શંકરસિંહ વાઘેલાનો આક્ષેપઃ ચૂંટણી હારવા માટે કોંગ્રેસે ભાજપ પાસેથી સોપારી લીધી

અમદાવાદ– ગુજરાતના રાજકીય વર્તુળોમાં વરિષ્ઠ રાજકારણી શંકરસિંહ વાઘેલાના નિવેદનોએ ચકચાર મચાવી છે. ગુજરાતના બે મુખ્ય રાજકીય પક્ષનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલાએ આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ જાણીબૂઝીને ભાજપ સામે હારી રહી છે. તેમણે એમપણ જણાવ્યું કે ભાજપને વિધાનસભા ચૂંટણીમાં બહુમત મળશે. ઓગસ્ટમાં જ કોંગ્રેસ છોડનાર વાઘેલાએ કોંગ્રેસ નેતાઓને કઠેડામાં ઊભાં કરતાં કહ્યું છે કે વિપક્ષના કેન્દ્રીય નેતૃત્વએ ચૂંટણી હારી જવા માટે ભાજપ પાસેથી સોપારી લીધી છે. કોંગ્રેસે પહેલાંથી ચૂંટણી જીતવાની તૈયારી કરી હોત તો તે ચૂંટણી જીતી શકત.ભાજપ રાજનીતિક પ્રબંધનમાં ખૂબ હોંશિયાર છે અને કોંગ્રેસે નક્કર કાર્ય નહીં કરી એ તથ્ય સામે આંખમિંચામણાં કર્યા હતાં.તેમણે ભાજપ માટે કહ્યું કે ગુજરાતમાં તેનું મજબૂત સંગઠન છે અને પક્ષ કાર્યકર્તાઓનો મોટો આધાર છે. તેને પડકાર આપવો હોય તો તમારે ઓછામાં ઓછા છ માસ પહેલાં નક્કર કામ શરુ કરવાની જરુર પડે. મેં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને કહ્યું હતું કે પક્ષ 90થી વધુ બેઠક જીતી શકે છે અને સરકાર બનાવવા સક્ષમ થઇ શકે છે. મેં તે તેમને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હું મુખ્યપ્રધાન બનાવ નથી માગતો. રાહુલે પણ મને આશ્વસ્ત કર્યો હતો કે દિલ્હીમાં તેઓ મારા મિત્ર છે અને રાજ્યમાં પક્ષ ચલાવવામાં મારી મદદ કરશે. કોંગ્રેસ માટે આ ચૂંટણી જીતવાનો સર્વશ્રેષ્ઠ મોકો હતો. ભાજપ 110થી વધુ બેઠક જીતી રાજ્યમાં સરકાર બનાવશે.

આ ઉપરાંત શંકરસિંહે હાર્દિક પટેલ અંગે જણાવ્યું કે આ પાટીદાર નેતા વિધાનસભા ચૂંટણી પછી ઇતિહાસ બની જશે. અગ્રણી સમાચાર સંસ્થાની મુલાકાતમાં તેમણે કહ્યું કે તેના જેવા લોકો ફક્ત પોતાના હિતની પૂર્તિ કરે છે.તમે જોશો કે એકવાર ચૂંટણી પૂરી થયાં પછી તે ઇતિહાસ બની જશે.

ગુજરાતના રાજકીય વર્તુળોમાં મહત્ત્વનું સ્થાન ધરાવતાં શંકરસિંહ વાઘેલાએ પોતાનો જનવિકલ્પ મોરચો બનાવ્યો છે.