ચૂંટણીના પ્રથમ તબક્કા માટે પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થશે

ગાંધીનગર– ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે ગુરુવારે સાંજે 5 વાગે ચૂંટણી પ્રચારનો અંત આવશે અને 9મી ડિસેમ્બરના રોજ ગુજરાતમાં 19 જિલ્લામાં મતદાન યોજાનાર છે. અત્રે ફરી યાદ કરાવી દઈએ આ ઓગણીસ જિલ્લામાં મતદાન થવાનું છે તે જિલ્લા કયા છે. (1) કચ્છ (2) સુરેન્દ્રનગર (3) મોરબી (4) રાજકોટ (5) જામનગર (6) દેવભૂમિ દ્વારકા (7) પોરબંદર (8) જૂનાગઢ (9) ગીર સોમનાથ (10) અમરેલી (11) ભાવનગર (12) બોટાદ (13) નર્મદા (14) ભરૂચ (15) સુરત (16) તાપી (17) ડાંગ (18) નવસારી (19) વલસાડ
આખાય ભારતના તમામ રાજકીય પક્ષો અને રાજકારણ સાથે સંકળાયેલા લોકોની નજર રાજકોટ બેઠક ઉપર છે એટલું જ નહિ ભાજપના વડાપ્રધાનથી લઇ નાનામાં નાના કાર્યકરની નજર પણ આ બેઠક ઉપર છે. વર્તમાન મુખ્યપ્રધાન આ બેઠક ઉપરથી ચૂંટણી જંગમાં છે. ત્યારે રાજકોટના જ વર્તમાન કૉંગ્રેસના યુવા ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ પણ મેદાનમાં છે.
રાજકોટની આ બેઠક ઉપર બ્રાહ્મણ, પાટીદાર અને લોહાણા મતદારોનું પ્રભુત્વ વધારે છે. આ બેઠક ઉપરથી ભૂતકાળમાં ભાજપના ખુબજ સિનિયર નેતા અને હાલમાં કર્ણાટકના રાજ્યપાલ વજુભાઇ વાળા ચૂંટાઈ આવતા હતા અને વજુભાઇ વાળા 1990થી ગુજરાત સરકારમાં કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે એટલું જ નહિ પરંતુ ગુજરાત સરકારનો ઇતિહાસ છે કે વજુભાઇ વાળાએ નાણાપ્રધાન તરીકે ગુજરાત સરકારનું 18 વખત બજેટ રજૂ કર્યું છે અને તેના પર વિરોધ પક્ષ તરફથી આવતા આકારા પ્રહારોનો સામનો પણ હસતા હસતા કર્યો છે જેને વિરોધ પક્ષે પણ સ્વીકાર કર્યો છે આમ આ બેઠક અતિમહત્વની છે.
રાજકોટની આ બેઠકની બીજી અગત્યની વાત કરીએ તો હાલના મુખ્યપ્રધાન પણ આ બેઠક ઉપર ગત ચૂંટણીમાં વિજયી થયા હતા. ઉપરાંત હાલના દેશના વડાપ્રધાન પણ રાજકોટ બેઠક ઉપરથી જૂના સીમાંકન પ્રમાણે ચૂંટણી લડી 14 હજાર મતની સરસાઈથી જીત્યા હતા. આમ રાજકોટની આ બેઠક ગાંધીનગરની ગાદી માટે મહત્વની છે તેમ ચોક્કસ કહી શકાય. આ ઉપરાંત અતિ મહત્વની વાત અત્રે યાદ કરવી જરૂરી છે ગુજરાતના ઇતિહાસમાં 1995માં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સરકાર બની ત્યારે મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ પણ આ રાજકોટ શહેરની બેઠક ઉપરથી ચૂંટણી લડી વિજયી બન્યા હતા.