અધ્યક્ષપદે રચાયેલી સ્‍થાનિક રિવ્યુ કમિટિ દ્વારા સમીક્ષા બાદ કુલ ૫૦,૫૮૯ પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાં આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી સંબંધી તકેદારીના પગલાંના ભાગરૂપે પોલીસ તંત્ર દ્વારા કુલ ૪૦,૯૩૦ બિનજામીનપાત્ર વોરંટની બજવણી કરવામાં આવી છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર કરવામાં આવી ત્યારથી અત્યાર સુધીમા તંત્ર દ્વારા પાડવામાં આવેલા દરોડામાં દેશી-વિદેશી દારૂ તેમજ તે કેસમાં જપ્ત વાહનો-અન્ય સામગ્રી મળી કુલ રૂ.૩૫,૪૧,૧૧,૫૯૭ની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. નશાબંધીના ૨૨,૦૪૩ કેસોમાં કાર્યવાહી કરીને ૧૭,૮૮૬ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત, ગુજરાત નશાબંધી એક્ટ હેઠળ ૨૧,૮૫૭ કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવી છે. જ્યારે ક્રિમીનલ પ્રોસીઝર કોડની વિવિધ કલમ અન્વયે કુલ ૧,૧૮,૮૨૪ વ્યક્તિઓ સામે અટકાયતી પગલાં લેવાયા છે.