દશમી વખત ચૂંટાતા મોહનસિંહ રાઠવા વિધાનસભામાં સૌથી સિનિયર

ગાંધીનગર– ગુજરાત વિધાનસભામાં ચૂંટાયેલા 182 ધારાસભ્યોમાં સૌથી સિનિયર મોહનસિંહ રાઠવા છે. મોહનસિંહ રાઠવા વિરોધપક્ષના નેતા તરીકે તેરમી વિધાનસભામાં રહ્યા છે. તેઓ દશમી વખત ચૂંટાઈ આવ્યા છે. તેમનો જન્મ 4 એપ્રિલ 1944માં જેતપુર પાવીમાં થયો હતો.
મોહનસિંહભાઈ ચોથી વિધાનસભા 1972થી ચૂંટાઈ આવે છે. તેઓ કેબિનેટ પ્રધાન તરીકે રહી ચુક્યા છે. અને વિરોધપક્ષના નેતા છે. તેઓ આદિવાસી વિસ્તારમાં ખુબ જ સારું પ્રભુત્વ ધરાવે છે. અને ખૂબ જ સરળ સ્વભાવના વ્યક્તિ છે. તેઓ અમેરિકા અને લંડન જેવા દેશોમાં ફરી આવ્યા છે.
ઉપરાંત તેઓ ઘણી સેવાભાવી સંસ્થાઓ સાથે જોડાયેલા છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં મોહનસિંહ રાઠવા છોટાઉદેપુરમાંથી ભાજપના જશુભાઈ ભીલુભાઈ રાઠવાને 1093 મતની સરસાઈ આપીને જીત્યા છે. ભાજપના જશુભાઈ રાઠવાનો 74,048 મત મળ્યા હતા, જ્યારે કોંગ્રેસના મોહનસિંહ રાઠવાને 75,141 મત મળ્યા હતા.
બીજી બાજુ આ વખતે ચૂંટાઈ આપેલા યુવા નેતા પરેશ ધાનાણીને વિરોધપક્ષના નેતા બનાવવામાં આવે તેવી પુરેપુરી શક્યતાઓ છે ધાનાણી પાટીદાર નેતા છે અને યુવાન છે. ઉપરાંત સૌરાષ્ટ્રમાંથી પ્રતિનિધિત્વ કરે છે. અને આ વખતે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને ફાયદો થયો છે, આમ ધાનાણીની પસંદગી થાય તેવી પુરી શક્યતાઓ હાલ ચર્ચાઈ રહી છે.