Share on FacebookTweet about this on TwitterShare on Google+Pin on PinterestEmail this to someoneShare on LinkedInShare on TumblrPrint this page

– દેવદત્ત પટનાયક

આ સવાલનો એક જવાબ આપવો મુશ્કેલ છે, કેમ કે એક જવાબ શ્રદ્ધા પર આધારિત છે અને બીજો હકીકતો પર આધારિત. તમે સ્વીકારો તે ખરો. ગુજરાતમાં જૂની દ્વારકા દરિયામાં ડૂબેલી છે, તે 4000 વર્ષ જૂની મનાય છે, પણ તે હડપ્પન કાળની છે. તેની સામે શ્રદ્ધા એવી છે કે મહાભારતમાં જેના વિનાશનું વર્ણન છે તે આ કૃષ્ણની સોનાની નગરી છે. મહાભારતની જૂનામાં જૂની શ્રુતી 2500 વર્ષ જૂની ગણાય છે. તેથી બંને વચ્ચે કોઇ કડી નથી.

હિન્દુઓ માટે સમય ચક્રાકાર છે. તેથી કોઇ એક રામાયણ કે મહાભારત નથી. દરેક કલ્પમાં આ ઘટનાઓ બને છે. દરેક કલ્પમાં ચાર યુગ છે, તેમાં બીજામાં રામાયણ થાય છે અને ત્રીજામાં મહાભારત. દરેક યુગના અંતે પ્રલય થાય અને બધું જ નાશ પામે, માત્ર વેદની સ્મૃતિ રહી જાય.

પૃથ્વી પર છેલ્લો હિમયુગ 10,000 વર્ષ પહેલા આવ્યો હતો. શ્રદ્ધાળુઓ માને છે કે તે છેલ્લો પ્રલય હતો. ખગોળશાસ્ત્રના આધારે તારા અને નક્ષત્રોનું જે વર્ણન મળે છે તેના આધારે રામાયણને 7000 વર્ષ જૂનું અને મહાભારતને 5000 વર્ષ જૂનું માનવામાં આવે છે. તેના કર્તા વાલ્મિકી અને વ્યાસ મહાકાવ્યોમાં પાત્ર તરીકે પણ આવે છે.

આ વાત વિજ્ઞાનીઓ સ્વીકારતા નથી અને માને છે કે છેલ્લા હિમયુગ બાદ મોટી નદીઓના કિનારે સંસ્કૃતિઓ વિકસી. ગુફાઓમાં દોરાયેલા ચિત્રો અને પથ્થરની કલાકૃત્તિઓ મળી છે તેના આધારે દક્ષિણ એશિયામાં વસાહતો હતી તેનો ખ્યાલ આવે છે. સિંધુ અને સરસ્વતિના કિનારે 5000 વર્ષ પહેલાં હડપ્પન સંસ્કૃતિ વિકસી હતી તેમ માનવામાં આવે છે. એક હજાર વર્ષ ટકેલી તે સંસ્કૃતિ ઇજિપ્ત અને મેસોપોટેમિયાની સંસ્કૃતિ સાથે વેપારી કડી ધરાવતી હોવાનું વિદ્વાનો માને છે.

જોકે ક્લાઇમેટ ચેન્જના કારણે સરસ્વતિ સૂકાઇ ગઇ કે તેનો પ્રવાહ બદલાયો અને સંસ્કૃતિ નાશ પામી. તેની ભાષા કઇ હતી તે આપણે જાણતા નથી, તેથી તેઓ રામ અને કૃષ્ણ વિશે જાણતા હતા કે કેમ તે કહેવું મુશ્કેલ છે. તે સંસ્કૃતિના અવશેષોમાં એક જ જાણીતી મૂર્તિ છે, શિવ ધ્યાનમગ્ન મુદ્રામાં બેઠા છે તે. નદી સૂકાઇ જવાથી સંસ્કૃતિ તદ્દન નાશ પામી તેમ માનવું મુશ્કેલ છે. તેના વિચારો અને સંસ્કૃતિ બીજી નદીઓના કિનારે ટકી ગઇ હોય. તેથી જ પીપળો, સ્વસ્તિક અને ગણીતનું સૂત્ર 5:4 જે હડપ્પન નગરોમાં દેખાતા હતા, તે પ્રતીકો આજે પણ ટકી ગયા છે.

હડપ્પન સંસ્કૃતિની કોઇ ભાષા નથી, તે રીતે વેદિક સંસ્કૃતિનું કોઇ એક નગર નથી. પણ આગળ જતા વેદિક સંસ્કૃતિ ફુલીફાલી. તેની ભાષા 5000 વર્ષ જૂના ભટકતા યુરેસિયા લોકોને મળતી આવે છે. પ્રચલિત માન્યતા પ્રમાણે કેટલાક લોકો યુરોપ તરફ ગયા, જ્યારે કેટલાક લોકો ઇરાન થઇને ભારત તરફ આવ્યા. કેટલીય સદીઓ દરમિયાન આ માઇગ્રેશન થતું રહ્યું અને તેની સાથે ભાષાઓ પણ બદલાતી રહી. બ્રિટનના વિદ્વાનોએ ઠસાવ્યું તે રીતે કદી આક્રમણથી આ નહોતું થયું, પણ ધીમે ધીમે વસાહતો આગળ વધતી ગઈ હતી.

ભાષાના નિષ્ણાતો પ્રમાણે પ્રોટો-સંસ્કૃત યુરેસિયાથી આવી હોઇ શકે. આજે જેને સંસ્કૃત તરીકે જાણીએ છીએ તે હડપ્પન પ્રદેશોમાં જ બાદમાં આવીને વસેલા લોકોમાં વિકસી હતી. કે પછી બંને સંસ્કૃતિના લોકો વચ્ચે સંમિશ્રણ થયું હશે? કે પછી વેદોનો મંત્રોચ્ચાર કરનારા જ હડપ્પન નગરોમાં વસતા હતા? જોકે કોઇ મજબૂત પુરાવા મળતા નથી. વેદિક સંસ્કૃત બોલતી પ્રજા પૂર્વ તરફ વધુ આગળ વધી અને ગંગાના મેદાનોમાં વસી. લગભગ 3000 વર્ષ પહેલાં આ સંસ્કૃતિ વિકસી હતી. મંત્રોમાં પણ પૂર્વ તરફ આગળ વધવાની વાત આવે છે.

બાદમાં આવેલા મંત્રોમાં લોખંડનો ઉલ્લેખ આવે. ગંગાના મેદાનોમાંથી પકવેલી માટીના પાત્રો મળ્યા છે, જે આ યુગના હોઇ શકે છે. તેથી વેદિક સંસ્કૃતિ ગંગાના મેદાનોમાં 3000 વર્ષ પહેલાં ફૂલીફાલી હતી તેમ માનવાને વધારે કારણો છે.

મહાભારતની ઘટનાઓ ગંગાના ઉપલા તટપ્રદેશમાં, હાલના દિલ્હીની નજીક ઇન્દ્રપ્રસ્થ નજીક બન્યા હોવાનું લખાયું છે. જોકે મહાભારતમાં પાત્રોનું વર્તન અત્યંત ઉદ્દંડ છે. તેની સામે રામાયણના બનાવો અયોધ્યા અને મિથિલા તથા દક્ષિણ તરફના પ્રદેશોમાં બેલા છે. રામાયણના પાત્રો વધારે સંસ્કારી અને સૌમ્ય લાગે છે. તેથી એવું કહી શકાય કે માનવ સંસ્કૃતિનો વિકાસ થયો હતો અને લોકો વધારે શિક્ષિત બન્યા હતા? જોકે રામાયણ બાદમાં બની હોય તેમ માનવું મુશ્કેલ છે, કેમ કે મહાભારતમાં રામનો ઉલ્લેખ આવે છે.

બીજું વેદ જે સંસ્કૃતમાં લખાયા છે તેને વેદિક સંસ્કૃત કહે છે, જ્યારે રામાયણ અને મહાભારતના સંસ્કૃતને ક્લાસિકલ સંસ્કૃત કહેવામાં આવે છે. આ મહાકાવ્યોમાં જે વ્યાકરણ છે તે પાણીનીએ તૈયાર કરેલું વ્યાકરણ છે, જે લગભગ 2500 વર્ષ જૂનું છે. તેથી એવું કહી શકાય કે જૂનામાં જૂના રામાયણ અને મહાભારત 2500 વર્ષથી ઓછા જૂના હોવા જોઇએ.

મૌર્ય શાસન દરમિયાન લેખન શરૂ થયું હતું. આ સમયગાળો 2300 વર્ષ પહેલાંનો છે. વેદના સૂત્રો લેખિતમાં 2000 વર્ષે પહેલાં દેખાવા લાગ્યા. તે પહેલાં માત્ર મૌખિક પરંપરા હતી. માત્ર બ્રાહ્મણો જ તેને ગાતા હતા અને તેને કારણે તેમનું વર્ચસ્વ હતું. આ બ્રાહ્મણો સામે શ્રમણ પરંપરાના સાધકો, સંન્યાસીઓ દ્વારા પડકાર ઊભો થયો હતો. તેઓ ધ્યાન અને સમાધીને વધુ મહત્ત્વ આપતા હતા અને વિધિઓનો વિરોધ કરતા હતા. તેમની ડહાપણભરી વાતો લોકોને પસંદ પડતી હતી. સૌથી લોકપ્રિય શ્રમણોમાં બૌદ્ધ અને મહાવીર થઇ ગયા. બુદ્ધના વિચારો ખૂબ જ ફેલાયા. તે લગભગ 2500 વર્ષ પહેલાં થઇ ગયા તેમણે વેદ આધારિત વિધિઓ અને સંસારનો વિરોધ કર્યો હતો. તેના કારણે સંન્યાસનું મહત્ત્વ વધ્યું ત્યારે તેના પ્રતિસાદમાં રામાયણ અને મહાભારત તૈયાર થયા હોય તેમ લાગે છે. તેમાં બુદ્ધથી વિરુદ્ધ સંસારનું અને કર્મનું મહત્ત્વ દર્શાવાયું છે. એવું પણ બની શકે કે પ્રચલિત ઇતિહાસ, જૂની ઘટનાઓને વધારે સારી રીતે રજૂ કરાયા, તેમાં કલ્પનાનું તત્ત્વ ઉમેરીને તેમને વધારે ભવ્ય બનાવાયા અને રામાયણ મહાભારત તૈયાર થયા. તે દ્વારા સંસાર અને તેને લગતા વિચારોને વણી લેવાયા. જોકે આજે હકીકત કેટલી અને કલ્પના કેટલી, મૂળ કેટલું અને ઉમેરેલું કેટલું તે નક્કી કરવું મુશ્કેલ છે. પુષ્પક વિમાનની વાતો માત્ર કલ્પના છે અને શીખંડી દ્વારા એ વખતે પણ ટ્રાન્સજેન્ડર હતા તેવી દલીલોનો ઉગ્ર વિરોધ થાય છે.

વિદ્વાનો માને છે કે રામાયણ અને મહાભારત કોઇ એકનું સર્જન નથી. અનેક દ્વારા સમયાંતરે તેનું ઘડતર થતું રહ્યું. આ પ્રકારે એડિટિંગ કદાચ 2300થી 1700 વર્ષ પહેલા, 600 વર્ષના ગાળામાં થયું તેવી ધારણા છે. બાદમાં પ્રાદેશિક ગ્રંથો પણ તૈયાર થયા, જેમ કે તમિળ રામાયણ એક હજાર વર્ષ જૂનું છે, જ્યારે હિન્દુ રામાયણ અને મહાભારત 500 વર્ષ જૂના છે.

19મી સદીમાં ભારતભરમાંથી મૂળ રામાયણ અને મહાભારતનો દાવો કરતા ગ્રંથોને એકઠા કરવામાં આવ્યા હતા. 20મી સદીમાં વિદ્વાનોએ તે બધાનો અભ્યાસ કરીને તેમાંથી ‘ક્રિટિકલ’ એડિશન તૈયાર કરી છે. અભ્યાસના હેતુથી મૂળ સાથે વધારે મેળ ખાતા ગ્રંથ તૈયાર કરાયા. વડોદરાની સયાજી યુનિવર્સિટીની ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટમાં રામાયણની અને પૂણેની ભંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં મહાભારતની ક્રિટિકલ એડિશનો તૈયાર કરાઇ.

આ બધા પરથી એટલું કહી શકાય કે રામાયણ અને મહાભારતનું સૌથી વધારે પ્રચલિત સ્વરૂપ આજથી 2000 વર્ષ પહેલા તૈયાર થયું હતું. તેમાં જે ઘટનાઓનું વર્ણન છે તે 3000 વર્ષ જૂની હોઇ શકે છે. તેનાથી વધારે કલ્પનાને દોડાવવી તે પછી શ્રદ્ધાનો વિષય છે.

(આ લેખમાં પણ સમયગાળાને સમજણ માટે અંદાજે અને રાઉન્ડેડ કરીને આપવામાં આવ્યો છે.)


Stay updated on the go with Chitralekha News App. Click here to download it for your device.
VIDEOS